ગિરિવર ગિરનારની છત્રછાયામાં સોરઠની પવિત્ર ભૂમિ પર અનેક સંત-મહાત્માઓ થઈ ગયા. જેમાં સતાધારવાસી ગીગાપીરનું માહાત્મ્ય ઘણું મોટું છે. સતાધાર જૂનાગઢથી ૫૬ કિલોમીટરના અંતરે છે. રોડ માર્ગથી જતા બીલખા પાસે ચેલૈયાનો ખાંડણિયો અને શેઠ શગાળશાની પ્રસિદ્ધ જગ્યા આવે છે. ત્યાં બાજુમાં જ શ્રી દક્ષિણામુર્તિ પૂજ્ય શ્રીમદ્ આચાર્ય નાથુરામ શર્માનો આનંદાશ્રમ છે.

કાઠિયાવાડના કાઠીકુળનાં સંતાનો સૂર્યને ઇષ્ટદેવતા માને છે. પાંચાળમાં સૂરજદેવની સ્થાપના થયા પછી તેમના સમર્થ સંતોમાં આપા જાદર ભગત થઈ ગયા. આપા જાદરના શિષ્ય દાના ભગતે ચલાળામાં આશ્રમ સ્થાપેલો.

તેઓ ભજન ગાતાં, ભૂખ્યાજનોને ભોજન કરાવતાં અને ગાયોની સેવા કરતાં. તેમના શિષ્યનું નામ ગીગો હતું. આ ગીગો દાના ભગતના આશ્રમમાં ગાયોની સેવા કરતો હતો.કામમાં તેમને છાણ ઉપાડવાનું થતું. આની સાથે સાથે સતત ઈશ્વરનું સ્મરણ પણ કરતાં.

ગીગાની નિઃસ્વાર્થ સેવાભાવના જોઈને દાના ભગતે તેમને ગુરુકંઠી બાંધતા કહ્યું કે ચૂલાના અગ્નિમાંથી લોબાનની ભભક ઊઠે ત્યારે ગાદીની સ્થાપના કરવી.આપા દાનાએ આશ્રમની અડધી ગાયો તેમને આપી. તે ગાયો સાથે ચલાળાની ફૂલવાડીમાં થોડો સમય રહ્યા પછી ગીગા ભગતે ગામ છોડી દીધું હતું.ઘણાં ગામોમાં પરિભ્રમણ કરતાં કરતાં ગીરમાં આંબેઆરામાં આવ્યા. જ્યાં આંબાજર નદીનાં નીર ખળખળ વહેતાં હતાં. ચારેબાજુ ગિરિમાળાઓમાં સાવજોના વાસ વચ્ચે મોરલાના ગહેકાટ સાંભળવા મળતા હતા. કુદરતના ખોળે અખૂટ પાણી અને લીલીકુંજ વનરાઈ જોઈને આપા ગીગાનું મન ધરાઈ ગયું.

આપા ગીગાના ગુરુએ જે આજ્ઞા આપી હતી તે મુજબ તે ધરતીને ધર્મધ્યાન માટે યોગ્ય છે એમ જાણી ત્યાં જ ધૂણી ધખાવી દીધી. નાની ઝુંપડી બાંધીને રહેવાનું શરૃ કરી દીધું.થોડા સમય પછી વિક્રમ સંવત ૧૮૬૫માં ગાદીની સ્થાપના કરી અને ધરમની ધજા ફરકાવી. આ સ્થાન સતાધાર નામે પ્રસિદ્ધ થયું. આપા ગીગાએ શરૃ કરેલ અન્નક્ષેત્ર તેમજ સાધુ-સંતોનો સત્કાર આજે પણ સતાધારના આંગણે થાય છે.

વિક્રમ સંવત ૧૯૨૬માં આપા ગીગાએ સમાધિ લીધી. આ સમાધિસ્થાન પર માનતા પૂરી કરવા અને ગાદીનાં દર્શન કરવાં અસંખ્ય ભાવિકો શ્રદ્ધાથી અહીં આવે છે. સંસ્થાના અન્નક્ષેત્રમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રસાદ (જમવાનું) નિઃશુલ્ક મળે છે.આ સદાવ્રત વર્ષોથી ચાલે છે. અહીંના રમણીય સ્થાને હજારો યાત્રાળુઓ રોજ આવે છે.લાખો લોકો દર વર્ષે ગોભક્ત ગીગાપીરની જગ્યાનાં દર્શન કરી યાત્રાનો અનેરો આનંદ માણે છે.

આપા ગીગાની સમાધિએ આવીને અનેક લોકો ગોસેવા કરવા માટેની માનતા રાખે છે. આપા ગીગાના અનુકરણે કરમણ નામના ભગત થઈ ગયા. તેમણે વિક્રમ સંવત ૧૯૩૩માં આપા ગીગાની સમાધિ પર દેવળ બનાવ્યું. તેઓ સમર્થ સંત હતા. આથી કહેવત છે કે કરમણ ત્રૂઠયા આપે દીકરા રૃઠયા ખોવે રાજ. આ સમર્થ સંતોની પરંપરામાં જ રામભગત અને હરિભગત થઈ ગયા.ત્યાર પછી લક્ષ્મણ ભગત જે બત્રીસ વર્ષ મહંત રહ્યા. તેમના પછી શામજી બાપુ ગાદીએ આવ્યા.તેમણે એકત્રીસ વર્ષ સુધી મહંત તરીકે ગાદી સંભાળી. તેમના સમયમાં સતાધાર ખૂબ જ પ્રસિદ્ધ થયું.

શામજી બાપુ પછી જીવરાજ ભગતે ગાદી સંભાળી અને તેમના પછી જગદીશ બાપુ આવ્યા અને પછી વર્તમાનમાં વિજય ભગત ગાદીપતિ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ આપા ગીગાની નવમી શિષ્યપેઢીના ગાદીમહંત છે. સતાધારની જગ્યા દીન-દુખિયા અને તરછોડાયેલા માટે મોટું આશ્વાસનનું કેન્દ્ર છે. સમાધિમંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકાર્યો કરે છે.

મંદિર પરિસરમાં એક પાડાની સમાધિ પણ છે. આ પાડાનો વધ કરવા મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. તેનો વધ કરવા અનેક પ્રયત્નો થયા પરંતુ તે બધા નિષ્ફળ નીવડયા હતા.મૂળ માલિકને તે પાડો પરત કરી દેવામાં આવ્યો. માલિકને તે પાડામાં દૈવી ચમત્કાર જણાતા તેને સતાધારમાં લાવવામાં આવ્યો હતો. તે પાડાની સમાધિ પર લોકો આવીને દર્શન કરે છે.

- પ્રજાપતિ અલ્પેશ વાડોલીયા


0 comments