કર્મફળને કર્મ કરીને જ રોકી શકાય છે. એક પત્થરને ઉપર ફેંકીને નીચે પડે તે પહેલા શું પકડી શકાય ખરો ? તમે કર્મફળની ગતિને તમે એક નવી દિશા જરુર આપી શકો છો. માત્ર જન્મકુંડળીમાં બતાવેલા ગ્રહોને જોઈને ભવિષ્ય માની લેવું તે બરાબર નથી. આખરે તો માનવીનું ભવિષ્ય તેના હાથમાં હોય છે. કાર્ય કર્યુ હોય તો તેનું પરિણામ તો અવશ્ય મળવાનું જ છે. જીવનમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને પકડીને દુઃખી થવાથી કોઈ ફાયદો તો થવાનો નથી. જૂની પુરામી વાતોને ઉખેડીને ફેકી દેવામાં જ મજા હોય છે. જીવનમાં સારુ- નરસુ બનતુ જ રહેવાનું છે. આપણે તો જે કાર્ય હાથમાં આવ્યું હોય તેને યોગ્ય રીતે પાર પાડવાનું છે.ગીતામાં કહ્યુ છે તેમ આપણો તો માત્ર કર્મ પર જ અધિકાર છે, ફળ આપવું કે ન આપવું તે કુદરતના હાથમાં છે. ભગવાનમાં વિશ્વાસ રાખીને કાર્યને આગળ ધપાવવામાં આવે તો તેના ચોક્કસ સારા ફળો મળતા જ હોય છે. વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર હોય તો તેનો આધાર લઈને તે જરૃર પ્રગતિ કરી શકે છે. એવું ક્યારેય ન વિચારવું કે હું પાપી છું . હવે મારાથી કશું આગળ થઈ શકશે નહિ. આપણે શરીરને મહત્વનું ગણ્યું એટલે દુઃખ લાગ્યું પરંતુ આત્માને ઓળખીએ તો ઘણા બધા દુઃખોથી દૂર રહી શકાય છે. આત્મા જ નિત્ય છે. તેનો જ સાક્ષાત્કાર કરવાનો છે. આવિચારથી જ દુઃખોથી દૂર રહી શકાશે અને મનમાં આનંદ વર્તાશે. જેમ સામાન ઉંચકીને જતા વ્યક્તિને ધ્યાનમાં આવે કે વિશ્રામગૃહ નજીક છે ત્યારે તેને રાહત થઈ જાય છે. બોજ હલકો લાગવા માડે છે એ રીતે વ્યક્તિ જ્યારે એવું વિચારે છે કે ભગવાન મારી સમીપ છે ત્યારે જીવનની અનેક મુશ્કેલીઓના બોજ હલકા થઈ જતા જણાય છે. ભગવાનને બોજ આપી દેવાથી તે જરુર રક્ષણ કરે છે. દુઃખનું બીજુ એક કારણ હોય છે કે આપણે બીજાઓના દોષ જોવામાંથી જ ઉંચા આવતા નથી. દરેકને બીજાની જ ભૂલ દેખાય છે. પોતાની ભૂલ ક્યારેય દેખાતી નથી. બીજાના દોષો જોવા ટેવાયેલું મન સતત બેચેન રહેતું હોય છે.આનાથી મનમાં સતત નકારાત્મક ભાવો જ ઉભા થતા રહે છે જે વ્યક્તિની પ્રગતિને અટકાવે છે. દરેક જગ્યાએ સારું જ જોવાની ટેવ પાડીએ તો તમારું અને સામેવાળાનું બંનેનું સારું જ થશે. એક માણસ જો મનથી બળતો હોય તો તે બીજાને બાળતો રહે છે. એક રાવણની વિષયલોલૂપતાને કારણે સમગ્ર લંકાના લોકોને તેના ભોગ બનવું પડયું હતું.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment