બીજાને ખપ આવજો

Posted by Duty Until Death | 7:43 PM | 0 comments »

પરમેશ્વરે આપણને આ શરીર આપ્યું છે. કાન, નાક, આંખ, બધાંય સેવા કરનારાં અંગો છે. પરંતુ જો આપણને સેવા કરવાની મૂળમાં ઈચ્છા હોય તો જ આ અંગો સેવા આપે. એને બદલે જો મોજશોખ કરવાની ઈચ્છા હોય તો એ બધાં મોજશોખને માર્ગે વળી જાય. આંખ સિનેમા જુએ, કાન સિનેમાનાં ગીતો સાંભળે. અને જીભ ભજીયાં, રસગુલ્લાં વગેરે આરોગવામાં આનંદ માણે ! જો આ શરીર વડે આપણે સેવા કરવી હોય તો સૌથી પહેલાં તેને મજબૂત બનાવવું જોઈએ. માયકાંગલા નબળા શરીરથી કોઈની સેવા થઈ શકે નહીં, ઊલટું એવા શરીરને તો બીજાની સેવા લેવી પડે.

હવે સવાલ એ ઊભો થાય છે કે સારું શરીર કોને કહેવાય ? હવે જુઓ ભાઈ, આપણી ઘેર કોઈ ચીજની જરૂર પડી છે. બજારમાં લેવા જઈએ છીએ તો જે ચીજની જરૂર છે અને જે આપણને ખપમાં આવી શકે છે તે જ ચીજ આપણે લઈએ છીએ. વળી, તે ચીજ બે-ચાર દુકાને પૂછીને જ્યાંથી સોંઘી મળે છે ત્યાંથી જ લાવીએ છીએ. આ સોંઘી ચીજ સાથે સાથે ટકાઉ પણ હોવી જોઈએ. નહીં તો ઘેર આવતાં જ જો તે તૂટી જાય તો ઘરના માણસો વઢે અને લોકો હસે ! પણ ચીજ સોંઘી ય હોય અને લાંબો વખત સુધી ટકે તેવી ય હોય તો ફાવ્યા કહેવાઈએ. આમ આપણે આણેલી ચીજ ખપમાં આવે તેવી, સોંઘી ને વળી ટકાઉ હોવી જોઈએ. ચીજમાં આ ત્રણે ય ગુણ હોય પણ તે ચીજ દેખાવમાં ખરાબ હોય તો ? તો તો લોકો મોં મચકોડે ને ? એટલે વળી પાછી તે દેખાવમાં પણ સારી, સુઘડ અને સુંદર હોવી જોઈએ.

આમ આપણું શરીર પણ સોંઘું, ટકાઉ, ખપમાં આવે તેવું અને સુંદર હોવું જોઈએ. કેટલાકનાં શરીર ખૂબ જ મોંઘાં હોય છે. લિપસ્ટિક-પાવડર જોઈએ, ફેશનેબલ કપડાં જોઈએ, પગમાં બૂટ-મોજાં જોઈએ, ગળે નેકટાઈ જોઈએ અને ખિસ્સામાં કાંસકી જોઈએ ! આ તો શરીરને કેટલું મોંઘું બનાવી મૂક્યું ? ત્યારે સોંઘું શરીર કોને કહેવાય ? તો કે શરીરનું ખર્ચ ઓછામાં ઓછું આવે, લાંબો વખત તે જીવે, અને તે માંદું ન પડે, તો તે શરીર સારું ને સોંઘું કહેવાય. જરા વધારે ટાઢ હોય તો ગોદડું જરા ઊંચું કરીને ડોકિયું કરી લે કે ચા બનાવી છે કે નહીં ? ત્યારે તે જ વખતે અન્ય ખેડૂતો ખેતરમાં હળ હાંકતાં હોય. તો આ જીવન મોંઘું બન્યું કહેવાય.

જે શરીર ગમે તેવી ટાઢને સહન કરી શકે, તાપ વેઠી શકે, વરસાદ ખમી શકે તે શરીર સારું સુંદર કહેવાય. આપણા પગ સારા સુંદર છે એમ ક્યારે કહેવાય ? મેંદી મૂકી લાલ કરીએ અને મોજાં પહેરી તેની ભલી માવજત કરીએ ત્યારે નહીં, પણ પંદર ગાઉ ચાલીને જવું હોય તો ઝટ દઈને આપણને પહોંચાડી દે તો તે પગ મજબૂત ને રૂપાળા કહેવાય. મોં આખો દિવસ હસતું ને હસતું હોય, દીવેલ પીધા જેવું ન હોય, આપણી આંખો જોવા જેવું જ જોતી હોય, ન જોવા જેવું ન જોતી હોય, કાન સાંભળવા યોગ્ય વાતો જ સાંભળતા હોય બાકીની ન સાંભળતા હોય. જીભ પણ સારી ત્યારે જ કહેવાય જ્યારે તે મીઠું બોલતી હોય, સત્ય બોલતી હોય અને સૌમ્ય બોલતી હોય. આપણા શરીરને ખપમાં આવે તેવું ટકાઉ અને સુંદર બનાવવાનું હોય તો આ બધી વાતો યાદ રાખવી જોઈએ, હૃદયમાં કોતરી રાખવી જોઈએ. કોઈનું કામ કરવાથી કે ફેરો ખાવાથી આ શરીર કાંઈ ઘસાતું નથી. એટલે આ શરીર કેમ બીજાને ખપમાં આવે તે વાતનું જ હમેશાં ચિંતન રહેવું જોઈએ. ભૂલેચૂકે આપણાથી કોઈનુંય જો નુકશાન થઈ જાય તો જીવ બળવો જોઈએ.

તમે સૌ જાણતા હશો કે ક્રિયાપદ બે પ્રકારનાં હોય છે. સકર્મક અને અકર્મક. ક્રિયાને પૂછતાં જો જવાબ મળે તો તે સકર્મક ક્રિયાપદ ગણાય અને જવાબ ન મળે તો અકર્મક ક્રિયાપદ ગણાય. આમ દરેક ક્રિયા કરતી વખતે આપણા મનમાં સવાલ ઊઠવો જોઈએ કે ક્રિયા હું શા માટે કરું છું ? હું શા માટે ચાલું છું ? શા માટે કપડાં પહેરું છું ? જેનો સરર્મક જવાબ મળે તેવું કામ કરવું. આપણે કપડાં શા માટે પહેરીએ છીએ ? શરીરનું રક્ષણ કરવા અને આપણી ઈજ્જત ઢાંકવા. પણ આજના ફેશનેબલ કપડાં તો શરીરનું રક્ષણેય નથી કરતાં અને ઈજ્જત પણ નથી ઢાંકતા. તે તો છે આંખોને આંજનારાં અને રૂપાળાં. અને મોંઘા પણ કેટલાં ! ખરી રીતે તો શક્ય એટલા ઓછી જોડ કપડાં રાખવા જોઈએ. સ્વચ્છ અને મર્યાદાપૂર્ણ વસ્ત્રો પહેરવા જોઈએ. વળી શરીરને મજબૂત બનાવવા એને ઝાઝી સગવડો આપતા ન રહેવું જોઈએ. થોડી ઠંડી-ગરમી વેઠવા દેવી જોઈએ. આપણે જોડા શા માટે પહેરીએ છીએ ? પગનું રક્ષણ કરવા. પહેલાંના વખતમાં જોડાને ‘પગરખાં’ કહેતાં. પગનું રક્ષણ કરે તે પગરખાં. પહેલાં ખાસ કાંઈ પગમાં કાંટા-ઝાંખરા વાગે એવો રસ્તો આવે ત્યારે તેનો ઉપયોગ કરતા. ત્યારે આજે તો ઘરમાં પણ જોડા પહેરીને ફરવાનો રિવાજ વધવા લાગ્યો છે ! આ બધાં કામો અકર્મક ક્રિયાવાળાં થયાં. ક્રિયાને પૂછતાં પગમાં કાંટો-કાચ વાગે છે માટે જોડા પહેરું છું, ઠંડી લાગે છે માટે કપડાં પહેરું છું, એવો જવાબ નથી મળતો. હું પહેલાં ગામડાંઓમાં રોજના ચાળીસ માઈલ ચાલતો ત્યારે ય મને પગમાં કાંકરી નહોતી ખૂંચતી.

ભગવાને તો આપણને શરીર સારું જ આપ્યું છે. તેને જેવી ટેવ પાડો તેવી પડે. જેવું તેને કેળવવા ધારો તેવું તેને કેળવી શકાય. અને તેથીસ્તો કહેવત પડી છે ને કે ‘ઊંઘ અને આહાર વધાર્યા વધે ને ઘટાડ્યાં ઘટે…’ એક ટંક ખાવાથી ય ચાલે, બે ટંકથી ય ચાલે અને જેટલી વાર ખાવાનું દેખીએ તેટલી વાર મોંમાં નાખ નાખ કર્યાથીયે ચાલે. આવી કુટેવોથી જીવનની પાયમાલી વહેલી થાય છે. નાનપણથી જ છોકરાંઓને સારી ટેવો પાડવી જોઈએ. અને આ જવાબદારી માબાપની અને શિક્ષકોની છે. બાળકોને શરૂઆતથી જ એવું જ્ઞાન મળવું જોઈએ કે આ શરીર બીજાને વધુમાં વધુ ખપ આવે એવું બનાવવાનું છે. પરંતુ આજે તો આવું જ્ઞાન આપવાને બદલે સાવ ઊલટું જ જ્ઞાન અપાય છે. નિશાળોમાં પણ જીવનને ઉપયોગી જ્ઞાન આપવાને બદલે સાવ ગોખણપટ્ટી કરાવે છે, જે જીવનમાં કાંઈ જ ઉપયોગી થતું નથી.

મને અહીં એક પોપટની વાત યાદ આવે છે. કોઈએ પોપટને શીખવ્યું કે તું રામ રામ કર્યા કરજે, અને બિલ્લી આવે તો ભાગી જજે. પેલા પોપટે આ વાત ગોખગોખ કરી. પણ પોપટભાઈ એ ગોખણપટ્ટીમાં એવા તો મગ્ન થઈ ગયા કે બિલ્લી આવી ને પોપટભાઈને સ્વાહા કરી ગઈ ! આમ ગોખવાથી કાંઈ યથાર્થ થતું નથી. આજના શિક્ષણમાં જ્ઞાનને બદલે માત્ર ગોખણપટ્ટી જ કરાવાય છે. શિક્ષણમાં વાંચવું એટલું જ નથી. પહેલાં ધ્યાનપૂર્વક સાંભળવું, પછી તેની ઉપર ચિંતન-મનન કરવું, અને છેલ્લે નિદિધ્યાસન કરવું. ગાય પહેલાં ચરી આવે છે, ઝટ ઝટ ઘાસ ખાઈ લે છે અને પછી નિરાંતે પેલું ખાધેલું ઘાસ વાગોળે છે અને પચાવે છે; અને ત્યાર પછી તેનું દૂધ થાય છે. આવી જ રીતે આપણે પણ કરવું જોઈએ. આપણે પણ વાંચેલું વાગોળવું જોઈએ. માત્ર વાંચ્યું ને ગોખ્યું હોય તો તે ભૂલી જવાય પણ વાગોળ્યું હોય તો તે કાયમ ટકી રહે. આમ જ્ઞાન વાગોળાઈને પચી જવું જોઈએ. વળી તે બીજાને આપતા રહીએ તો તે તાજું પણ થાય.

જીવન બીજાને ખપમાં આવે એવું બનાવવા માટે આ બધી વાતો ધ્યાનમાં રાખવી જોઈશે

0 comments