કુટુંબમાં માણસની સ્વતંત્રતા, શિસ્ત, ત્યાગની કસોટી થાય છે કારણ કે કુટુંબ એ એકમાત્ર એવી સંસ્થા છે, જે માણસે સ્વયં, પોતાના માટે જ, પોતાની મરજીથી રચી છે.
—
કોઈના કર્મનો ન્યાય તમે જાતે તોળશો નહીં. તમે જે ત્રાજવે તોળશો તે જ ત્રાજવે તમે પણ તોળાશો. તમે જે માપે આપશો તે જ માપથી તમને મપાશે.
—
દયા એવી ભાષા છે કે બહેરા તે સાંભળી શકે અને અંધ તે અનુભવી શકે છે, મૂંગા સમજી શકે છે.
—
જો જીવનમાં બધું જ સમજ અને આયોજનપૂર્વક કરવામાં આવે તો જોખમ જેવું કંઈ જ નથી.
—
જેમ ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ગુસ્સાના ઊભરામાં માણસ પોતાનું હિત શામાં છે એ જોઈ શકતો નથી.
—
કોઈ માણસ બીજા મનુષ્યને બદલી શકતો નથી. આપણે બધા જ પરિવર્તનનું એક એવું દ્વાર ધરાવીએ છીએ જે ફક્ત અંદરથી જ ખૂલી શકે છે. કોઈના હૃદયનું દ્વાર આપણે બહારથી, દલીલથી કે લાગણીસભર આજીજીથી ખોલી શકતા નથી.
—
ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
—
કીડીથી વધારે સારું કોઈ જ ઉપદેશક નથી, છતાં તે વ્યાખ્યાન આપ્યા વિના, મૌન જ રહે છે.
—
સેવા માટે પૈસાની જરૂરત નથી, જરૂરત છે પોતાના સંકુચિત જીવનને છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની.
—
મેં કેવું આલીશાન ઘર બાંધ્યું તે નહિ પણ, મારું ઘર કેટલાં લોકોને માટે વિસામા રૂપ બન્યું, કેટલાંને આશ્વાસન મળ્યું, કેટલાંને ટાઢક, આત્મીયતા મળી, હૂંફ મળી એમાં જ ઘરની ભવ્યતા છુપાયેલી છે.
—
જે કાર્ય કરતાં મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતાં મનમાં ગ્લાનિ થાય તે અધર્મ.
—
પોતાની નમ્રતાનું સતત ભાન હોવું એ પણ એક જાતનો ઘમંડ છે.
—
સાચું શું છે એ જાણ્યા છતાંય, એ પ્રમાણે ન અનુસરવું એમાં કાં તો જાણકારીનો અભાવ છે કાં તો હિંમતનો અભાવ છે.
—
સ્વાસ્થ્ય માટે જો કંઈ વધારેમાં વધારે નુકશાનકારક હોય તો સ્વાસ્થ્ય માટેની અત્યંત કાળજી….
—
જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે.
—
જીવવું એટલે માત્ર શ્વાસ લેવો એવું નથી. જીવવું એટલે સક્રિય સમાજોપયોગી કાર્ય કરવું એનું જ નામ જીવન.
—
ભૂલ તો સર્વની થાય પણ એનો સ્વીકાર કરનાર અને એ જ ભૂલ બીજીવાર ન થાય તેની તકેદારી રાખનાર જ સુખી થાય છે.
—
લગ્નજીવન કે દામ્પત્યની સફળતા યોગ્ય વ્યક્તિની શોધમાં નહીં, યોગ્ય વ્યક્તિ થવામાં છે.
—
કુદરતી દુઃખ એક કસોટી છે, ઊભું કરેલું દુઃખ એક શિક્ષા છે.
—
માણસમાં પોતાની જાતને છેતરવાની અનંત શક્તિ પડી છે, આમાં ભલભલા જોગી, જતિ, ઋષિ, તપસ્વી કોઈ અપવાદ નથી. ઊંચામાં ઊંચી અવસ્થાએ મરણની પળ લગી પણ, માણસ પતનપ્રૂફ તો નથી જ.—
0 comments
Post a Comment