આપણો દેશ પુરુષપ્રધાન દેશ રહ્યો છે. આજે પણ તે પુણ્યપ્રધાન જ કહેવાય છે. આ પુણ્યભૂમિ પર ઋષિ-મર્હિષઓ અને પુણ્યઆત્માઓ અવતર્યા. ભારતની વાત્સલ્ય ધરા પર પરમાત્માએ પણ અવતાર રૃપમાં જન્મ લઈને માતા અને માતૃભૂમિની ગોદમાં ઉછર્યા. ઈશ્વરને પણ પોતાના પરમધામ કરતાં પણ વધુ માનો ખોળો વધુ ગમી ગયો. દેશ પહેલાં અને આજે પુરુષપ્રધાન રહ્યો છે તેનું કારણ ભારતીય નારીમાં સમર્પણશક્તિ ગજબની છે. તેણે પોતાનું અસ્તિત્વ પુરુષ માટે સર્મિપત કરી દીધું છે. આ રીતે તે એક સિદ્ધસાધિકા છે. નારીએ ક્યારેય પોતાનું અલગ અસ્તિત્વ છે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો નથી. તેણે પતિ અને પુત્રની ભલાઈ માટે જ કાર્ય કર્યું છે અને તેમાં જ તેની ઉન્નતિ માની છે. નારીએ હંમેશાં નરમાં નારાયણને જોયા અને તેના કારણે જ તે પતિને પરમેશ્વર માનતી રહી. તે પરિવારના પાલનને પોતાનું પરમ સૌભાગ્ય માને છે. વાસ્તવિક રીતે જોઈએ તો ભારતીય પરિવાર ભાવનામાં સ્ત્રીનું યોગદાન બહુ મોટું છે અને તેના કારણે જ આપણી સુંદર સમાજવ્યવસ્થા જળવાઈ રહી છે. જ્યાં સુધી પુરુષોમાં સ્ત્રીઓ માટેના પવિત્ર ભાવ નહિ હોય ત્યાં સુધી એક સશક્ત સમાજની પરિકલ્પના થઈ શકતી નથી. ભારતીય નારીઓએ હંમેશાં નરમાં જ નારાયણનું ધ્યાન કર્યું છે. બાળપણમાં દીકરી સૌથી વધુ પ્રેમ પિતા પાસેથી જ મેળવતી હોય છે. તે પોતાના ભાઈઓનું પણ એટલું જ ધ્યાન રાખે છે. કિશોરાવસ્થામાં છોકરીઓ ભગવાન આશુતોષ પાસેથી સયોગ્ય વર મળે તે માટે પ્રાર્થના કરે છે. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ મેળવતા જ આચાર્ય કન્યાને ઉપદેશ આપે છે કે તું જે ઘરમાં વધૂ બનીને જઈ રહી છે તેમની ખુશીનું ધ્યાન રાખજે. પતિની સેવામાં જ તારી ભલાઈ છે. નારી ત્યાગ કરે છે, સેવા કરે છે અને સમર્પણ કરે છે. તે પતિ અને તેના પરિવાર માટે જ તેનું સર્વસ્વ અર્પણ કરતી હોય છે. જે નારી પોતાના પરિવાર માટે આટલું બધું કરતી હોય તેના માટે તમે ધ્યાન નહિ રાખો? શું તેની આ સેવા ઉપાસના કરતાં પણ વધુ નથી? નારી નરમાં નારાયણને નિહાળે છે. સ્વયં નારાયણ પણ જ્યારે અવતાર લઈને આ ધરતી પર આવ્યા તો તેમની મહાલીલાઓમાં દર્શાવવામાં આવ્યું કે પતિ જ પરમાત્મા સુધી પહોંચવાનું પરમ સાધન છે. ભગવાન શ્રીરામને તેમના પિતા દશરથ વનમાં જવાની આજ્ઞા આપે છે. સમગ્ર અયોધ્યા શોકમાં ડૂબી જાય છે. માતા કૌશલ્યા ચોધાર આંસુએ રડવાં લાગે છે. શ્રીરામ માતાની આજ્ઞા અને આશિષ મેળવવા મહેલમાં પ્રવેશ કરે છે. માતા રામને વનમાં જવાના આદેશનું પાલન કરવા કહે છે. ત્યારે શ્રીરામ પણ માતાના ચરણસ્પર્શ કરીને વિનમ્ર ભાવે કહે છે કે હવે તમારે પિતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે તમારો ધર્મ છે તે બરાબર નિભાવજો. જ્યારે પણ ત્યાગ, સમર્પણ કે સેવાનો અવસર આવ્યો હોય ત્યારે નારી પુરુષોથી ઊણી ઊતરી હોય એવું બન્યું નથી. રામાયણમાં સીતા પતિ રામની મુશ્કેલીઓમાં હંમેશાં પડખે જ રહે છે. સીતા વગર રામની કલ્પના કેવી રીતે થઈ શકે! શ્રીરામને જ્યારે ચૌદ વર્ષ વનમાં જવાનું થાય છે ત્યારે તે તરત જ તૈયાર થઈ જાય છે. જોકે સીતાને તેમની સાથે જવાનો આદેશ પણ નહોતો. સીતાએ પતિવ્રતા ધર્મ નિભાવતા તમામ સુખ-સુવિધાઓનું બલિદાન આપીને વનમાં જતાં દુઃખોમાં જ સુખને જોયું હતું. તે વિષમ પરિસ્થિતિમાં પોતાના બે બાળકોને ઋષિના આશ્રમમાં ઉછેરે છે છતાં પણ તે કોઈને દોષિત ગણતી નથી. પ્રારબ્ધને પ્રબળ માનીને તે પોતાની જવાબદારીમાંથી છટકી જતી નથી. તે પુત્રોને શિક્ષિત અને સંસ્કારિત કરીને સમાજને એક દિશા બતાવે છે કે કઈ રીતે મુશ્કેલીઓમાં પણ માર્ગ કાઢી શકાય છે. તમામ પ્રકારની અડચણોને તે દૂર કરીને અંતમાં જ્યારે સીતાનું શ્રીરામ સાથે પુર્નિમલન થાય છે ત્યારે પુનર્જન્મમાં પણ શ્રીરામને જ સ્વામી તરીકે મેળવવા ઈચ્છા વ્યક્ત કરે છે. ભારતની નારી ખરેખર ધન્ય છે જે દુઃખો સહીને પણ બધા માટે સુખ-શાંતિની કામના કરે છે. - સુધાંશુજી મહારાજ
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment