સુધાએ છાપામાં વાંચ્યું : ‘આ મહિનામાં મંગળ પૃથ્વીની બહુ નજીક આવવાનો છે. નરી આંખેય જોઈ શકાશે. મહિના સુધી સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી પૂર્વ ક્ષિતિજે તેનાં દર્શન થશે.’ તેણે બાજુમાં બેઠેલા સમીરને કહ્યું, પણ તેણે તો સાંભળ્યું-ન સાંભળ્યું કર્યું. પરંતુ સુધાએ નક્કી કરી નાખ્યું કે મંગળ જોવો જ. સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલાં જ અગાશી પર પહોંચી ગઈ. સૂર્ય અસ્ત થયો હતો ત્યારે પૂર્વ ક્ષિતિજ પર અત્યાર સુધી ઝાંખો દેખાનારો તારો ધીરે ધીરે ચમકવા લાગ્યો. જોત-જોતામાં તેનો રંગ લાલાશ પકડતો ગયો. બસ, આ જ મંગળ ! સુધા ખુશ ખુશ થઈ ગઈ. પછી તો ચાર-પાંચ દિવસ રોજ સાંજે મંગળને જોતી રહી. એમને જમીનનો પ્લોટ ખરીદવો હતો. સમીરના મિત્ર જોશીએ એક જગ્યા બતાવી. તેણે પોતે પણ હમણાં જ ત્યાં એક પ્લૉટ ખરીદેલો. સમીર પણ ત્યાં જ પ્લોટ ખરીદે એવો એમનો આગ્રહ હતો. સારા પડોશી મળે. જગ્યા જોઈ. બંનેને ગમી. ત્યાં જોશીએ પૂછ્યું : ‘તમારી જન્મ-કુંડળી હશે ને !’ સુધા-સમીરે તો લગ્ન વખતેય કુંડળી-બુંડળી જોયેલી નહીં. કુંડળી ક્યાં હશે તેય ખબર નહીં. છતાં માળિયામાંથી સમીરની કુંડળી તો મળી, સુધાની ન મળી. જોશી કહે, ‘કાંઈ નહીં, તમારી જન્મ તારીખ અને જન્મનો સમય મને આપો, હું કુંડળી બનાવી લઈશ.’ જન્મ-તારીખ તો ખબર, પણ જન્મ-સમય કોને ખબર ? સુધાએ માને પૂછીને જન્મ-સમય પણ કહ્યો. અને જોશીએ એની કુંડળી બનાવી લીધી. બંને કુંડળીનો બરાબર અભ્યાસ કર્યા બાદ જોશીએ કહ્યું, ‘સુધાબહેન ! તમને મંગળ છે.’ સુધાના પેટમાં ફાળ પડી. તેણે સાંભળેલું કે સ્ત્રીને મંગળ હોય તો પતિને જોખમ ! પણ ત્યાં જોશીએ ઉમેર્યું, ‘સમીરનેય મંગળ છે એટલે ચિંતા નથી. પણ તમારો મંગળ ઉગ્ર છે, સમીરનો સૌમ્ય. એટલે કેટલાક ખેલ તો એ બતાવવાનો જ.’ બંને ગંભીર થઈ તેને સાંભળી રહ્યાં. જોશીએ સમજાવ્યું કે ઘાતક ભલે ન હોય, પણ આના પરિણામે સમીરને અકસ્માતના, દુર્ઘટનાના યોગ ખરા. સુધાએ મનોમન યાદ કર્યું કે હા, ત્રણેક વાર સ્કૂટરના અકસ્માત થયેલા. જોશીએ આગળ ચલાવ્યું, ‘સુધાબહેનના હાથમાં પૈસા ઝાઝા ટકશે નહીં. માટે મારી સલાહ એવી છે કે પ્લોટ સુધાબહેનના નહીં, સમીરના નામે જ ખરીદશો…. બીજું, સમીરે આ વરસ બહુ સાચવવાનું છે. વાહન ચલાવવામાં ખૂબ કાળજી રાખવી. અકસ્માતનો યોગ છે. વિમાન-પ્રવાસ તો ટાળવો જ. ઊંચાઈએથી પડવાનું જોખમ છે…. બાકી, જમીન ખરીદવામાં વાંધો નથી. બંનેનો મળીને જમીનનો યોગ સારો થાય છે.’ કુંડળી-બુંડળીમાં માનતા નહોતા તોયે જોશીએ આ બધું જે કહ્યું, તેની બંનેના માનસ ઉપર અસર થયેલી. જાણ્યે-અજાણ્યે એમનું વર્તન તેનાથી પ્રભાવિત થવા લાગ્યું. સમીર સ્કૂટર ચલાવતો હોય અને સુધા પાછળ બેઠી હોય તો વારે વારે કહેતી રહે કે આટલું ઝડપથી શું કામ ચલાવો છો, ધીરે ચલાવો ને ! આટલા ટ્રાફિક વચ્ચે નાહક અકસ્માત-બકસ્માત થઈ જાય. ‘સમીરને અકસ્માતનો યોગ છે’ – એ જોશીની વાત ત્યારે એના મનમાં ક્યાંક ને ક્યાંક પડેલી હોય. સમીરને ઑફિસના કામે દિલ્લી, કલકત્તા, બેંગલોર જવાનું થતું. ઑફિસ તરફથી વિમાનમાં જવાનું હોય. અગાઉ તો સુધા અડોશીપડોશીને વાત કરતાં આનો પોરસ અનુભવતી – ‘સમીરને તો વિમાન સિવાય મુસાફરી જ નહીં કરવાની. ઑફિસમાં એમના માથે બહુ જવાબદારી ! એટલે ઝટ જઈ, ઝટ કામ પતાવી, ઝટઝટ પાછા આવવાનું. ટ્રેનમાં એ શી રીતે થાય ?’ પરંતુ હવે જોશીની વાત પછી સમીરને વિમાનમાં જવાનું થયું, ત્યારે સુધા અસ્વસ્થ થઈ ગઈ. તેણે એકાદ વાર કહી પણ જોયું કે, ‘તમે ટ્રેનમાં જાવ તો ન ચાલે ?’ સમીરે તેને હસી તો કાઢી, પણ એના મનમાંયે શંકાનો કીડો જરીક સળવળી તો ગયો ! સમીર ગયો ત્યારે ‘બૅંગ્લોર પહોંચીને મને તુરત ફોન કરી દેશો’ – એમ સુધાએ તેને બેત્રણ વાર ફરી ફરીને કહ્યું. પ્લૉટ સુધાના નામે જ ખરીદવાની વાત અગાઉ થયેલી. પરંતુ હવે સમીરે ‘આપણે પ્લોટ કોના નામે ખરીદીશું ?’ એવી વાત એક-બે વાર અચકાતાં-અચકાતાં ઉપાડેલી. જોશીની સલાહ મુજબ ‘પ્લૉટ તારા નામે ન ખરીદવો’ – એમ ચોખ્ખું કહેતાં હજી એની જીભ નહોતી ઊપડતી. પરંતુ એવું ધર્મસંકટ આવ્યું જ નહીં. પ્લૉટની ખરીદીનું લગભગ નક્કી જ થઈ રહ્યું હતું, ત્યાં સમીરના એક મિત્રએ એક દિવસ એને ચેતવ્યો, ‘આ પાર્ટીની બજારમાં શાખ સારી નથી.’ સમીરે ખરીદવાનું થોડું મુલતવી રાખીને વેચનાર વિશે તપાસ કરવા માંડી. છેવટે ખબર પડી કે ટાઈટલ કલીઅર નથી, અને આ માણસે તો અગાઉ પણ ઘણાને નવડાવ્યા છે. સમીરે જોશીને વાત કરી. એ તો ઘાંઘોવાંઘો થઈ ગયો. ‘અરે, એવું કાંઈ હોય તો મને તુરત જણાવજો. મેં તો આવી કોઈ તર-તપાસ કરી નહોતી. મારો એક હપ્તો તો ભરાઈ ગયો !’ અને ખરેખર દાળમાં કાળું નીકળ્યું. સમીર-સુધા તો બચી ગયાં, પણ જોશીનો એક હપ્તો ડૂબ્યો. બાનાખત પણ થઈ ગયું હોવાથી બિચારો ભારે દોડધામમાં પડી ગયો. સુધાએ કહ્યું, ‘હવે આપણે જોશીની કુંડળી મંગાવવી જોઈએ. કુંડળી જોઈને પ્લૉટ ખરીદેલો, છતાં આમ કેમ થયું ?’
‘જમીન ખરીદવામાં જન્મ-કુંડળીની શી જરૂર ?’
‘ના ભાઈ, હોં ! હું તો બધું જ કામ કુંડળીને જોઈને કરું. આ જમીન ખરીદતી વખતે મેં તો મારી કુંડળીનો બરાબર અભ્યાસ કરેલો, અને પછી જ જમીન ખરીદી. તમારી બંનેની કુંડળી મને આપજો, આપણે પછી જ સોદો પાકો કરીશું.’
સમીર બોલ્યો : ‘તેની કુંડળીમાં મંગળ નહોતો ને ! આપણી કુંડળીમાં મંગળ હતો, તેથી આપણું બધું મંગળમય થયું.’ અને બંને ખૂબ હસ્યાં. સુધાએ છાપું હાથમાં લીધું તો એની નજર એક સમાચાર ઉપર ખોડાઈ ગઈ : ‘મંગળ હવે ધીરે ધીરે પૃથ્વીથી દૂર જતો જાય છે.’
(શ્રી દેવકી વળવડેની મરાઠી વાર્તાને આધારે.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment