અન્યાયને રોકવાના બધા માર્ગ નિષ્ફળ જાય ત્યારે હાથમાં તલવાર ધારણ કરવી યોગ્ય છે, શુભ છે, પવિત્ર છે, આ ક્રાંતિકારી વિચારધારા છે, દશમગુરુ- ગુરુ ગોવિંદસિંઘજીની.રાષ્ટ્રીય એકતા અને માનવમાત્રની એકતાનો આદર્શ આપનાર, ભક્તિની સાથે શક્તિનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે મરી ફીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંઘજીનો જન્મ સંવત ૧૭૨૩ પોષ સુદ સાતમે પટના શહેરમાં પિતા ગુરુ તેગબહારદુર અને માતા ગુજરીના ગૃહે થયો હતો. તે દિવસે લુધિયાણાના પ્રસિદ્ધ મુસ્લિમ અંત ભીખનશાહે પૂર્વ દિશા તરફ મુખ રાખી નમાજ પઢી. ભક્તોએ કારણ પૂછ્યું તો બોલ્યા, ‘આજે અલ્લાહના નૂરે પૂર્વમાં અવતાર ધારણ કર્યો છે.
ગુરુનું દર્શન કરવા ભીખનજી પટના પહોંચ્યા, સાથે બે રૂજા લઇને ગયા અને બોલ્યા, જોઇએ ગુરુ કોને વધુ પ્રેમ કરશે હિંદુને કે મુસ્લિમને? બાળક ગોવિંદરાય તે સમયે માત્ર સત્તર દિવસના હતા. તેમણે બંને રૂજા પર પોતાનાં ક૨કમળ મૂકી દીધાં. આ જોઇ ભીખનશાહ આજીવન તેમના ભક્ત થઇ ગયા. પટનામાં આજેય હરિમંદિરની એક તરફ મંદિર છે અને બીજી તરફ મિસ્જદ છે. ધર્મશાસ્ત્રોની સાથે શસ્ત્રોનો અભ્યાસ અને અનેક બાળલીલીઓમાં તેમનું બાળપણ પટણાની ગલીઓમાં વીત્યું. ત્યાર બાદ માતા-પિતા સાથે પટના છોડી આનંદપુર આવ્યા.
પિતાનું બલિદાન: ગોવિંદરાય માત્ર નવ વર્ષના હતા ત્યારે પિતા ગુરુ તેગબહાદુરજી પાસે કાશ્મીરથી કેટલાક બ્રાહ્નણ પંડિતો આવ્યા અને પોતાના ધર્મ, જનોઇ અને તિલકનું રક્ષણ કરવા વિનંતી કરી. ગુરુ તેગબહાદુરજી બોલ્યા હવે ધર્મરક્ષા માટે અને લોકોમાં ચેતના જાગૃત કરવા કોઇ પવિત્ર આત્માએ બલિદાન આપવું પડશે. અને પંડિતોને કહ્યું, ‘જાઓ, ઔરંગઝેબને કહો કે ગુરુ તેગબહાદુરજી ઇસ્લામ સ્વીકારવા તૈયાર હોય તો અમે પણ મુસ્લિમ બનવા તૈયાર છીએ. આ સંદેશ મળતાં જ ઔરંગઝેબે ગુરુજીને દિલ્હી બોલાવ્યા. ઇસ્લામ કબૂલ કરવા અનેક પ્રકારે દબાણ કર્યું.
કેદ કર્યા, તેમની નજર સામે તેમના પ્રિય શિષ્યોને શહીદ કર્યા, છતાં ગુરુજી ડગ્યા નહીં. તેમણે કહ્યું મારો વિરોધ ઇસ્લામ ધર્મ સામે નથી પરંતુ જબરદસ્તી બીજાનો ધર્મ ભ્રષ્ટ કરવા સામે છે. છેવટે ચાંદની ચોકમાં તેમને શહીદ કરવામાં આવ્યા.આ સમાચાર આનંદપુર પહોંચ્યા. નવ વર્ષના ગોવિંદરાયને દસમા ગુરુ ઘોષિત કરવામાં આવ્યા. હવે ગુરુ ગોવિંદસિંઘને એ વાતની પ્રતીતિ થઇ ગઇ કે ધર્મ અને દેશની રક્ષા કાજે ભક્તિની સાથે શક્તિની પણ જરૂર છે.
ખાલસા પંથની રચના : આનંદપુર સાહેબમાં તેમણે સંમેલન બોલાવ્યું. દેશમાંથી લગભગ ૮૦૦૦૦ શ્રદ્ધાળુઓ સંમેલનમાં પહોંચ્યા. ગુરુજીએ સભામાં ધર્મરક્ષા કાજે શીશની માગણી કરી. એક પછી એક પાંચ શ્રદ્ધાળુઓ શીશનું બલિદાન આપવા હાજર થયા હતા. આ હતા દયારામ ખત્રી- લાહોર, ધર્મદાસ જાટ- દિલ્હી, સાહેબચંદ નાઇ- બિદર વિદર્ભ, હિંમતચંદ ઝીવર- જગન્નાથપુરી, મોહકમચંદ છીપા (ધોબી)- દ્વારકા. આ ગુરુજીના પાંચ પ્યારા કહેવાયા. જે દેશના જુદા જુદા પ્રદેશના અને જાતિના હતા. આમ તેમણે રાષ્ટ્રીય એકતાનો પાયો નાખ્યો. તેમને અમૃતપાન કરાવીને સૌનાં નામ પાછળ સિંઘ (સિંહ) શબ્દ જોડ્યો.
આપે ગુરુ ચેલા : પાંચ પ્યારાને અમૃતપાન કરાવીને ગુરુજીએ પોતે તેમની સામે ઘૂંટણિયે પડીને કહ્યું, જે રીતે તમે અમૃતપાન કરીને સિંઘ સજયા છે, તે રીતે મને પણ અમૃતપાન કરાવી ગોવિંદરાયમાંથી ગોવિંદસિંઘ બનાવો. પોતે પાંચ પ્યારાના હાથે અમૃતપાન કર્યું. તેમણે ખાલસાને પાંચ કકાર ધારણ કરાવ્યા. કેશ, કંધા, ગુચ્છ, કિરપાણ, કડું.
સર્વવંશદાની : નવ વર્ષની વયે પિતા શહીદ થયા. આડત્રીસ વર્ષની વયે ચાર પુત્રો અને માતા પણ ધર્મરક્ષા કાજે શહીદ થયાં. તેથી શહીદ પિતાના પુત્ર અને શહીદ પુત્રોના પિતા સર્વવંશદાની કહેવાયા. જ્યારે ચાર પુત્ર શહીદ થઇ ગયા ત્યારે પણ જરાય ચલિત ન થયા.
મહાન કવિ અને કવિઓના આશ્રયદાતા : ગુરુજી પોતે મહાન કવિ હતા. વિવિધ ભાષાઓના જાણકાર હતા. તેમની રચનાઓમાં ઇશ્વરની સ્તુતિ છે. માનવમાત્રની એકતા અને કલ્યાણનો સંદેશ છે સાથે વીરરસનો ડંકો પણ છે. તેમણે ઇશ્વર પાસેથી શક્તિ અને વીરતા માંગવાનું કહ્યું છે અને ધર્મયુદ્ધમાં દીનદુ:ખીના રક્ષણ માટેના યુદ્ધમાં ખપી જવાને પોતાનું સદ્ભાગ્ય માન્યું છે.
ગુરુ ગ્રંથસાહેબની ગુરુપદે સ્થાપના : તેમણે પોતાના પછી ગુરુની પ્રથા બંધ કરી અને બધા ગુરુઓ તથા અન્ય ધર્મોની સંતવાણીના સંગ્રહ સમાન ગુરુગ્રંથ સાહેબની ગુરુપદે સ્થાપના કરી. આમ વ્યક્તિપૂજા બંધ કરાવી અને સદાકાળ ગુરુ ઉપદેશના વાંચન તથા અમલનો ઉપદેશ આપ્યો. ઇ.સ. ૧૭૦૮માં નાંદેડમાં પરમજ્યોતમાં વિલીન થઇ ગયા.
ગુરુ ગોવિંદસિંઘજી જેવી વિભૂતિ વિશે લખવા કાગળ-કલમ ક્યારેય પર્યાપ્ત ન થઇ શકે, પરંતુ તેમના આદર્શોને જીવનમાં ઉતારીને તેમની જન્મજયંતીની ઉજવણી સાર્થક કરી શકીએ.
ભક્તિની સાથે શક્તિનો સુમેળ સાધનાર ગુરુ ગોવિંદસિંઘજી
Posted by Duty Until Death | 2:10 AM | 0 comments »
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment