૧૯૧૬ની વાત છે. લખનૌમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ પેદા થયેલી પરિસ્થિતિઓની ભારત પર પડેલી અસરોની ચર્ચા તેમજ દેશને અંગ્રેજોથી આઝાદ કરાવવાની નીતિ પર વિચાર-વિમર્શ ચાલી રહ્યો હતો.



બધા નેતાઓ અને કાર્યકર્તાઓ સવારે વહેલા ઊઠીને દૈનિક કાર્યો પતાવીને વિચાર-વિમર્શ માટે એકઠા થઈ જતા હતા. આ લોકોમાં એક વયોવૃદ્ધ સજજન બ્રહ્મમુહૂર્તમાં જાગી જતા, એકાદ-બે કલાક સ્નાનાદિ પ્રવૃત્તિમાં ગાળતા અને પછી ચિઠ્ઠી-પત્ર લખવા બેસી જતા.



ભારતની આઝાદી માટે કંઈક કરવા માગતા દેશભરના લોકોને તેઓ પત્રો લખી માર્ગદર્શન પૂરું પાડતા. તેમની ભાષાશૈલી એટલી ઓજસ્વી રહેતી હતી કે ભારતના બધા પ્રાંતોના લોકો આઝાદીના યજ્ઞમાં પોતાની આહુતિ આપવા ખેંચાઈ આવતા. એક દિવસ એ વૃદ્ધ સજજન અગિયાર-બાર વાગ્યા સુધી ચિઠ્ઠી લખતા રહ્યા. એક સ્વયંસેવકે કહ્યું, માન્યવર!



તમે સવારથી કશું પણ ખાધું નથી. તમારા માટે થોડો નાસ્તો લેતો આવું? તેમણે હા પાડતાં પેલો નાસ્તો લઈ આવ્યો. તેમણે નાસ્તો શરૂ કરતાં જ સ્વયંસેવક બોલ્યો, માફ કરજો! તમે નાસ્તો કરતાં પહેલાં પૂજા નથી કરી. કદાચ ભૂલી ગયા. વયોવૃદ્ધે ખડખડાટ હસીને કહ્યું, દીકરા! સવારથી હું પૂજા સિવાય બીજું શું કરી રહ્યો છું? મારા માટે મારું કર્મ એ જ પૂજા છે.



એ વૃદ્ધ સજજન હતા બાળ ગંગાધર તિલક. તેમનો આ સંદેશો આજે પણ પ્રાસંગિક છે. ધર્મસ્થળે જવું, કલાકો બેસીને પૂજા કરવી અને વાતવાતમાં પ્રભુનું નામ લેવું તે ખરા અર્થમાં ધાર્મિકતા નથી, પરંતુ પોતાનાં કર્મોને ઈશ્વર માનીને તેને પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે કરવું એ જ સાચી ધાર્મિકતા છે

0 comments