સ્વામી વિવેકાનંદે અમેરિકામાં યોજાયેલ સર્વ ધર્મ પરિષદમાં ઉપસ્થિત રહીને હિંદુધર્મને સર્વ ધર્મોની જનની તરીકે દર્શાવ્યો.

અખિલ વિશ્વને સહિષ્ણુતા અને સર્વગ્રહિતાનો બોધ આપનાર હિંદુધર્મ જ છે. હિંદુ શાસ્ત્રોમાંથી અનેક અવતરણો ટાંકી સુલલિત વાણીથી બધાને દંગ કરી દીધા.

અમેરિકાના ન્યૂઝ પેપર ધી ન્યૂયોર્ક હેરલ્ડે લખ્યું કે, સર્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે.

શિકાગોમાં વર્તમાનપત્રો અને અન્ય સામિયકોએ સ્વામીજીની વિદ્વતા અને વકતૃત્વશક્તિનાં પેટ ભરીને વખાણ કર્યાં.

આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડી શકે તેવી વિભૂતિઓ અને એકથી એક ચઢે તેવાં ઉત્તમ રત્નો આ દેશની ધરતીએ આપ્યાં છે. સત્ય અને ધર્મની કેડી પર પથિકને પાપા પગલી કરતાં ચલાવ્યો છે. જગતને મનની શાંતિ અને સુખનો સંદેશો આપ્યો છે. તેઓ તો આપણાં આચાર, વિચાર, ધર્મ, જ્ઞાન ને સંસ્કારની ગંગક્ષેત્રી છે. ભારતીય સંસ્કૃતિમાં તેનો આબેહૂબ ચિતાર સ્વામીજીનું જીવન પૂરું પાડે છે.

કોલકાતાના દત્ત કુટુંબમાં ૧૮૬૩ના જાન્યુઆરીની ૧૨મીએ હિન્દુત્વના પ્રાણને જગાડનાર મહાન પુરુષ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. જેનું નમ નરેન્દ્રનાથ રાખવામાં આવ્યું. તેમનાં માતા ભુવનેશ્વરી, પિતા શ્રીમંત વકીલ વિશ્વનાથ દત્ત હતાં. તેઓને શિવિભક્તમાં અચળ શ્રદ્ધા હતી અને તેમની કૃપાથી સ્વામીજીનો જન્મ થયો તેમ માનતાં હતાં. માતા ભુવનેશ્વરી અત્યંત ધર્મિષ્ઠ હતાં.

નાનો નરેન્દ્ર રામ-સીતાની વાતો ધ્યાનથી સાંભળતો. તેમને સ્મરણશક્તિ, ધાર્મિકતા, મહાભારત, રામાયણની ઉત્તમ ભાવનાઓ, સ્વાભિમાન અને હિંદના પ્રાચીન ગૌરવનું ભાન તેમની માતાએ કરાવ્યું હતું. કિશોરાવસ્થામાં જ તેમનામાં ધર્મભાવનાની તથા ઇશ્વરપ્રાપ્તિની તીવ્ર ઇચ્છાનાં બીજ રોપાયા હતાં. જે આગળ જતાં અંકુરિત થઇ જગતને આધ્યાત્મિકતાના પંથે દોરે છે.

તેઓને છ વર્ષની ઉંમરે એક ગામઠી સંસ્કૃત પાઠશાળામાં દાખલ કર્યા. માતાજીએ અંગ્રેજી ભાષાના અક્ષરો શિખવવાની શરૂઆત કરી જે અંગ્રેજી ભાષા દ્વારા આખા જગતને ધ્રુજાવવાની શક્તિ તેમનામાં આવી. તેમની બાલ્યાવસ્થામાં એક અલૌકિક વાત એ બનતી કે રાતે પથારીમાં સૂતા પછી તે જ્યારે ઊંઘી જવાની તૈયારીમાં હોય ત્યારે તેમની આંખો ઉપરનાં બે ભવાંના વચલા ભાગની સામે એક આસમાની રંગનો પ્રકાશ દેખાતો.

જે જયોતિદર્શન તેમના અવસાન સુધી કાયમ રહ્યું હતું. તેમને અંગ્રેજી શાળામાં મૂકવામાં આવ્યા. તેમનામાં સમયસૂચકતા અને નીડરતાના ગુણો દેખાઇ આવતા હતા. તેઓ બી.એ.નો અભ્યાસ કરતા ત્યારે તેમની તીવ્ર બુદ્ધિ અને અલૌકિક સ્મરણશક્તિથી તેમના પ્રોફેસર ડબ્લ્યુ ડબ્લ્યુ હેસ્ટી કહેતા ‘નરેન્દ્ર જેવો બુદ્ધિશાળી છોકરો મેં જર્મન યુનિવર્સિટીઓમાં પણ જોયો નથી. તે જરૂર જગતમાં પ્રખ્યાત બની નામના કાઢશે.’ નરેન્દ્રને પોતાને પણ ખ્યાલ આવવા લાગ્યો કે તે મહાપુરુષ થવાને જ સર્જાયેલો છે. આ વિદ્યાર્થી વિદ્યામાં પંડિત જેવો અને વાદ-વિવાદમાં એક સિંહ જેવો હતો.

નરેન્દ્રના કુટુંબની સમૃદ્ધિના સૂર્યને વાદળો નડી ગયાં. તેમના પિતા વિશ્વનાથના મૃત્યુ બાદ કોઇ કમાનાર ન હોવાથી આર્થિક સંકડામણ અનુભવાઇ. નિર્વાહનો પ્રશ્ન પણ સામે આવ્યો. આ વખતે તે એલએલ.બી.નો અભ્યાસ કરતો હતો. તેમના રહેઠાણ પર પણ સગાઓએ દાવા કર્યા. તેમની માતા સાધુ જેવું જીવન ગુજારવા લાગ્યાં.

નરેન્દ્ર વિદ્યાસાગરની એક સ્કૂલમાં શિક્ષક તરીકે નિમાયા. ‘તમે ઇશ્વરને જોયા છે?’ તે પ્રશ્ન તેઓ વારંવાર પૂછ્યા કરતા નરેન્દ્રને એક સગા રામદાદાએ કહ્યું કે ‘તું બ્રહ્નોસમાજ અને બીજાં સ્થળોએ જવા કરતાં દક્ષિણેશ્વર જા.’ નરેન્દ્રએ દક્ષિણેશ્વરમાં પરમહંસ એકલા બેઠા હતા ત્યાં પ્રણામ કરીને પૂછ્યું કે ‘તમે ઇશ્વરને જોયા છે?’ રામકૃષ્ણે પ્રેમથી જોઇ જવાબ આપ્યો, ‘હા, મેં ઇશ્વરને જોયા છે. જેવી રીતે હું તને જોઉં છું, તેવી જ રીતે હું ઇશ્વરને જોઉં છું. ફેર માત્ર એટલો જ કે ઇશ્વરનું અસ્તિત્વ અનંત અને તત્વમય છે.

તારી મરજી હશે તો હું તને તેનાં દર્શન કરાવીશ.’ નરેન્દ્રને જે ગુરુ જોઇતા હતા તે મળી ગયા. તેમણે ગુરુદેવનાં ચરણોમાં રહેવાનો નિર્ણય કર્યો. ગુરુદેવની કૃપાથી મા જગદંબાનો સાક્ષાત્કાર થયો અને સંપત્તિ માગવાને બદલે ‘મા મને વૈરાગ્ય આપ, જ્ઞાન આપ, ભક્તિ આપ એવું માગ્યું. પછી તેઓ દક્ષિણેશ્વરમાં રહ્યા. ગુરુદેવની મહાસમાધિ પછી નરેન્દ્રનાથ ‘વિવિદિશાનંદ’ અને પાછળથી ‘સ્વામી વિવેકાનંદ’ બન્યા.’ સમગ્ર ભારતની યાત્રા કરી તે દરમિયાન તીર્થો, ધર્મશાસ્ત્રો, સંસ્કૃતિ અને વેદાંતનો અભ્યાસ કરતા રહ્યા.

૩૧ મે ૧૮૯૩ના દિવસે અમેરિકામાં યોજાનાર સર્વ ધર્મ પરિષદમાં ઉપસ્થિત રહેવા તેમણે પ્રયાણ કર્યું. આ પરિષદમાં સ્વામીજીને આમંત્રણ નહોતું, પરંતુ સ્વામીજીની ખ્યાતિ સાંભળી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રાઇટ મળવા આવ્યા અને સ્વામીજીની શક્તિ જોઇને ચકિત થઇ ગયા. ત્યારે પછી સ્વામીજીને સર્વધર્મ પરિષદમાં હિંદુધર્મના પ્રતિનિધિ તરીકે ઊભા રહેવાની વ્યવસ્થા કરી આપી. યુનાઇટેડ સ્ટેટ્સના લોકોએ જાણ્યું કે જગતમાં ખ્રિસ્તીધર્મ કરતાં વધુ ઊંડા તત્વજ્ઞાનવાળા, વધારે આધ્યાત્મિકતાવાળા, વધારે સ્વતંત્ર વિચારયુક્ત, હૃદયની વિશાળતા અને પ્રામાણિકતાનો ઊંડો બોધ કરનારા અન્ય ધર્મો પણ અસ્તિત્વ ધરાવે છે.’

સ્વામીજી ‘શુદ્ધ સનાતન હિંદુધર્મ’ પર વ્યાખ્યાન આપવાના હતા. સ્વામીજી વ્યાખ્યાન આપવા ઊભા થયા ત્યારે સર્વત્ર શાંતિ પથરાઇ. પરમાત્માની સ્તુતિ કરી તેમણે ભાષણ શરૂ કર્યું. શ્રોતાઓને તેમણે ‘અમેરિકાની મારી ભગિનીઓ અને ભ્રાતાઓ’ કહીને સંબોધ્યા. જે કોઇપણ વકતાએ આ પ્રમાણે સંબોધન કર્યું ન હતું. તેમણે હિંદુધર્મને સર્વ ધર્મોની જનની તરીકે દર્શાવ્યો.

અખિલ વિશ્વને સહિષ્ણુતા અને સર્વગ્રહિતાનો બોધ આપનાર હિંદુધર્મ જ છે. હિંદુ શાસ્ત્રોમાંથી અનેક અવતરણો ટાંકી સુલલિત વાણીથી બધાને દંગ કરી દીધા. અમેરિકાના ન્યૂઝ પેપર ધી ન્યૂયોર્ક હેરલ્ડે લખ્યું કે, સર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. શિકાગોમાં વર્તમાનપત્રો અને અન્ય સામિયકોએ સ્વામીજીની વિદ્વતા અને વકતૃત્વ શક્તિનાં પેટ ભરીને વખાણ કર્યાં. તેમણે ઇંગ્લેન્ડની પણ યાત્રા કરી. તેઓ હિન્દુસ્તાન પાછા ફર્યા ત્યારે મદ્રાસમાં સેંકડો લોકોએ ફૂલહારથી તેમનું અભિવાદન કર્યું. તેઓએ કહ્યું કે ‘ભારતની રજ અરે તેની હવા પણ મારે મન પાવનકારી છે.’

૧૯૦૨ના જુલાઇની ૪થી તારીખે ભારતવર્ષનો આ તેજસ્વી તારો સદાને માટે અસ્ત થઇ ગયો. એક મહાયોગી માત્ર ૩૯ વર્ષની ઉંમરે બ્રહ્નલીન થઇ ગયા. જનસમાજના નિ:સ્વાર્થ કાર્યકર્તા જગતમાં આવીને થોડાં જ વર્ષોમાં અચળ કીતિgને પ્રાપ્ત કરનાર દિવ્યાત્મા શરીરનું બંધન છોડી ચાલ્યા ગયા. આ વેદાંતકેસરીની ઉપદેશગર્જના ભારતના ખૂણે ખૂણે યાદ દેવડાવશે કે ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો!’ ધન્ય છે આવા મહાપુરુષોને.

0 comments