હું તારી ન્યાતનો છું ધનજી! તું મારો ભેગો આવે તો આપણે બૂટ-ચંપલની મોટી દુકાન કાઢીએ. તારી પાસે અનુભવ અને કારીગરી છે. તો મારી પાસે મૂડી... પૈસો મારો અને પેઢીમાં અડધો ભાગ તારો...


‘દીકરા! કાંક સમજ, મને મેણાં બેસે છે, અરે મારી કૂખ લાજે છે.’ વીજપડી ગામની કોઇ એકાદ શેરીમાં, જૂના જમાનામાં દેશી નળિયાના બેઠા ઘાટના ખોરડામાં જનેતા એના દીકરાને ફોસલાવે છે, પટાવે છે. ધનજી નામનો એનો બીજા નંબરનો છોકરો સમાજની અને કુટુંબની નજરે સાવ ઓટીવાળ પાકયો છે. ખોજાના વંશનો આ છોકરો આખો દિવસ મોચીની દુકાને બેસીને ચામડાની કારીગરીમાં રમમાણ રહે છે.


છોકરાનો બાપ નાનજીભાઇ ખોજો છોકરાનું મોં જોવા રાજી નથી એટલે એ ઘેરથી દુકાને જાય ત્યારે છોકરાની મા એના જણ્યાના માથા પર હાથ ફેરવતી ફેરવતી ગળક! ગળક! આંસુડે રુએ છે. ‘આપણે તો ગગા, ખોજાની જ્ઞાતિ, આપણા બાપદાદા વેપારનો ધંધો કરે, નોકરી કરે, દેશાવર ખેડે અને તું... તું તો મોચીની દુકાને બેઠો બેઠો મોચીકામ શીખે છ! ખોજાનો દીકરો થઇને તું મોચીકામ કરીશ?’


‘મા! મારા ભાઇબંધ નારણની એ દુકાન છે. નારણ મોચીકામ કરે છે એટલે મને ગમે છે.’‘ધનજી!’ માતા પુત્રના વાંસામાં હાથ ફેરવે છે. ‘નારણ તો મોચીનો દીકરો છે. મોચીનો દીકરો મોચીનાં કામ કરે પણ ખોજાનો દીકરો મોચીકામ કરે? તું કાંક સમજ, પણ ધનજી નામનો એ છોકરો કોઇ રીતે સમજતો નથી. નાની ઉંમરના આ છોકરાને માની આ આપદા સમજાતી નથી. એની આગળ તો બસ મોચીની દુકાન દેખાય છે.


વીજપડીના નાનજી ખોજાને ચાર દીકરા... નાનજીભાઇ ખોજો પોતે દાનરતો માણસ. ખાધેપીધે સુખી અને ખોરડુંય ખમતીધર... વીજપડીમાં એને કરિયાણાની દુકાન. ખેતીવાડીની જમીન પણ ખરી... મોટો દીકરો દુકાન સંભાળે. નાનેરા બે ખેતીવાડીમાં પલોટાતા હતા પણ બીજા નંબરનો આ ધનજી રખડું નીકળ્યો. વીજપડીના મોચીના દીકરા નારણની એને પાકી ભાઇબંધી...


નારણ અને ધનજી સાથે જ નિશાળે બેસેલા. એક જ વર્ગની પાટલી ઉપર સાથે બેસનારા, તોફાનમાં, લેશન નહીં લાવવામાં બંને સાથે હોય. નિશાળેથી ગાપચી મારીને ગલૂડિયાં રમાડવા જતા રહેવા બંને જણ સાથે.... એમાં એક દિવસ શિક્ષકે નારણને સારી પેઠે ધમાર્યો... લાગ જોઇને નારણે માસ્તરને પાટી ઝીંકી દીધી અને નારણને સાથ આપવા માટે ધનજી પણ ફૂટ માસ્તરને મારીને નારણની સાથે જ નિશાળેથી ભાગી છુટ્યો...!


નિશાળ સામે વેર બાંધેલો નારણ, પોતાના બાપની મોચીકામની દુકાને બેસી ગયો. પણ ધનજીને પોતાની દુકાન, ખેતીવાડી કાંઇ માફક ન આવ્યાં... જ્યાં નારણ હોય ત્યાં જ ધનજી.‘તું તારો ધંધો કર, ધનજી!’ ભાઇબંધ નારણ ધનજીને સમજાવે: ‘અમારે તો બાપદાદાનો ધંધો એટલે કર્યા વગર છુટકો નહીં પણ તારાથી આ ધંધો ન થાય.’


‘તો નારણ! મારાથી બીજો ધંધો નહીં થાય.’ ધનજી કરગરે: ‘તું મારો ભાઇબંધ છો. ગામ ચાહે તે બોલે. મને મોચીકામ શીખવ...’‘ભલે ત્યારે’ કહીને નારણે ભાઇબંધ ધનજીને જોડા સીવતા શીખવવા માંડ્યું. વરસ બે વરસમાં એ અસ્સલ મોચીકામનો કારીગર થઇ ગયો...


ધનજીના બાપ અને માએ ધનજી નામના છોકરાનું નાહી નાખ્યું. સમય જતાં ગામને પણ વાત કોઠે પડી ગઇ કે ખોજાનો દીકરો મોચી બન્યો... એક દિવસનો સૂરજ ધનજી માટે શુભ થઇને ઊગ્યો પણ ખરો. રાજુલા ગામના વેપારી એવા વીરજીભાઇ ખોજા એક દિવસ મોચીકામના જાણકાર ધનજીને ખોળતા ખોળતા વીજપડી આવ્યા: ‘મારા ભેગું આગ્રા આવવું છે?’


‘આગ્રા? ઇ વળી શું?’ અજાણ્યા ધનજીએ પૂછ્યું.‘દિલ્હી, પાસે આવ્યું. આગ્રા મોટું શહેર છે.’ વીરજીભાઇએ ધનજીને મધલાળ લગાડી. જો ધનજી આગ્રા આવે તો વીરજીભાઇ ખોજાની આખી ઇમારત ઊભી થઇ શકતી હતી...વીરજીભાઇ મૂળ રાજુલાના વેપારી, ધંધોધાપો ધમધોકાર પણ એક દિવસ દોડતી મોટરમાં પંકચર પડે એમ શેઠના ધંધામાં ખોટ આવી પડી અને લાખનો વેપાર કાંખનો થઇ ઊભો રહ્યો. વીરજી શેઠની નજર છેવટે આગ્રા જઇને ઠરી. ત્યાંના ઘણાં બધા ખોજા કુટુંબો ચર્મકામનો ધંધો કરતાં હતાં. સારા કારીગરો રાખીને સારામાં સારાં બૂટ-ચંપલો બનાવી દેશાવરમાં મોકલતાં હતાં.


વીરજી શેઠને પણ એ ધંધામાં જોતરાવાનું સપનું હતું પણ પોતાની પાસે ચર્મકળાનો કોઇ અનુભવ નહીં. ઘણા ઉધામા પછી વીરજી શેઠને સમાચાર મળ્યા કે ખોજાનો જ દીકરો વીજપડીમાં અફલાતૂન ચર્મ-કારીગર છે.વીરજીભાઇ મારતે વાહન વીજપડી આવ્યા. ધનજીને પકડ્યો. ‘હું તારી ન્યાતનો છું ધનજી! તું મારો ભેગો આવે તો આપણે બૂટ-ચંપલની મોટી દુકાન કાઢીએ. તારી પાસે અનુભવ અને કારીગરી છે. તો મારી પાસે મૂડી... તું મારો પાર્ટનર. પૈસો મારો અને પેઢીમાં અડધો ભાગ તારો...’


ધનજીને ધૂળ ફોળતાં હીરો લાધ્યો. દોડતો દોડતો ઘેર ગયો. માની રજા લેવા... માએ ધનજીના બાપને બરકાવ્યા. બાપે નિરાંત અનુભવી: ‘જાવા દે... જ્યાં જાય ત્યાં... અહીં મારી નજર સામે મોચીકામ કરીને મારાં કાળજાં હોમે છે. મોઢું જોવું મટે...’


અને ધનજી વીજપડી વાયા રાજુલા થઇને વીરજીભાઇ ખોજા સાથે આગ્રા પહોંચી ગયો...‘કેસર શૂ ફેક્ટરી’ના નામની આગ્રામાં નાનકડી દુકાન શરૂ થઇ. ધનજીની દેખરેખ નીચે કારીગરો રખાયા.


બૂટ-ચંપલ તૈયાર થવા માંડ્યાં. ધનજી નામનો બાજંદો કારીગર બૂટ-ચંપલના સાંધે સાંધા તપાસે સૂચના આપે... સુધારાવધારા થાય... માલ સંઘેડા ઉતાર બને... થોડા સમયમાં ‘કેસર શૂ ફેક્ટરી’નું નામ આખા આગ્રામાં ઊંચકાવા માંડ્યું-સંકડાશ પડતાં, માલની માગ વધતાં ફેક્ટરીને વિશાળ જમીનમાં વિસ્તારી કારીગરો વધાર્યા અને બૂટ-ચંપલના પાર્સલોથી ધમધોકાર ધંધો જામ્યો.


પેઢીમાં એકધારો માલ તૈયાર થાય. ફટાફટ વેચાઇ જાય... નાણાંની રેલમછેલ શરૂ થઇ. વીજપડીમાં થીંગડાં મારતો ધનજી હવે ધનજીભાઇ શેઠ બનીને ઘોડાગાડીમાં ફરતો હતો... પાંચમાં પુછાતો હતો... આગળ ને આગળ વધતો હતો... હજારોમાંથી લાખોને આંબતો થયો હતો...અને એક દિવસ વીજપડી ગામની સાંકડી બજારમાં ધીમા પગલે ચાલતી એક ઘોડાગાડી નીકળી.


બજારના વેપારીઓ આંખો ફાડીને જોઇ રહ્યા. ગોરાના હોય એવાં રૂડાં, ઊજળાં, ફુલફુલિયાં બે બાળકોને ખોળામાં બેસાડ્યાં હતાં... ચંદરમાના અંજવાળામાંથી ઘડી હોય એવી રૂપલલના અંબાર જેવી સ્ત્રી સાથે, આછા માંચેસ્ટર મિલના ધોતિયામાં, લંબકોટમાં, બદામી ટોપીમાં ઢંકાયેલ સુખી ખોળિયાનો ધનાઢ્ય લાગતો વેપારી ઘોડાગાડીવાળાને રસ્તો ચિંધતો હતો: ‘જો ભાઇ, હવે પછી જમણી બાજુ અને ત્યાર પછી સીધી આથમણી જતી શેરીમાં એક દેરી પાસે રાખી દેજ્યે. ત્યાં જ છે નાનજીભાઇ ખોજાનું ઘર...’ અને નાનજીભાઇ ખોજાની ખડકી આવતાં બંને બાળકોને ફૂલની જેમ ઉઠાવીને દંપતી ઘોડાગાડીમાંથી ઊતર્યું: સ્ત્રીએ લાજનો ઘૂમટો તાણ્યો. પુરુષ આગળ ચાલ્યો...


બેઠા ઘાટના ખોરડાની પરસાળે, સિત્તેરની અવસ્થાનાં ડોશી આંખે આવેલા મોતિયાની ઝાંયમાંથી નજર ખેંચીને આંગણામાં સડેડાટ આવી પૂગેલા ધોળા ફૂલ જેવા બે ઓળાને ઓળખવા મથી રહ્યાં હતાં કે પુરુષ વેપારીએ સીધા જ ડોશીના પગ પકડ્યા: ‘મા! હું તમારો ધનજી...’ અને પત્ની સામે આંગળી ચિંધીને કહ્યું: ‘આ તમારી દીકરાવહુ...!’ અને ત્યાં તો ફોરમતી દાડમી જેવી રૂપાળી વહુએ સાસુના ચરણમાં બંને બાળકો ધરી દીધાં. અને લળીને સાસુને પગે લાગી: ‘અમને આશીર્વાદ આપો બા! ઘણાં વરસે આગ્રામાંથી મળવા આવ્યાં છીએ...’


ડોશીની આંખમાંથી આંસુ સાથે આશીર્વાદ નીકળ્યાં: ‘સુખી રહો, મારા પેટ! મેં સાંભળ્યું’તું કે મારો ધનજી આગ્રામાં લખપતિ બન્યો છે...’ અને ડોશીનો કંઠ ભરાયો: ‘પણ તમારો આ દિનમાન જોવા ઇ આ દુનિયામાં નથી બેટા! અને ડોશીની સાથે દીકરાની આંખમાંથી આંસુ વહ્યાં: ‘ઓહ! માડી! મારા બાપના અંતરને ઠારવા મેં કેવો પુરુષાર્થ કર્યો મા!’’


‘હશે ભાઇ! હવે તો સારાં કરમ કરીને એના ગત થયેલા આત્માને રાજી કર, દીકરા!’ અને ડોશીએ ઉમેર્યું: ‘આપણા ગામનું જમાતખાનું મરામત કરવાની એને ઇચ્છા હતી દીકરા! થાય તો કર્ય...’‘કરીશ, મા!’ ધનજીએ કહ્યું: ‘સારા કામ કરવા માટે તો આવ્યો છું મા! જમાતખાનાનો જીર્ણોદ્ધાર કરીશ. પછી રાજુલા જઇને આપણી ન્યાતમાં ગરીબ કુટુંબોને ધંધો કરવા મદદ કરીશ અને તું કહીશ ત્યાં પુણ્યદાન કરીશ, મા! પણ હવે મારા માટે તારો આત્મા રાજી છે?’


‘દીકરા...!’ કહીને મા દીકરાને બાથ લઇ ગઇ. ‘તેં રૂડાં કામ કર્યા છે ભાઇ! રૂડાં કામ સિવાય આવું રૂડું દિલ ખુદા ક્યાંથી આપે?’ અને ડોશી પછી વહુના માથા પર, બાળકોના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં ધસમસતી વાદળી થઇને વસરતાં રહ્યાં.

0 comments