આજે સ્ત્રી પુરુષની સમોવડી છે એવી વાતો થાય છે. અને સ્ત્રીઓ પણ પોતે પુરુષ કરતાં બિલકુલ કમ નથી એવું પુરવાર કરવામાં ગૌરવ અનુભવે છે. એટલા વાસ્તે તે પુરુષનાં જેવા બધાં કામો કરવા તૈયાર થાય છે, અને પુરુષની નકલ કરતી થાય છે. પુરુષ ઑફિસમાં કામ કરે તો હું કેમ ન કરું ? પુરુષ કૉલેજનું શિક્ષણ લે તો હું કેમ ન લઉં ? પુરુષ બંદૂક શીખે તો હું કેમ ન શીખું ? આમ પુરુષની દેખાદેખીએ તે પોતાનું જીવન ગોઠવવાનો પ્રયત્ન કરે છે. પણ આ માર્ગ તો ભૂલભરેલો છે. સ્ત્રીને પોતાની જાતનું, પોતાના વિશિષ્ટ સ્થાનનું, પોતાના સ્વધર્મનું ભાન નથી. એટલે આવું થાય છે. હકીકતમાં તો ભગવાને સ્ત્રીને પુરુષની બરોબરીની જ બનાવી છે. એટલું જ નહીં તેનાં કેટલાંક કામો એવાં છે, જેને કારણે તેનું મહત્વ પુરુષ કરતાંયે વિશેષ છે. ઈશ્વરે સ્ત્રી ઉપર પોષણની અને રક્ષણની જવાબદારી નાખી છે. હવે આ બે કામ કરવાનું મહત્વ તો કેટલું બધું ગણાય ! પણ સ્ત્રીને તેનું ભાન નથી. પોતાની આ જવાબદારી પ્રેમપૂર્વક અદા કરવાનું છોડીને તે નાહકની ઝાંઝવાના જળ પાછળ દોડી રહી છે. કહે છે કે સ્ત્રી આજે પોતાની સ્વતંત્રતા માટે લડી રહી છે. પણ એ કઈ સ્વતંત્રતા ? વાસ્તવમાં એ સ્વતંત્રતા છે જ નહીં. એ તો નર્યો પોલો શબ્દ છે. એવી નકલી સ્વતંત્રતા પાછળ પડીને તે પોતાનો સમય અને શક્તિ બરબાદ કરી રહી છે. તેનાથી તેનું ઓજસ ખોવાય છે અને સ્ત્રીત્વ હણાય છે. આજનું ખોટું શિક્ષણ તેને પાંગળી બનાવી મૂકે છે.

શાસ્ત્રમાં માને પહેલો ગુરુ કહ્યો છે. પણ આજની ભણેલી છોકરી માતૃત્વનું ગૌરવ અનુભવતી નથી. છોકરાં ઉછેરવાના કામમાં પણ એને નાનમ લાગે છે ! ઉછેરવાનું ઠીક પણ ધવડાવવાનું યે તેણે ધીમે ધીમે છોડવા માંડ્યું છે. કહેવાય છે કે બાળકને ધવડાવતી વખતે મા જેવી ભાવના રાખે એવું તેનું બાળક થાય છે. એટલે કે ધવડાવતી વખતે બાળકમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે. વળી બાળકના પોષણ માટે માના દૂધ જેવું ઉપયોગી બીજું કશું નથી એમ વૈદો અને ડોક્ટરો કહે છે. પરંતુ આજની ભણેલી સ્ત્રી તો બાળકને ધવડાવવાથી પોતાનું શરીરસૌંદર્ય ઘટી જશે એવી બીકથી બાળકને બાટલીના દૂધ પર પોષતી થઈ ગઈ છે. અને એને તો બહારની પ્રવૃત્તિઓમાં આગળ આવવું હોય છે એટલે બાળકનો ઉછેર કરવાનું કામ આયાઓને સોંપતી જાય છે. પણ આટલું ભણેલી સ્ત્રી એમ કેમ નહીં વિચારતી હોય કે આયા બાળકને ઉછેરશે તો તેનામાં સંસ્કાર પણ આયાના જ આવવાના ને ? આમ શિક્ષણ અને સ્વતંત્રતાના ભ્રામક ખ્યાલોમાં એણે પોતાનું આગવું કહી શકાય તેવું માતૃત્વ પણ વિસારી દીધું છે.

માતૃત્વ એ તો એક અનુપમ અને અદ્વિતિય ચીજ છે. મા તો પોષનારી અને સાચવનારી છે. સ્ત્રીની આ મુખ્ય જવાબદારી છે. એ જવાબદારી તે સારી રીતે અદા કરી શકે એવી તાલીમ એને નાનપણથી મળવી જોઈએ. સ્ત્રીનો જન્મ સમાજને પોષવા માટે થયો છે. ઈશ્વરે સ્ત્રીને બાળકો જન્માવવા જ નથી પેદા કરી. વાત્સલ્ય, માર્દવ, ત્યાગ-સમર્પણ વગેરે સ્ત્રીના આગવા ગુણો છે. ગીતામાં પણ કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેઘા અને ક્ષમા એ સ્ત્રીના સાત ગુણો વર્ણવ્યા છે. બીજાને માટે ઘસાવું એ સ્ત્રીના સ્વભાવમાં જ છે. કુટુંબ સંસ્થાનો આધાર પણ સ્ત્રી જ છે. ‘गृहिणी गृहं उच्यते’ એમ કહ્યું છે તે કેટલું સાચું છે ! કુટુંબમાં સ્ત્રી પોતે શૂન્યવત થઈ જાય છે. સહુને ખવડાવીને જ તે ખાય છે, અને વધે નહીં તો પોતે ભૂખી પણ રહે છે. ખાસ પોતાને માટે એ ક્યારેય નહીં બનાવે. બીજાને ખવડાવવામાં જ એ ખરો આનંદ અનુભવે છે. ઘસાઈને ઊજળા થવાનો પાઠ મા આપે છે, તેવો બીજું કોઈ નહીં આપતું હોય.

બોચાસણમાં એક વાર એક વાંદરી પોતાના બચ્ચાને છાતીએ વળગાડીને ઝાડ પર બેઠી હતી. કોઈ કારણસર તે નીચે પડી. પણ તમે જાણો છો તે કેવી રીતે પડી ? તે ચત્તી પડી કે જેથી પછડાટનો માર પોતાને વાગે અને બચ્ચાને લગીરે ઈજા ન થાય. પોતાને ઈજા થાય તો વાંધો નહીં ! તેવામાં આવ્યા બે કૂતરા. કૂતરાને જોઈને વાંદરી લાગલી જ ઊંઘી થઈ ગઈ. એમ કરીને તેણે બચ્ચાને બચાવ્યું; અને પોતાની જાતને પીંખી ખાવા દીધી. આવો હોય છે માનો પ્રેમ. આવો જ એક બીજો દાખલો છે. મારા એક મિત્રે એક સસલું અને એક કૂતરું પાળ્યું હતું. બન્ને વચ્ચે ભારે દોસ્તી હતી. એકબીજાની સાથે રમતાં એવાં ગેલ કરે… એવાં ગેલ કરે ! મારાં બેટા થાકે જ નહીં. એકવાર હું તેમને ઘેર ગયો. તે વખતે મેં જોયું તો પેલી સસલીનું શરીર કાંઈક વિચિત્ર લાગ્યું. મેં મારા મિત્રને પૂછ્યું કે આના શરીર પરના બધા વાળ ક્યાં ગયા ? તો કહે, એ વિયાવાની છે, તેથી તેણે પોતાના શરીર પરના વાળ તોડી આવનાર બચ્ચા માટે પથારી કરી રાખી છે. ઓત્તારીની ! આ તે કોણ મા કે દેવ ? પાછળથી એના બચ્ચાને કોઈ માણસ લઈ ગયો હશે. પેલી સસલીને એવો જ વહેમ પડ્યો કે એના બચ્ચાને કૂતરું જ ખાઈ ગયું. પછી તો એ કાંઈ પેલા કૂતરાની પાછળ પડી હતી ! એની હડહડતી દુશ્મન થઈ ગઈ. મારા મિત્રને એ બન્ને સાથે રાખવાં ભારે થઈ પડ્યાં. માનો પ્રેમ આવો છે ! પછી તે પશુયોનિમાં હોય કે માનવયોનિમાં.

આવા માતૃત્વનું ગૌરવ ભૂલી આજની ભણેલી સ્ત્રી નાહકની પુરુષની નકલ કરવા નીકળી છે. આ તો મોટી કમનસીબી ગણાય કે સ્ત્રીને પોતાને પોતાનું ખરું મૂલ ખબર નથી ! આપણા દેશમાં પ્રાચીન કાળમાં સ્ત્રી સ્વતંત્ર, સ્વાભિમાની અને ખુમારીવાળી હતી. પોતાના શીલનું રક્ષણ પણ તે પોતે બહાદુરીપૂર્વક કરતી. એક અર્થમાં તે સ્વયંસિદ્ધા હતી. એના ચારિત્ર્યમાં એટલું તેજ અને ઓજસ રહેતું કે માણસ એની સામે કુદષ્ટિથી ઊંચી નજર નહોતો કરી શકતો. કોઈ દુષ્ટ તેનું શીલ લૂંટવા પ્રયત્ન કરતો તો તે તેને પોતાની તેજસ્વિતાથી પડકારતી. તે કદી કોઈની ઓશિયાળી નહોતી રહેતી. સ્ત્રીને સમાજે અબળા કહી છે. પણ અબળાનો અર્થ એમ નહીં કે તેનામાં બળ નથી. અબળાનો અર્થ તો એ છે કે તેનામાં બળ બહાર દેખાતું નથી, પણ અંદર અદશ્ય શક્તિ પડેલી છે. અને તેથી તો કહેવત પડી છે કે સ્ત્રી અબળા મટી પ્રબળા બને ત્યારે ભારે પડી જાય છે. તેનું અદશ્ય બળ પ્રગટ થાય ત્યારે તેનો મુકાબલો કોઈ ન કરી શકે. એ ધર્મનિષ્ઠ હતી તેથી પોતાનું ઓજસ સાચવી રાખતી.

સ્ત્રી વ્યવહારકુશળ પણ એટલી જ. ઘર ચલાવવાની તેની આવડત જબરી. મને એક વાત યાદ આવે છે. એક પોલીસ અધિકારીએ એક વાર એક ભેંસ વેચાતી લીધી. તેનો તેને દર મહિને એ જમાનામાં રૂ. 40 ખર્ચ આવવા લાગ્યો. તેની પાડોશમાં જ રહેતી એક ગામડિયણ કહે મને તો મારી ભેંસ ઊલટાની મહિને માસે 40 રૂપિયા ઊપજ કરી આપે છે. જેમાંથી મારું પોતાનું ખર્ચ પણ નીકળી જાય છે. આનું કારણ શું ? તો કહે, હું છાણ, વાસીદું, દોહવાનું બધું જાતે કરું છું. નોકર પાસે હુકમ કરીને આ બધાં કામ કરાવીએ તો તેમાં જ બધી ઊપજ તણાઈ જાય ને ? આ જાતમહેનતના ગુણને પણ મુખ્યત્વે સ્ત્રીએ જ સાચવ્યો છે. પણ આજે તો એ ગુણ પણ ભણેલી સ્ત્રી ભૂલવા લાગી છે. કેમ કે પુરુષની જેમ સ્ત્રીને પણ જાતમહેનતમાં નાનમ અને શરમ લાગવા માંડી છે. આ સારું નથી. અનુકરણ કરવું હોય તો તે સારી ચીજનું કરવું જોઈએ. એને બદલે સ્ત્રી આજે પુરુષના દુર્ગુણોનું અનુકરણ કરવા નીકળી છે. આમ કરવાથી તેનો ઉદ્ધાર થવાનો નથી. સ્ત્રી પોતે પોતાની આગવી શક્તિને પોતાનો આગવો સ્વધર્મ ઓળખશે ત્યારે તેને ખરું ગૌરવ પ્રાપ્ત થશે.

Note :: This contents is taken from readgujarati.com

0 comments