રામકૃષ્ણદેવનાં સહધર્મિણી તથા તેમની આધ્યાત્મિક શક્તિ મા શારદામણિદેવી વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ૨૭મી ડિસેમ્બર, ૨૦૧૦, માની ૧૫૮મી જન્મજયંતી છે. તેમનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૫૩ના રોજ પં.બંગાળના હુગલી જિલ્લાના જયરામવાટી ગામમાં થયેલો. મા વિશે લખવું તે ખરેખર ખૂબ જ કપરું કામ છે, કારણ કે તેમના સર્વગુણ સંપન્ન વ્યક્તિત્વનાં અસંખ્ય પાસાંઓ છે. છતાં આજે તેમના જન્મદિવસે અમુક મુખ્ય પાસાઓનો વિચાર કરીએ.
અલૌકિક પવિત્રતા : માતાજી ૬ વર્ષનાં હતાં, ત્યારે તેમનાં લગ્ન ૨૪ વર્ષના રામકૃષ્ણદેવ સાથે થયાં. ઠાકુરે માની સમક્ષ પોતાના અનુભવ અને સાધનાથી મેળવેલ જ્ઞાનભંડાર અને ત્યાગથી ઉન્નત બનેલ જીવનનો આદર્શ મૂક્યો. માને ધર્મજીવન ઉપરાંત ચારિત્રય ઘડતર વિશે તથા રોજિંદા ગૃહસ્થ જીવનની કેળવણી પણ આપી.
રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વર રહેતા હતા અને ઉચ્ચ સાધનામાં મગ્ન હતા, છતાં પણ મા જ્યારે દક્ષિણેશ્વર આવ્યાં ત્યારે ઠાકુરે માને તેમની સાથે રહેવાની અનુમતિ આપી. ઠાકુર તો આખી રાત સમાધિમાં મગ્ન રહેતા. એક દિવસ તેમણે માને પૂછ્યું, ‘તમે શું મને સંસારના માર્ગે ખેંચી જવા આવ્યાં છો?’ જરાપણ ખચકાયા વગર માએ જવાબ આપ્યો, ‘ના રે, હું શા માટે તમને સંસારના માર્ગે ખેંચી જઉં? હું તો તમને ઇષ્ટમાર્ગે સહાય કરવા માટે આવી છું.’ માએ એક દિવસ ઠાકુરને પૂછેલું, ‘તમે મને કઇ દ્રષ્ટિથી જુઓ છો?’ ઠાકુરે જવાબ આપેલો, ‘મંદિરમાં જે કાલી માતા છે તે, જેણે મને જન્મ આપ્યો છે તે તથા એક જ જગદંબા શક્તિ રૂપે જોઉં છું.’ આમ, તેઓનો આધ્યાત્મિક સંસાર હતો.
સહનશીલતા છતાં આધુનિકતા : માની સહનશલતા અજોડ હતી. મા રહેતાં તે ઓરડી એટલી નાની હતી કે, તેમાં રહી શકાય તેમ ન હતું. તેમાં મા રહેતાં, રસોઇ બનાવતા અને ભક્તોની સેવા કરતાં. ત્રણ વાગ્યે ઊઠીને બે કલાક જપ કરતાં. ત્યારબાદ ભક્તોનું જમવાનું બનાવતાં. છતાં પણ માના વિચારો ખૂબ જ આધુનિક હતા. આધુનિકતા વિચારોમાં હોય છે, કપડાંમાં નહીં.
મા અંગત રીતે માનતાં કે ખાવા-પીવાની અને રહેવાની સારી વ્યવસ્થા હોય તો, પુરુષોની માફક સ્ત્રીઓ પણ આજીવન બ્રહ્નચારિણી રહી શકે અને તેઓ તે મુજબ અનુમતિ આપતાં. એક ભક્તની દીકરીએ આ રીતે અનુમતિ માગતાં તેમણે જણાવેલું, ‘આખું જીવન બીજાનું દાસત્વ કરીને બીજાની મરજી મુજબ ચાલવું તે ઓછું કષ્ટ છે? જો સંસારમાં મન ન હોય અને લગ્ન કરવાની ઇચ્છા ન હોય, તો પરાણે પરણાવીને દીકરીને સંસારમાં નાખવી તે અન્યાય છે.’ મા સ્ત્રીઓને શિક્ષણ આપવાનાં હિમાયતી હતાં. તેમની ભત્રીજીને મશિનરી સ્કૂલમાં અભ્યાસ માટે મોકલેલી તથા સ્વામીજીના વિદેશી શિષ્યોને હિન્દુત્વના સિદ્ધાંતો શીખવતાં. સાધુઓને પણ અંગ્રેજી શીખવાનું જણાવતાં. આમ, તેમનો અભિગમ આધુનિક હતો.
કરુણા અને માતૃભાવ : રામકૃષ્ણદેવની મહાસમાધિ પછી માએ ૩૪ વર્ષ સુધી કામ કરી અનેક લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું. માતાજીમાં ભક્ત, યોગી અને જ્ઞાનીનું એવું સંમિશ્રણ થયેલું કે, તેમના હૃદયમાંથી એકસરખો, નિવ્ર્યાજ, નિરપેક્ષ અને કરુણાસભર પ્રેમ છલકાતો રહેતો. પછી તે વ્યક્તિ સાધુ હોય કે દુર્જન. એટલું જ નહીં પરંતુ મા પશુ-પક્ષીઓનાં પણ મા હતાં. માને ત્યાં એક ગાય હતી. મા નિયમિત રીતે ગૌસેવા બરાબર થાય તે જોતાં. એક દિવસ એક ગાયનું વાછરડું બેચેનીથી ભાંભરતું હતું. બધા આવીને ઉપચાર કરવા લાગ્યા. કેમેય વાછરડાનું ભાંભરવાનું બંધ નહોતું થતું.
એની બૂમો સાંભળી મા દોડી આવ્યાં અને એ પોતાનું બાળક હોય તેમ તેને વળગી ડાબા હાથથી એના નાભિ અને પેટ દબાવી પંપાળવા લાગ્યાં. થોડીવારમાં વાછરડું શાંત થઇ ગયું. માને ત્યાં બિલાડી પણ હતી. એના માટે ખાસ પાશેર દૂધની વ્યવસ્થા કરવામાં આવેલી. એ પણ ડર્યા વગર માતાજીના પગ પાસે સૂઇ રહેતી. કોઇ મારવા આવે તો માના પગ વચ્ચે ભરાઇ જતી. મા કહેતાં, ‘તેનો સ્વભાવ જ ચોરી કરીને ખાવાનો છે, તેને કોઇએ મારવું નહીં. તેની અંદર પણ હું જ છું.’
માના મુખ્ય ઉપદેશ સાથે તેમનાં ચરણોમાં પ્રણામ કરીએ. મા કહેતાં, ‘બેટા, મનની શાંતિ જોઇતી હોય તો કોઇના દોષ જોશો નહીં. દોષ જોવા હોય તો પોતાના જુઓ. કોઇના દોષ જોવાથી મન કલુષિત થાય છે. લોકોને અપનાવતા શીખો. કોઇ પરાયું નથી.’
તો ચાલો, માના જીવનનું આ જ રીતે વારંવાર ચિંતન કરી, જીવનને સરળ બનાવી, ત્યાગ અને સેવાના આદર્શ સાથેનું પ્રાર્થનાપૂર્ણ જીવન જીવી આપણે પણ માના દિવ્ય પ્રેમના સાચા વારસદાર બનીએ. જેથી તે દિવ્ય પ્રેમ આપણા જીવનમાં પણ અભિવ્યક્ત થાય.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment