એક મહાત્મા પાસે એક કોટયાધપિતિ આશીર્વાદ લેવા ગયા. તેમના મુનીમે શેઠનો પરિચય આપતાં કહ્યું, ‘પ્રભુ! આપના આશીર્વાદથી શેઠ સો કરોડના આસામી થયા છે. જાતમહેનતથી આ સિદ્ધિએ પહોંચ્યા છે.’‘તેમને મળીને આનંદ થયો.’ મહાત્માએ કહ્યું.‘તેમણે ઘણાં દાન કર્યા છે.’ મુનીમે શેઠની ભાટાઇ કરવાનું ચાલુ રાખ્યું અને શેઠ મુનીમે કરેલાં વર્ણનોનું અનુમોદન આપતા હોય એમ માથું નમાવતા હતા.

‘પ્રભુ તમે નહીં માનો, પણ તેમનામાં સંપત્તિનો લેશમાત્ર ઘમંડ નથી.’ મુનીમે કહ્યું.

‘હું માનું છું.’ મહાત્માએ કહ્યું.

‘તે અતિ ધાર્મિક છે. દેવદર્શન, પૂજાપાઠ તેમનો નિત્યક્રમ છે.’

‘હું માનું છું.’ મહાત્માએ કહ્યું.

મુનીમજી શેઠનું વર્ણન કરતા અને પ્રત્યેક વખતે ‘હું માનું છું, કાં તો, એ જાણીને મને આનંદ થયો.’ કહેતા. મહાત્મા શાંત ચિત્તે મુનીમના વર્ણનનો પ્રત્યુત્તર આપતા.શેઠની ભાટાઇ કરતાં મુનીમ થાક્યા. જેમ ફૂલની આસપાસ ભમરા મંડરાતા હોય તેમ શેઠની સાથે મહાત્માનાં દર્શનનો લાભ ખાટવા બે-ત્રણ ખુશામતિયાઓ પણ હતા. તે પણ વચ્ચે મુનીમની વાતમાં ટાપસી પુરાવતા અને શેઠ પણ નતમસ્તક થઇ ‘પ્રભુ આપના આશીર્વાદ છે, કહી પોતાનો વિવેક દર્શાવતા હતા.’

મુનીમજીનું બોલવાનું પૂરું થયા પછી મહાત્માએ હસતાં હસતાં કહ્યું, ‘મુનીમજી, મેં તમારી બધી વાત માની. હું એ પણ માનું છું કે તમે કહો છો તે પ્રમાણે તમારા શેઠ ધાર્મિક હશે, પરંતુ તમારા શેઠની પ્રામાણિકતા માટે મને શંકા છે.’મહાત્માની વાત સાંભળી મુનીમને, શેઠને તેમના ખુશામતિયાઓને એક ઝાટકો લાગ્યો.

‘પણ પ્રભુ’, મુનીમને બોલતાં અટકાવી મહાત્માએ કહ્યું, ‘હવે બોલવાનો વારો મારો છે મને પૂરેપૂરું કહી રહેવા દો.’ અને મહાત્માએ તેમની વાતની સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘પસીનો પાડી જાતમહેનત કરી કોઇપણ માણસ કરોડોનો આસામી બની શકતો નથી. સિવાય કે બે-ત્રણ પેઢીથી તે ગર્ભશ્રીમંત હોય અને ગર્ભશ્રીમંત હોય તો તેને જાતમહેનત કરવાની હોતી નથી. જરા સ્પષ્ટ કહું તો મને ક્ષમા કરજો, પરંતુ હું તો સંન્યાસી છું. સમાજને માર્ગદર્શન આપવું મારું કર્તવ્ય છે. તમે તો તેમના મુનીમ છો. તેમના અંગત સચિવ જેવા છો. તો તમે કહી શકશો કે તમારા શેઠે રાષ્ટ્રની સંપત્તિની ચોરી નથી કરી? સમાજની-સરકારની ચોરી નથી કરી? અરે, ધાર્મિકતાની બધી વાતો કરો છો તો તમારા શેઠે ભગવાનની ચોરી નથી કરી?’

‘ચોરી? અને ભગવાનની! આ તો તમે હદ...’ ‘ના, મુનીમજી હું હદ બહાર કોઇ વાત નથી કરતો. જે સાચું છે તે તમને કહું છું. કરોડો રૂપિયા કમાઇ પચીસ હજારનો રાજભોગ કરાવ્યો કાં તો લાખ બે લાખ, પાંચ સાત લાખ દાનમાં આપ્યા તેથી તમે એમ સમજો છો કે તેમણે ચોરી નથી કરી?

‘આ હું નથી કહેતો અને તે કહેવાનો મારો અધિકાર નથી પરંતુ તમારા શેઠ જે ભગવાનની પાઠપૂજા કરે છે તે ભગવાને સ્વયં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે, તમને ઇિચ્છત ભોગો આપશે, પરંતુ તેમણે આપેલા ભોગો તેમને ન આપતાં-તેમનો ભાગ તેમને ન આપતાં જે માણસ ભોગવે છે તે ચોર જ છે.

‘અરે પ્રભુ પણ...’ શેઠથી ન રહેવાયું. તેમણે પહેલી વાર મોઢું ખોલ્યું.‘શેઠ, મને તમારા માટે માન છે પરંતુ તમારી પ્રામાણિકતા માટે નહીં.’શેઠ, મોટાભાગની ધનસંપત્તિ એ સમાજના શોષણમાંથી આવતી હોય છે. (તેની વિસ્તૃત ચર્ચા લેખની મર્યાદા બહારની છે.) દા.ત. કાળાબજારનું ધન, અછતના સમયમાં ભાવવધારો, સંઘરાખોરી-મોંઘવારી-ઇત્યાદિ એ સમાજની ચોરી નથી? વખતે તમારા બાપદાદાએ જે ધનસંચય કર્યો હશે, તે સંપત્તિ પણ તેમણે સમાજ પાસેથી જ મેળવી છે, એ રખે ભુલાય! તમારાં કારખાનાઓમાં શ્રમજીવીઓ પાસેથી તમે મહેનત કરાવો છો- તેમના તરફ આત્મીયભાવથી જોઇ-તેમને પણ તમારા જેવો જ પરિવાર છે, બાળ-બચ્ચાં છે તે ધ્યાનમાં રાખી તેમને વેતન આપો છો? તેમના તરફ તેવી દ્રષ્ટિ કેળવી છે? તમે તમારી જાતને પૂછી જુઓને? કરોડોનો વહીવટ કઇ રીતે ચાલે છે?’પરંતુ રાષ્ટ્રની ચોરી? ભગવાનની ચોરી? તેનો વિચાર ફરી કોઇ વાર.

0 comments