દક્ષિણ ભારતના અરુણાચલના સંત રમણ મહર્ષિએ ‘હું કોણ?’ની શોધરૂપી આત્મવિચારની પદ્ધતિ દ્વારા પ્રત્યેકના હૃદયમાં અધિષ્ઠિત થયેલા ઇશ્વર કે આત્માની શોધને શક્ય બનાવી છે. મહર્ષિએ ‘હું કોણ?’ની પદ્ધતિ આપીને સર્વ ધર્મના લોકો માટે સ્વ-સ્વરૂપની શોધને સુગમ્ય બનાવી છે. સત્ય તરફ જવાનો વૈજ્ઞાનિક માર્ગ તેમણે જગતને આપ્યો છે.
મહર્ષિએ કહ્યું: ‘વિચારો મનમાં આવે ત્યારે વ્યક્તિએ વિચારોમાં રત ન રહેતાં એ વિચારો કોને આવ્યા? એવો પ્રશ્ન પૂછવો જોઇએ. વિચારો ગમે તેટલા આવે, દરેક વિચાર જેમ જેમ જાગતો જાય તેમ તેમ કંટાળ્યા વિના પૂછ્યા કરવું જોઇએ, આ વિચાર કોને આવ્યો? આનો ઉત્તર મળશે ‘મને’ અને પછી જો વ્યક્તિ પ્રશ્ન ઉઠાવે કે ‘હું કોણ છું?’ તો મન તેના મૂળ પર પાછું આવશે અને વિચાર શાંત થઇ જશે. આમ અભ્યાસ ચાલુ રાખવાથી મન તેના મૂળમાં સ્થિર થઇને રહેવાનું શીખશે.’
મહર્ષિના કહેવા પ્રમાણે મનમાં ઊઠતા સર્વ વિચારોમાં હું અથવા અહં પ્રથમ વિચાર છે. એ વિચાર જાગ્યા પછી જ બીજા અસંખ્ય વિચારો જાગે છે. મન માત્ર વિચારોનો સમૂહ છે. ‘હું કોણ?’ની વિચારણા ચલાવવામાં આવે તો મન પોતાના જન્મસ્થાન હૃદયમાં પાછું વળે છે અને ઊઠેલો વિચાર વિલય પામે છે. જો મન હૃદયમાં સ્થિર થાય તો સકળ વિચારોના મૂળરૂપી ‘હું’ અદ્રશ્ય થાય છે અને સદા વિધ્યમાન આત્મા પ્રકાશી ઊઠે છે.
મહર્ષિએ આ આત્મવિચાર કે ‘હું કોણ?’ પદ્ધતિની પ્રશંસા કરતાં કહ્યું છે: ‘આત્મવિચાર સિવાયની બીજી પદ્ધતિઓ દ્વારા મનનો નાશ કરવાનો પ્રયત્ન કરવો એ ચોરે પોલીસ બનીને ચોરને એટલે કે, પોતાને જ પકડવા જેવું છે. ખરું જોતાં અહંકાર અથવા મનની હસ્તી જ નથી એ સત્યનું દર્શન કરાવીને એકલો આત્મવિચાર જ સાધકને આત્માના શુદ્ધ ચૈતન્યની કૈવલ્ય દશાનો સાક્ષાત્કાર કરાવે છે. તેઓ કહે છે: ‘હું કોણ?’ની વિચારણા જો માત્ર માનસિક પ્રશ્નપરંપરા જ હોત તો કશી વિશેષતા ન ગણાત.
આત્મવિચારનો મૂળ આશય સમગ્ર મનને તેના મૂળ સ્થાનમાં એકાગ્ર કરવાનો છે.’ તેઓ કહે છે: ‘એકલો આત્મવિચાર જ સાધકને આત્માના શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ કરાવી શકે છે.’ આ પદ્ધતિને મહર્ષિ અત્યંત ‘Meritorious’ અને ‘Most Purifying’ ગણાવે છે. સમગ્ર વાતના સારરૂપે એમ કહી શકાય કે મનમાં ઊઠતા સર્વ વિચારોમાં ‘હું’ ‘અહં’ વિચાર જ - મૂળ વિચાર અથવા પ્રથમ વિચાર છે. એ વિચાર જાગ્યા પછી જ બીજા અસંખ્ય વિચારો જાગે છે. ‘હું કોણ?’ની વિચારણાથી સકળ વિચારોના મૂળરૂપી હું અદ્રશ્ય થાય છે અને સદા વિધ્યમાન આત્મા પ્રકાશી ઊઠે છે.
શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધિને ‘હું’ સાથે સાંકળીને મહર્ષિ કહે છે, ‘હું કોણ છું? એ તપાસ શ્રવણ છે. ‘હું’ના સાચા અર્થનો નિશ્વય મનન છે. દરેક પ્રસંગે આ જ્ઞાનનો વ્યાવહારિક ઉપયોગ નિદિધ્યાસન છે. ‘હું’ રૂપે રહેવું સમાધિ છે.’
રમણ મહર્ષિ ‘હું કોણ?’ પદ્ધતિની મહત્તા પોતાના સ્વાનુભાવ દ્વારા વ્યક્ત કરતાં કહે છે: ‘હું ખરેખર સદ્ભાગી હતો કે તત્વચર્ચાથી વેગળો રહ્યો. જો હું એમાં પડ્યો હોત તો ક્યાંયનો ન રહ્યો હોત. પણ મારાં સહજ વલણોએ મને ‘હું કોણ?’ એ સીધી વિચારણા તરફ વાળ્યો. કેવું સદ્ભાગ્ય!’ મૌની સાધુ લખે છે: ‘આત્મવિચારના આ અલૌકિક અમોઘ ઔષધને માનવજાતિના મંગળના માટે પ્રદાન કરીને રમણ મહર્ષિએ એની અમૂલખ સેવા કરી છે. એ સેવા સદાને માટે અવિસ્મરણીય રહેશે.’આજે એમની જન્મજયંતી નિમિત્તે એમનું સ્મરણ-વંદના કરીને વિરમીશું.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment