[1] સ્વપ્ન ! આંખો બંધ કર્યા વિના ક્યારેય આવે નહીં ! અને સત્ય ! આંખો ખોલ્યા વિના ક્યારેય લાધે નહીં !

[2] દિવસે દિવસે વિશ્વ સાંકડું થતું જાય છે, થોડાક કલાકમાં જ એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચી શકાય છે. પણ, વિચિત્રતા એ છે કે શહેર મોટું થતું જાય છે. એક જ શહેરમાં એક છેડેથી બીજે છેડે જતા કલાકો નીકળી જાય છે !!

[3] ધારો કે પૃથ્વી પોતાની ધરી પર 30 ગણી વધુ ઝડપે ફરવા માંડે તો બધાને પગાર રોજેરોજ મળતો થઈ જાય !

[4] વૃક્ષ ફેલાય છે જરૂર પણ જમીનમાં પોતાનું સ્થાન મજબૂત બનાવીને ! પરોપકાર કરો જરૂર પણ સ્વસલામતીને નિશ્ચિત બનાવીને !

[5] આશાવાદી અને નિરાશાવાદી બેઉ સમાજની પ્રગતિમાં ફાળો આપે છે. આશાવાદી વિમાનની શોધ કરે છે, નિરાશાવાદી પેરેશુટની.

[6] બૅન્કો તમને રાજીખુશીથી નાણાં ધીરે છે. માત્ર તમારે આ નાણાં માટે બૅન્ક પર આધાર રાખવાની બિલકુલ જરૂર નથી એટલાં પુરાવાઓ અને પ્રમાણપત્રો આપવાં પડે છે.

[7] કેવું છે ! પહેલાં માતાપિતા બાળકને બોલતાં શીખવે છે, અને એ બોલવા માંડે પછી ચૂપ કેમ રહેવું તે શીખવે છે !

[8] તમે પ્રગતિનાં સોપાન ચઢતા હો ત્યારે લોકો પ્રત્યે નમ્રતા રાખો, કારણકે ઊતરતી વેળા તેઓ તમને મળશે.

[9] કેવી કરુણતા ! માણસ તરીકે જન્મ્યા છીએ તો માણસ તરીકે જીવવાનું મન નથી થતું ?

[10] કહેવાય છે કે મહત્તા મોટાની અને નાનાની કોઈ કિંમત નથી. તો પછી ઝરણું મીઠું શા માટે ? અને સાગર ખારો શા માટે ?

[11] આ દુનિયામાં સસ્તામાં સસ્તી ચીજ કઈ ? આવું મને કોઈ પૂછે તો મારો જવાબ આ છે કે પૈસા આપીને જે ચીજ ખરીદી શકાય તે ચીજ સસ્તામાં સસ્તી !

[12] તમે પળોનો ખ્યાલ રાખજો, યુગો તો એનું સંભાળી લેશે !

[13] જેની પાસે થોડું છે તે ગરીબ નથી પણ જે વધારાની આશા રાખે છે તે ગરીબ છે !

[14] જેમ જેમ સ્વાર્થનું સર્કલ વધતું જાય છે તેમ તેમ સુખનું સર્કલ સાંકડું થતું જાય છે.

[15] આપણામાં મોટામાં મોટું દુષણ કયું ? લોકોના દુષણને ગાયા કરીએ તે !

[16] હલકો માલ લેવા માટે ક્યારેય ભારે કિંમત ચૂકવવી પડતી નથી, પરંતુ હલકા પ્રકારનું જીવન જીવવા માટે બહુ ઊંચા પ્રકારની કિંમત ચૂકવવી પડે છે.

[16] બહારથી સાવ ઠંડુગાર લાગતું થર્મોસ શક્ય છે કે અંદર ગરમાગરમ ચા લઈને બેઠું હોય. આ જગતમાં આ થર્મોસ જેવા જીવોનો તોટો નથી….. બહારથી સાવ ઠંડા, અંદરથી ગરમાગરમ ! ઢાંકણું ખોલો કે તુર્ત તમે દાઝ્યા જ સમજો.

[17] તમારો શત્રુ તમારો મિત્ર ન બની શકતો હોય તો એ એની કચાશ છે પણ એના પ્રત્યે, મિત્રતાની વૃત્તિ તમે ન કેળવી શકતા હો તો એ તમારી કચાશ છે.

[18] ઈર્ષા તમને કદાચ નિ:સત્વ બનાવે છે, પણ તમે ‘નાના’ છો એનો સ્વીકાર તો એ તમારી ખુદની પાસે જ કરાવી દે છે.

[19] ઓડકાર એ ભોજન પચ્યાની નિશાની છે, તો ઘચરકો એ ભોજનના અર્જીર્ણની જાહેરાત છે. સંપત્તિ છતાં જો નમ્રતા તો ઓડકાર અને સંપત્તિ સાથે અભિમાન તો ઘચરકો !

[20] ઘરમાં વસાવેલી સામગ્રી એ જો તમારી આર્થિક પરિસ્થિતિનું થર્મોમિટર છે તો મનમાં રહેલી પ્રસન્નતા એ તમારી અધ્યાત્મયાત્રામાં થયેલી પ્રગતિનું થર્મોમિટર છે.

[21] વીતી ગયેલી કાલ માટે તમારા મનમાં જો કોઈ ઉદ્દવેગ ન હોય અને આવનારી કાલ માટે તમારા મનમાં જો કોઈ ભય ન હોય તો સાચે જ તમે બાદશાહીમાં જીવી રહ્યાં છો.

[22] કોઈક વ્યક્તિ લગ્નજીવન વિશે અદ્દભુત વાતો કરે તો સમજવું કે – એ કુંવારી હશે !

[23] વિજ્ઞાન માણસને એટલું લાંબુ આયુષ્ય તો કદી નહિ અપાવી શકે કે જેમાં પત્નીની બધી ઈચ્છાઓ તે પૂરી પાડી શકે.

[23] સ્ત્રીએ લગ્ન પહેલા માન્યો હોય તેટલો સારો કોઈ પતિ હોતો નથી – લગ્ન બાદ તેને માન્યો હોય તેટલો ખરાબ પણ હોતો નથી.

[24] દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી હોય છે – જે એને કહેતી રહેતી હોય છે કે, ‘તમારામાં શેક્યો પાપડ ભાંગવાની પણ ત્રેવડ નથી !’

[25] વાસણ-કપડાં સાફ કરવામાં વરને મદદ કરે તે આ યુગની આદર્શ પત્ની !!

[26] જે પુરુષને પત્નીથી કશું છુપાવવા જેવું ન હોય, તેને કાં તો કશું ખાનગી ન હોય – ને કાં તો પત્ની જ ન હોય.

[27] વેવિશાળ પહેલાં પેલો બોલતો ને પેલી સાંભળતી; વેવિશાળ પછી પેલી બોલતી ને પેલો સાંભળતો; લગ્ન પછી બંને બોલે છે ને પાડોશીઓ સાંભળે છે.

0 comments