નસીબના નિરાળા ખેલના અનુભવ પર કાંઈ કોઈનો એકાધિકાર નથી. લગભગ બધાને તેના નાના-મોટા અનુભવ થઈ ગયા હોય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગર જિલ્લામાં પણ બની ગયો. વાત આમ તો બહુ જ નાની છે, થોડાં વર્ષો જૂની છે. પણ ઈન્ટરેસ્ટિંગ છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરની સાથે ખભેખભા મિલાવીને સાવ અડોઅડ ઊભેલું એક અડીખમ ગામ. મુકેશ નામનો એક વિપ્ર યુવક આ ગામનો વતની. ઉંમરે હળવા પગલે યુવાનીમાં પ્રવેશ કર્યો અને ઘટમાં ઘોડા થનગનવા માંડયા. કંઈક કરી છૂટવાનાં અરમાનો ઉછળ્યાં. ગરીબ કર્મકાંડી પિતાની આર્થિક ટેકણરૃપી લાકડી બનવાનું નક્કી કર્યું અને એક સારો ધંધો શોધીને ઝંપલાવી દીધું.

પોતાના ધંધા માટે મુકેશને વારંવાર અમદાવાદની અવર-જવર રહેતી. આવવા-જવાનાં ઠેકાણાં નહીં અને એસટીની બસોનું તો ત્યારે પણ આજના જેવું જ હતું, ભરોસો તો કરાય જ નહીં. મિત્રોની પાસેથી થોડા-ઘણા ઉછી-ઉધારા કરીને મુકેશે એક સેકન્ડહેન્ડ સ્કૂટર ખરીદી લીધું. સ્કૂટર આવ્યું એટલે એસ.ટી.ની મોહતાજી છૂટી ગઈ. મુકેશ પગથી માથા સુધી ધંધામાં ખૂંપી ગયો.

પણ... એક દિવસ ન બનવાનું બની ગયું. મુકેશ પોતાનું સ્કૂટર અમદાવાદના લાલ દરવાજામાં પાર્ક કરીને ધંધાના કામે નજીકમાં ક્યાંક ગયો હતો ત્યાંથી પાછો આવ્યો ત્યારે સ્કૂટર ગુમ...! પહેલાં તો લાગ્યું કે ક્યાંક બીજે પાર્ક કર્યું હશે. પણ આખા વિસ્તારનો ખૂણે-ખૂણો ફેંદી નાખ્યો તોયે સ્કૂટર ન મળ્યું. મુકેશ હક્કા-બક્કા થઈ ગયો. થઈ જ જાયને...? મુકેશને મન તો એ પોતાની ર્મિસડિઝ હતી, ધંધાનો આધારસ્તંભ હતો અને હજુ તો સ્કૂટર માટે લીધેલાં ઉધાર નાણાં પણ ક્યાં પૂરાં ચૂકવાયાં હતાં? કોણ લઈ ગયું હશે? મુકેશનું મન ખિન્ન થઈ ગયું. બ્રાહ્મણ પરિવારના એ ભોળિયા જીવે સ્વભાવ વિરુદ્ધ જઈને સ્કૂટર લઈ જનારાને બે-ચાર ખરી-ખોટી સુણાવીને શાપ પણ આપી દીધો.

સ્કૂટર ચોરીની ફરિયાદ માટે મુકેશ પહોંચ્યો કારંજ પોલીસ સ્ટેશને. ખબર નહીં કેમ પણ એ સમયના પોલીસોએ પણ પોતાના સ્વભાવ વિરુદ્ધ જઈને આ યુવકની આખી કથની ધ્યાનથી સાંભળી, ચા પીવડાવી, દિલાસો આપ્યો અને ફરિયાદ નોંધાવીને સ્કૂટર ખોળી આપવાની ખાતરી પણ આપી. મુકેશના હૈયે ટાઢક થઈ. તંત્રના સધિયારાએ તેને બહુ મોટો ટેકો પૂરો પાડયો. પણ ફરિયાદ માટે સ્કૂટરના કાગળો તો જોઈએ ને? કાગળ તો ગામડે પડયા હતા. પોલીસોએ કહ્યું,કાગળો લઈ આવો એટલે ફરિયાદ નોંધી લઈએ.

મુકેશ ખખડધજ એસ.ટી. બસ પકડીને ગામડે આવ્યો, કાગળો શોધ્યા. બે-ચાર મિત્રોનેે વાત કરી. હમદર્દ દોસ્તો પણ તેની સાથે થયા, અમે પણ આવીએ પોલીસ સ્ટેશને...! પાંચ-છ જણાં એક સાથે થઈ ગયા એટલે વિચાર્યું કે હવે એક જીપ લઈને જ જઈએ. ગામમાંથી એક જીપ બાંધી અને આખા રસાલાએ કૂચ કરી... કારંજ પોલીસ સ્ટેશનમાં સ્કૂટર ચોરીની ફરિયાદ નોંધાવવા.

મુકેશ અને મિત્રોનું સૈન્ય જીપમાં ગાંધીનગર પહોંચ્યું ત્યારે એક શાણો વિચાર આવ્યો, જીપમાં પેટ્રોલ પુરાવી લઈએ. જીપ રોડ પર આવેલા એક પેટ્રોલપંપ તરફ વાળી અને ત્યાં સાવ અણધારી ઘટના ઘટી ગઈ.

આ પેટ્રોલપંપને મુકેશના મિત્રો હજુ ભૂલ્યા નથી, કારણ કે મંઝિલ તેમને અહીંયાં અધવચ્ચે સાવ અણધારી જ મળી ગઈ હતી. જી હા... લાલ દરવાજામાં ચોરાયેલું સ્કૂટર ગાંધીનગરના આ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવા લાઈનમાં ઊભું હતું. એક મિત્રની નજર પડી... મુકેશ... તારું સ્કૂટર...! બરાબર એ જ ક્ષણે મુકેશની નજર પણ પોતાના સ્કૂટર પર પડી અને તેની આંખો ચમકી ઊઠી. તેણે પણ લગભગ સાથોસાથ જ જોરથી બૂમ પાડી... મારું સ્કૂટર...!

મુકેશ અને તેના મિત્રોનું લાવ-લશ્કર જીપમાંથી કૂદી પડયું પણ આ બૂમબરાડા અને હોહાથી સ્કૂટર લઈને ત્યાં પેટ્રોલ પુરાવવા ઊભો રહેલો તસ્કર ચેતી ગયો. સ્કૂટર પછાડીને તેણે દોટ મૂકી. મુકેશના મિત્રો તસ્કરની પાછળ દોડયા. મુકેશને તસ્કરમાં નહીં સ્કૂટરમાં રસ હતો. સ્કૂટરચોરે ભાગવા માટે સ્કૂટર પડતું મૂકતા હૃદયમાં ધ્રાસકો પડયો, મારી ર્મિસડિઝને પછાડી...? મુકેશ પોતાના સ્કૂટર પાસે દોડી ગયો. હળવા હાથે નજાકતથી પોતાના સ્કૂટરને ઊભું કરીને તે પંપાળવા લાગ્યો. પેટ્રોલપંપના કર્મચારીઓ અને અન્ય વાહનચાલકો આ અણધાર્યા દેકારાથી ઘડીક તો હતપ્રભ બની ગયા હતા.

તસ્કરની પાછળ દોડેલા મુકેશના મિત્રો ખાલી હાથે અને વીલા મોઢે પાછા ફર્યા. ચપળ ચોર ચકમો આપીને પાટનગરની હરિયાળીમાં વિલિન થઈ ગયો હતો. મુકેશને તેનો અફસોસ ન હતો,એને તો સ્કૂટર આમ સાવ અણધારી રીતે પાછું મળી ગયાનો આનંદ હતો જોકે, તેના મિત્રોને આજેય વસવસો છે કે એ ચોર હાથમાંથી છટકી ગયો

0 comments