જે રીતે રાજસ્થાનના પુષ્કરમાં બ્રહ્માજીનુ એકમાત્ર મંદિર આવેલું છે તે રીતે મથુરામાં યમરાજનું ભારતભરમાં એકમાત્ર મંદિર છે. બ્રહ્માજીને શાપ લાગ્યો હતો તેથી કળિયુગમાં તેમની ખાસ પૂજા થતી નથી. એ જ રીતે યમરાજ મૃત્યુના દેવતા કહેવાય છે. આથી દુનિયામાં તેમની પૂજા કોણ કરે? પરંતુ મથુરાનગરી તો ત્રણે લોકમાં ન્યારી છે. અહીં યમુનાકિનારે વિશ્રામઘાટ પર યમરાજનું મંદિર આવેલું છે. તેઓ આ મંદિરમાં એકલા બિરાજમાન નથી તેમની બહેન યમીનું પણ સ્થાન અહીં છે. મથુરાનો ઇતિહાસ અને મંદિરની પ્રતિષ્ઠા એટલી રોમાંચક અને ગરિમાપૂર્ણ છે કે લોકો શ્રદ્ધાથી યમરાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. યમરાજા અને યમી વેદકાળમાં દેવતા અને મંત્રકર્તા માનવામાં આવતા હતા. ઋગ્વેદમાં યમ અને યમી વચ્ચેનો સંવાદ આવે છે. વૈદિકકાળમાં યમનો મૃત્યુ સાથે કોઈ સંબંધ નહોતો. પરંતુ તેમને પિતૃ એટલે કે મૃત લોકોના અધિપતિ માનવામાં આવતા હતા. ભારતીય માન્યતા અનુસાર વ્યકિતના અવસાન બાદ યમરાજ તેને કરેલાં કર્મો અનુસાર સ્વર્ગ કે નરકમાં મોકલી આપે છે. તેઓ ધર્મ અનુસાર ન્યાય કરે છે આથી ધર્મરાજ તરીકે પણ ઓળખાય છે. તેઓ પૃથ્વી પરના દક્ષિણ દિશાના રક્ષક અને મૃત્યુ દેવતા કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર જગતનાં ભૌતિક ઉપાદાનોના નિર્માતા વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા અને સૂર્યના પુત્ર છે. માર્કંડેય પુરાણમાં આપેલા વર્ણન અનુસાર એક વાર સંજ્ઞાએ સૂર્યના તેજને સહન ન કરી શકવાને કારણે ભયથી આંખો બંધ કરી દીધી હતી. આથી સૂર્યે ક્રોધિત થઈને શાપ આપ્યો હતો કે તેનો થનાર પુત્ર બધાનું સંયમન કરનાર બનશે. આથી યમરાજ બધાના પ્રાણ હરી લે છે. યમરાજનો રંગ લીલો બતાવવામાં આવ્યો છે. તે લાલ વસ્ત્ર ધારણ કરે છે. તેમનું વાહન પાડો છે. તેમના મદદનીશનું નામ ચિત્રગુપ્ત છે. જે પાપ-પુણ્યનો હિસાબ રાખે છે. ચિત્રગુપ્ત જે ચોપડામાં પાપ-પુણ્યનો હિસાબ લખે છે તેનું નામ અગ્ર સંઘાની છે. યમરાજની નગરીને યમપુરી કહેવામાં આવે છે. તેમના રાજમહેલને કાલીત્રી અને જે સિંહાસન પર બેસીને ન્યાય કરે છે તેને વિચારભૂ કહેવામાં આવે છે. તેમના મહાચંડ અને કાલપુરુષ નામના બે અંગરક્ષક છે. વૈધ્યત નામનો દ્વારપાળ છે અને અનેક યમદૂતો તેમની સેવામાં હાજર છે. મંદિરના પ્રવેશદ્વાર પર બનેલા એક રૃમને ચિત્રગુપ્તનો રૃમ કહેવામાં આવે છે. ચિત્રગુપ્ત અહીં આત્માને આ જગ્યાએ ઊભો રાખે છે. અનેક સદીઓ જૂના આ મંદિરની સામે ચાર ફૂટ ઊંચા મંચ પર ભગવાન શિવનું મંદિર આવેલું છે. શિવજી એ મૃત્યુંજય કહેવાય છે. આમ પણ શિવનું સ્થાન સ્મશાનમાં જોવા મળે છે. શિવ તમામ ગણોના અધિપતિ દેવતા છે. - વ્રજ ગોપાલ રાય
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment