ભારતના બે છેડા આસામ અને ગુજરાતને જોડતી શ્રીકૃષ્ણકથા આજે કરવાની છે. આર્યવર્તના પૂર્વ છેડે આવેલા પ્રાગ્જ્યોતિષપુરના રાજા ભૌમાસુરે ઉગ્ર તપ કરીને બ્રહ્નાજી પાસેથી વરદાન મેળવ્યું હતું. વરદાનની શક્તિના મદમાં તેણે દેવો, ગંધર્વો અને રાજાઓને હરાવીને તેમની કન્યાઓનું હરણ કરી કેદમાં રાખી હતી. કુમળી કળી જેવી બાળાઓને કેદ જેવી નર્કની યાતના આપનાર આ જુલમગારને ઋષિએ નરકાસુર નામ આપ્યું છે! જેવી આ વાત શ્રીકૃષ્ણના ધ્યાને આવી કે તેમણે ભૌમાસુરની નગરી પર આક્રમણ કર્યું. સત્યભામા પણ ભગવાનના આ પરાક્રમના સાથીદાર બની રહ્યા.

શ્રીમદ્ ભાગવત અને હરિવંશમાં આ યુદ્ધનું ખૂબ રસપ્રદ વર્ણન છે.દુર્ગમ પર્વતમાળાથી સુરક્ષિત પ્રાગ્જ્યોતિષપુર અજેય હતું. નગરની ચારે તરફ ઊંડી ખાઇઓ ખોદેલી હતી, જેમાં પાણી ભરેલું રહેતું. કિલ્લા ફરતે ચિત્ર-વિચિત્ર યંત્રો, વીજળી(!) અને ઝેરી વાયુ(!)ની અભેદ દીવાલ હતી. નગરની સુરક્ષા મૂર નામના દૈત્યે સંભાળી હતી. ગરુડજીની પાંખે સવાર થઇ હવામાં આક્રમણ કરીને શ્રીકૃષ્ણએ જમીન પરની આ બધી સુરક્ષા પ્રણાલીનો નાશ કર્યો. ભૌમાસુરનો વધ કર્યો.

ભૌમાસુરની માતા ભૂમિની પ્રાર્થનાથી તેના પુત્ર ભગદત્તને શરણ આપ્યું અને તેનો રાજ્યાભિષેક કર્યો. ભૌમાસુરે કેદ કરેલી અસંખ્ય કન્યાઓને મુક્ત કરી. રાજકન્યાઓ પોતાના તારણહાર સમાન શ્રીકૃષ્ણનું મનોમન વરણ કરે છે. આમ પણ નરકાસુર વધ પાછળનું શ્રીકૃષ્ણનું પ્રયોજન આ નિર્દોષ કન્યાઓને છોડાવવાનું જ હતું! શ્રીકૃષ્ણ તેમને શરણ આપે છે. દેવોને તેમની સંપત્તિ પરત આપવા ગયેલા શ્રીકૃષ્ણના પટરાણીને સ્વર્ગનું પારિજાત વૃક્ષ ગમી જાય છે. પરંતુ ઇન્દ્રાણી શચી દેવલોકનું આ વૃક્ષ આપવા તૈયાર થતાં નથી. અંતે દેવોના વિરોધ અને સંઘર્ષ વચ્ચે શ્રીકૃષ્ણ અને સત્યભામા પારિજાત વૃક્ષ સાથે દ્વારકા પાછા ફરે છે.

આ કથાનકે વિવેચકોને સારો એવો મસાલો પૂરો પાડ્યો છે. આઠ-આઠ પટરાણીઓ હોવા છતાં સોળ હજાર એકસો કન્યાઓનું વરણ ગમે તેવા શ્રદ્ધાવાન ભક્તને ઘડીભર વિચારતો કરી મૂકે તેમાં નવાઇ નથી. શ્રીકૃષ્ણના જીવન દર્શનને વર્ણવતા વિષ્ણુ પુરાણ, હરિવંશ, ભાગવત, બ્રહ્નવૈવર્ત પુરાણ વગેરેનો સમાલોચક અભ્યાસ કરીએ તો વાતનો તાળો મળી શકે. ઘણા વિદ્વાનો આ સંખ્યાને અતિશયોક્તિ ગણાવીને માત્ર સોળ જેટલી હોવાનું માને છે. પણ મૂળ પ્રશ્ન સંખ્યાનો નથી.

શ્રીકૃષ્ણના પ્રાગ્જ્યોતિષપુર પરની ચઢાઇ પાછળના ઉદ્દેશનો છે. ‘સજ્જનોનું પરિત્રાણ (રક્ષા) અને દુર્જનોનો પરાભવ મારું કર્તવ્ય છે’, જેવો સિંહનાદ કરનાર પુરુષોત્તમ તો નિર્દોષ સ્ત્રીઓની વહારે દોડ્યા હતા. વળી, વરસો સુધી નરકાસુરની કેદમાં રહેલી કન્યાઓનો હાથ કોણ ઝાલે? અને તે પણ હજારો વર્ષ પહેલાંના રૂઢિચુસ્ત સમયમાં? એટલે શ્રીકૃષ્ણે તેમનો સ્વીકાર કર્યો અને સમાજમાં માનવંતું સ્થાન આપ્યું. શ્રીકૃષ્ણની આ લીલામાં વિલાસનો વહેમ માત્ર નરકાસુર જ કરી શકે!

વળી, નરકાસુર આજે પણ ક્યાં નિર્મૂળ થયો છે? સ્ત્રીને વિલાસનું સાધન કે સંપત્તિ સમજતો વર્ગ આજે પણ અત્ર તત્ર સર્વત્ર વિધ્યમાન છે. અસુર શબ્દ પણ ઋષિએ આવા જ અર્થમાં વાપર્યો છે. બીજાને પીડવાની કે લૂંટવાની બુદ્ધિને ગીતામાં આસુરી સંપદા કહી છે. તેનાથી ઊલટું, શરણાગત વત્સલતાને ભારતીય દર્શનમાં દૈવીવૃત્તિ તરીકે આવકારવામાં આવી છે. દલાઇ લામા અને અહિંસક તિબેટિયન ભાઇ-બહેનોને શરણ આપીને ભારતે ચીન જેવા શક્તિશાળી દેશની શત્રુતા વેઠી લીધી છે, તેમાં ભારતીયતાના ગર્ભમાં રહેલા ‘કૃષ્ણત્વ’નું દર્શન નથી થતું?

મિત્રો! શ્રીકૃષ્ણને પ્રેમ કરવો એટલે આપણા અંતરમાં પડઘાતા ‘સંભવામિ યુગે યુગે’ના મહાનાદ પ્રત્યે કાન સરવા કરવા. કરી જુઓ, અને પછી કહો કે કેવી મોજ પડે છે!

0 comments