[1] નાનામાં નાની બાબતના અસ્તિત્વમાં આખાય વિશ્વનો ફાળો હોય છે. સમગ્ર વિશ્વસર્જિત ઘટના સિવાય કોઈપણ ઘટના બની શકે નહિ.

[2] તમારા મન પર અતિશય તત્પરતાથી લક્ષ રાખો, કારણ ત્યાં જ તમારું બંધન અને સ્વાતંત્ર્યની ચાવી છે.

[3] જો તમારે જગતને મદદ કરવી હોય તો તમારે મદદની આવશ્યકતાથી પર થવું જોઈએ.

[4] પ્રેમ એટલે દઢ ઈચ્છા. તમારા આનંદમાં બધાને સહભાગી કરી લેવાની દઢ ઈચ્છા. આનંદિત હોવું, આનંદિત કરવું એ જ જીવન છંદ-લય-તાલ છે.

[5] સાધના શ્રમવિહિન હોય છે, કારણ કે એમાં ‘કરવા જેવું’ કશું નથી હોતું. ઉલ્ટાનું કશું જ ‘ન કરવાનું’ એ જ કરવાનું હોય છે !

[6] તમે જેવા તદ્દન છો તેવા જ રહીને જેટલા સુખી છો તેટલા સુખી તમે અન્ય કશાના સહવાસથી કદી પણ થનાર નથી. સુખની શોધમાં નીકળશો તો દુ:ખોના જ માર્ગ પર આવી પડશો.

[7] સુખ નિદ્રાધીન કરે છે – દુ:ખ જગાડે છે. તમને દુ:ખ ન જોઈતું હોય તો નિદ્રાથી સાવધાન રહો.

[8] સર્વ કાંઈ બનવા કાળ હશે તેમ બનશે કારણ જગત જેવું હોવું જોઈએ તેવું જ છે.

[9] પરિણામોની અપેક્ષાવાળી શ્રદ્ધાની કશી જરૂર નથી.

[10] તમારી પાછળ સુખ અને દુ:ખનો ઘોંચપરોણો હોવાથી તમે જ્ઞાનની શોધમાં રહો છો.

[11] તમે શું છો તે જુઓ. બીજાઓને એ વિષે તમે પૂછો નહિ. તમારા વિશે બીજાઓએ તમને કશું કહેવાની જરૂર નથી.

[12] તમારું સ્વાતંત્ર્ય વિચારોમાં અને કર્મમાં ભરપૂર વ્યકત કરો.

[13] જ્યાં સુધી દેહની આવશ્યકતા છે ત્યાં સુધી દેહ ટકી જ રહેશે. મહત્વ દીર્ઘ જીવનનું નહિ, પૂર્ણ જીવનનું છે.

[14] પાપની વિરુદ્ધ તમે જે પુણ્ય કહો છો તે ભયથી ઉત્પન્ન થયેલ આજ્ઞાપાલન હોય છે.

[15] આદત અને પુનરાવર્તનની ઈચ્છાથી યોગી અને ભોગી બન્ને નિષ્ફળ જાય છે.

0 comments