[1] [2] [3] [4] [5] [6] [7] [9] [10] [11] [12]
ત્રણ કારણે માનવનું પતન થતું હોય છે : (અ) દેહની વાસના (બ) ધનની લાલસા અને (ક) કીર્તિની ઝંખના. આ ત્રણની પાછળથી મમતા અને મોહ તેને સદાય ડૂબતો જ રાખે છે.
લઘુતાગ્રંથી જ માણસના ડરનું કારણ થતી હોય છે. જો તમે લઘુતાગ્રંથી છોડો તો ગુંડા અને ડાકુ પણ તમારાથી કાંપશે. નિષ્ઠાપૂર્વક કામ કરનારને કોઈનો ડર નથી હોતો. એ તો સફળતા પ્રાપ્ત કરે છે તેના તેજથી.
માણસો મોટામોટા પ્રભુનાં મંદિરો ચણાવવા લાખોના દાન કરે છે, પણ દરિદ્રનારાયણના ઝૂપડાં માટે એક તાડપત્રીનો ટુકડો પણ દાનમાં દેતા નથી. પ્રભુનાં મંદિરો બંધાય એ કરતાં માનવે હૃદયમાં પ્રેમનું મંદિર બાંધી દયાનું દાન કરવું જોઈએ. આથી વધુમાં વધુ ઈશ્વર રાજી થાય છે.
અનેક સફળતાના શિખર સર કરનાર જીવનમાંથી આ સત્તર નિયમો દરેક આગેકદમ કરનાર માટે ઉપયોગી હોય તેને અહીં તારવીને રજૂ કરવામાં આવે છે. હકારાત્મક વલણ, વધુ ખંતપૂર્વક પરિશ્રમ – વ્યવસ્થિત વિચારણા, ત્વરિત નિર્ણયશક્તિ, શિસ્તબદ્ધ જીવન, સુસ્પષ્ટ વિચારણા, પ્રતિભાશક્તિનો વિકાસ, બુદ્ધિપ્રતિભાનો વિકાસ, વ્યક્તિગત પહેલ, સ્પષ્ટ ધ્યાન, ઉત્સાહ અને ખંત, ટીમવર્ક, રચનાત્મક દ્રષ્ટિ, પછડાટમાંથી પ્રદાર્થપાઠ, સમયનું આયોજન, નાણાનું નિયંત્રણ, માનસિક અને શારીરિક આરોગ્યની ખેવના અને નીતિનિયમોનું પાલન.
ગમે એટલાં નાણાં હોય પણ જિન્દગી કેમ આનંદથી પુરુષાર્થથી જીવવી તેનો હેતુ કે ગતાગમ વગરનો માનવી અબજોપતિ હોય તો પણ જીવન હારી જાય છે. એલ્વીસ પ્રેસલી પાસે અબજો ડોલર હોવા છતાં માત્ર બેંતાલીશ વરસે કાંઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર મૃત્યુ પામ્યો. ગમે એટલું ધન, કીર્તિ કે વૈભવ માનવજીવન પાસે હોવા છતાં ગતાગમ વગરના અબજોપતિના હાલ બેહાલ થાય છે.
સંસ્કારનો સાચો માપદંડ સાહિત્ય છે. વિનય-વિવેક અને પ્રસન્નતા આ તમામનું મૂલ્ય નિષ્ઠા છે અને તેની પ્રતિષ્ઠા સાહિત્યથી અંકાય છે. જે સત્યશીલ સાહિત્યના ગ્રંથનું વાંચન કરે છે તેવું જીવન સારું. એ જીવન મહામૂલ્યવાન બની જાય છે. પુસ્તક એ તો મહર્ષિની મૂડી ગણાય. લાખોનું ફર્નિચર વસાવનાર એકાદ કબાટ પુસ્તકોથી શોભાવે તો તેનું જીવનગૃહ પુસ્તકાલય કહેવાય.
તમને કોઈ માનપત્ર ન મળ્યાં, કોઈ સભાનું પ્રમુખપદ ન પ્રાપ્ત થયું. તમારી કદર કરી કોઈએ શાલ ન ઓઢાડી, તમને માનચાંદ ન મળ્યા અથવા તમારી સિદ્ધિની પ્રસિદ્ધિ ન સાંપડી, તેથી શું થયું ? તમારે સુખેથી, આનંદથી શાંતિથી જીવન જીવવું હોય તો તેવો વસવસો કદી ન કરશો. બેવજૂદ વસવસાને કારણે હતાશા પ્રકટે અને તે તમારી શક્તિને કરમાવી નાખશે એ કરતાં તમે તમારાં જીવનનાં સર્જનમાં સદા આનંદિત રહો.
જીવનની સફળતા ક્યારે મળી ગણાય ? તેના પ્રત્યુત્તરમાં કહેવામાં આવ્યું કે આ સાત ‘સ’ હોય તો જીવન સાફલ્ય ગણાય. પ્રથમ તો જીવનમાં શાંતિ હોવી જોઈએ. સંતોષમય જીવન હોવું જોઈએ. સમતા, સદાચાર, સત્ય, સમર્પણ અને સમાનતાના અનુરાગી હોય તે માણસ પરમ સુખી ગણાય. આ સાત જેના જીવન સાથે ઘડાયેલા જડાયેલા હોય તેનું પરિપૂર્ણ જીવન સુખમય ગણાય.
ધર્મ અને ઉપદેશની વાતો પ્રેરણાત્મક હોય છે, પણ તેને ક્રિયાશીલ કરવી જોઈએ. જો તે આચરણમાં મુકાય તો જ તે લાભકર્તા થાય. ઘણી વખત ઉપદેશ આડંભરભર્યો હોય છે. આચરણ એ ઉપદેશનો અને ધર્મનો પ્રાણ છે. સાચો માનવતાવાદી ઉપદેશને આચરણમાં મૂકી તેનું મૂલ્ય વધારી શકે છે. બાકી કાગડા, કૂતરા, બિલાડા અને ભૂંડ પણ ખાય છે, પીવે છે, ઊંઘે છે, હરે છે, ફરે છે અને જીવે છે. એવા જ ભાવથી માનવ જીવે તો તેવું જીવન પશુવત્ ગણાય.
પગને અનેક ઉપમા અપાય છે. મહાપુરુષના પગને ચરણકમળ કહેવાય છે. કારણકે, તેનું જીવન પવિત્રતાથી ભરપૂર ભક્તિવાળું હોય છે. જે માનવી જનસેવાને પ્રભુસેવા માને તેના પગને ચરણ કહેવાય. પોતાના હિતના કામ કરવા જાય તે પગે ચાલીને ગયો કહેવાય. પણ કોકનું અહિત કરવા જાય તો તેના ટાંટિયા કહેવાય. ચરણકમળ પૂજાય અને ટાંટિયા ભંગાય.
આપણે જે કાર્ય કરીએ છીએ તે આપણા જ વિચારોનું પરિણામ થતું રહે છે. આ વિચારોનો પાયો આપણા અંતર સુધી ગળાયેલો હોય છે. જો માનવી ઉન્નત અને પવિત્ર વિચારોથી કાર્યો કરે તો તેનું પરિણામ અદ્દભુત સુખમય આવે. જગતમાં પ્રેમથી હર વાર પ્રેમ જ મળે છે.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment