‘હેમા? વલ્લભભાઇ સોની આપણને ઓળખે છે?’ સવાસો ગામનાં હટાણાનાં જેતપુરની બજારમાં, ભીંસાભીંસ વાહનો અને છલોછલ મનખાની ભીડ વચ્ચે, માંડ કરીને ડગલાં ભરતો, રસ્તો કાઢતો, ડરતો, હબકતો જુવાન દીકરો એની માને પૂછે છે.
દીકરાનો સાદ ખરસટ બન્યો : ‘પૈસાની સગવડ નહોતી તો ઘરેણું શીદને લીધું મા?’
‘મેં તો ના પાડી’તી પણ તારા આતાએ પરાણે ‘મગમાળા’ લઇ દીધી’તી.’ ‘લઇ દીધીતી’
નામનો શબ્દ ઉચ્ચારતાં... દીકરાની મા સમજુ, જેતપુરની ભીડભાડમાંથી નીકળીને વીસ વર્ષ પૂર્વેના છલકતાં જોબનનાં આંખેરણમાં લપસી ગઇ. બે દાયકા પૂર્વેનો જુવાન દાંપત્યનો વૈભવ સમજુને રસકાબોલ કરી ગયો.
દીકરો, તે દિ’ પાંચ વરસનો અને ઊંચી, ગોરી, પાતળી સમજુ ફળેલી આંખડી જેવી રળિયામણી. સગાંમાં લગ્ન હતાં અને બેય માણસ લગ્ન માણવા જવાનાં હતાં. સમજુનો પતિ અરજણ, જેતપુરના વલ્લભભાઇ સોની પાસેથી ઘટની રકમના રૂપિયા ત્રણસો બાકી રખાવીને સમજુ માટે સોનાની મગમાળા લઇ આવ્યો.
સમજુને પાસે બોલાવી અને મગમાળા એના રૂપાળા કંઠમાં પહેરાવી.’ લે હવે આભલામાં જોઇજો. લગ્નવાળાં બોલશે કે વાહ- આવી અપસરા પણ જાનમાં આવી છે?’ સમજુએ આંખો નચાવી કે -અરજણના યૌવન સહજ એ અડપલાંએ અત્યારની પ્રૌઢ વિધવા સમજુને લાલમ લાલ કરી મૂકી.
‘કેમ બોલી નહીં મા?’ માતાને મૌન જોઇને દીકરાએ ઉઘરાણી કરી.
‘બાર વરસ થયાં પણ વલ્લભભાઇના રૂપિયા દેવાણા નહીં.’
‘એટલું બધું લંબાણ કેમ થયું મા?’
‘થઇ ગયું. તારા આતા ‘પાછા’ થયા ને તું નાનો હતો. ખેતી નબળી પડી. ખેંચમાં આવી ગયાં. પણ હવે તું જવાન થયો. ખેતી સંભાળી. બધાં સારાંવાના થઇ રહેશે, બેટા’
‘મા બાર વરસે પૈસા દેવા જાઇ છંઇ તે સોની બાપો કાં તો મારવા દોડશે.’
‘બોલ્યમાં ગગા!’ માએ દીકરાને ટોક્યો,
‘વલ્લભભાઇ સોની તો લાખેણો માણસ છે. પાઇનું ખોટું કરે નહીં અને ખોટું કરવા દે નહીં. ધંધામાં નીતિવાન અને દયા માયા પણ પૂરાં રાખે- વલ્લભભાઇ જો કંટો વેપારી હોય તો બાર વરસ લગી રૂપિયા માગ્યા વગર રે? અરે, ઉઘરાણી પણ નથી કરી, કેવો ખાનદાન સોની?’
મા દીકરા વચ્ચે આટલી વાત થઇ ત્યાં વલ્લભભાઇ સોનીની દુકાન આવી ગઇ, માતા પુત્ર દુકાનનો ઓટલો ચડ્યા. દુકાનમાં પણ જેતપુરની બજાર જેવી જ ગિરદી હતી.
મા દીકરાએ દુકાનના ખૂણાની એક જગ્યામાં બેઠક લીધી. વલ્લભભાઇએ અલપ ઝલપ નજરથી સ્મિતભર્યોઆવકાર દીધો અને ઘરાકના કામમાં ગોપાઇ ગયા.
એકાદ કલાક પછી ગિરદી હળવી થતાં વલ્લભભાઇએ મા દીકરાને આવકાર્યા. ‘આવો બહેન! બોલો, જૂનું ભંગાવવું છે કે નવું કાંઇ લેવું છે?’
‘આજ તો સોનાની લેવડ દેવડ નથી ભાઇ!’ સમજુએ ચોખવટ કરી. ‘હું તમારા લેણા રૂપિયા આપવા આવી છું. મારું નામ સમજુ અને ગામ ખાન ખીજરીઆ. આ મારો દીકરો પરશોતમ.’
‘અમારા કેટલા રૂપિયા લેણા છે?’ વલ્લભભાઇએ પૂછ્યું ‘ત્રણસો રૂપિયા’ સમજુએ ચોખવટ કરી.
‘આજથી બારેક વરસ પહેલાં આ છોકરાંના આતાએ તમારી દુકાનેથી મગમાળા લીધી’તી અને ત્રણસો ઘટતા હતા તે બાકી રખાવ્યા હતા. ‘ચોપડો જોઇ જવો ભાઇ’ અને દીકરાને કીધું : ‘પરશોતમ! તારા આતાનું નામ બોલ્ય.
‘અરજણ લખમણ પટેલ’ છોકરાએ નામ કહ્યું.
વલ્લભભાઇના દીકરાએ દસ બાર વરસનાં ચોપડા ફેરવ્યા પણ અરજણ લખમણનું નામ મળ્યું નહીં.’
‘નામ નથી જડતું મનસુખ?’ બાપે દીકરાને પૂછ્યું.
‘ના નથી જડતું. બાર વરસ થયાં એટલે ‘ડૂબત લેણા’માં કાઢી નાખ્યું હોય.’ દીકરાએ કારણ આપ્યું.
‘બહેન? તમારા પતિનું ખાતું નથી અને ચોપડે નોંધ નથી માટે અમારાથી રૂપિયા લેવાય નહીં.’
‘હું દેવા આવી છું ભાઇ?’
‘પણ રૂપિયા ‘ડૂબત લેણા’માં કાઢી નાખ્યા છે હવે અમારાથી ન લેવાય.’
‘મારા ધણીનું નામ ડૂબત લેણામાં જાય તો મારી જિંદગી ધૂળ ગણાય વલ્લભભાઇ!’ બાઇએ ગૌરવભેર ઊચી ડોકે ઉમેર્યું. ‘ઇ ભલે પાછા થયા પણ હું તો જીવું છું ને.’ અને કાપડાના ગજવામાંથી ચોપડો, ચોળાયેલો કાગળ કાઢીને વલ્લભભાઇ આગળ મૂક્યો. ‘વાંચો આ ભરતિયું. મેં સાચવી રાખ્યું છે.’ બાપા!’
વલ્લભભાઇએ દીકરાના હાથમાં કાગળ આપ્યો. બાર વરસની ધૂળ ખાઇને ઝાંખો પડેલો, ફાટવા આવેલો કાગળ મનસુખે ફેરવી ફેરવીને જોયો પણ અક્ષરોના માત્ર એંધાણ હતાં અને ત્રણસોનો આંકડો માંડ વંચાતો હતો.
‘લઇ લો ભાઇ!’ સમજુએ આગ્રહ કર્યો. ‘ડૂબત લેણામાં તો મરી જાઉ તોય નહીં જાવા દઉ સરગમાં બેઠેલા મારા ધણીની આબરૂ શું? માટે ભલા થઇને લઇલો.’
વલ્લભભાઇ સોનીની માથા પરની કાળી ટોપીની કિનારીએથી ઝાળાંહળાં થતી શ્વેત રેખાઓનું ટોળું પહોળાં કપાળમાં દોડી આવ્યું. ત્યાંથી પ્રકાશનું રૂપ લઇને આંખની કીકીઓમાં દાખલ થયું. ચશ્માના નંબરી કાચે એને મોટું બનાવીને પાંપણો પર ઝુલાવ્યું. ‘અહો! ધરતીની ધૂળ ઊથલાવનાર પરિવારની અભણ, ગામડિયણ, પતિના નામને ઊજળું રાખવા મરી ફિટતી બાઇ સમજુ, કાઠિયાવાડનાં યાદગાર નારી રત્નોની પડખો પડખ ઊભેલી દેખાણી.
સોના નામની નિર્જીવ ધાતુ પર નકશી કોતરનાર ઝવેરી વલ્લભભાઇને, બાઇ સમજુ, આખેઆખી જીવંત સોનાના રૂપમાં દેખાણી. પતિની આબરૂ માથે છોગું ચડવનાર સમજુને વલ્લભભાઇ મનોમન વંદી રહ્યા.
‘ભાઇ, બાર વરસનું વ્યાજ પણ ગણી લો.’ સમજુ બોલી. વલ્લભભાઇ સોનીને આદરનો એક વધુ આંચકો લાગ્યો.
આજની ઘડીને રળિયામણી બનાવવા વલ્લભભાઇ સોની જુદી જુદી રીતે વિચારી રહ્યા. ઘણીવાર પછી સાવ છાનો નિર્ણય કંડારી લીધો.
‘મનસુખ, એકલું વ્યાજ નહીં પણ વ્યાજનું વ્યાજ પણ ગણી કાઢ.’ વલ્લભભાઇ જાણે વિફરી બેઠા!!
પિતાનો આદેશ સાંભળીને પુત્રની ડોકે આંચકો લીધો. થરથરતી આંખે અને ધ્રૂજતી પાંપણે એણે પિતાને નિહાળ્યાં. ‘ઓહ! દયાવાન, નીતિવાન, ઉદાર અને પરગજુપણાંની કુંપળો ફરકાવનાર પિતા વલ્લભલાખા, આજ કેટલામે પગથિયેથી લપટીને વ્યાજખોરીની ખાઇમાં પટકાયા?’
મનસુખના મન અંતરમાં પિતા માટેના માન, આદર અને અહોભાવના તમામ ભાવો પંખી બનીને ઊડી ગયા : ‘ભગવાન! ભગવાન! અમારા પુણ્ય પરવારી ગયાં કે શું?’
‘વ્યાજનું વ્યાજ ગણતા બારસો રૂપિયા થયા બાપુજી!’ દીકરાએ આંકડો કીધો.
‘બહેન? આપી દો પૂરેપૂરા. બારસો.’ વલ્લભભાઇ કડક ચહેરે બોલ્યા.
‘તે પૂરા આપીશ ભાઇ!’ બાઇ સમજુ બોલી અને પોતાના દીકરા પાસે કરેલાં વલ્લભભાઇના ન્યાય નીતિ અને અમીરાતનાં વખાણની પોટલીવાળાને જેતપુરના બજારમાં ઘા કરી દીધો! રૂપિયા બારસો મેજ ઉપર મૂક્યા. ‘ગણી લો ભાઇ! અને પાવતી આપો.’
‘એમાં પાવતી શું આપે!’ વલ્લભ નઠોરપણે બોલ્યા. આ વખતે પુત્ર મનસુખલાલ અને સમજુબાઇ સાથે એના દીકરાને પણ આંચકો લાગ્યો.
વલ્લભભાઇએ સમજુના રૂપિયા ગાદી પર રાખીને ગલ્લો ઉઘાડ્યો. અંદરથી એકસો એક રૂપિયા કાઢીને બારસોની ઢગલી ઉપર મૂક્યા. પછી જમણા હાથમાં લીધા અને સમજુ સામે ધરી દીધા. ‘લઇલે બહેન! તારા બારસોમાં મારા એકસો એક ઉમેરીને તને કાપડામાં આપું છું. આજથી તું મારી ધર્મની બહેન. તારી નીતિ અને પતિ ભક્તિથી હું પાવન થયો બાપ!’ અને બહેન સમજુ તું ના પાડે તો તારા આ ભાઇને મુંએલો જો.’
‘ભાઇ!’ સમજુનો કંઠ ધ્રૂજ્યો. ‘આટલું બધું નહોય વાલા.’
‘શું કામે ન હોય... બોન!’ વલ્લભભાઇ ભાવવિભોર હતા.
‘તો બાપુજી!’ પુત્ર મનસુખે અવસરને સંભાળી લીધો. ‘આજ મારાં ફોઇબા આપણે ઘેર લાપસી જમે તો મને બહુ આનંદ થાય હોં.’
‘હા.’ બહુ સારી વાત સમજુબહેન!’ વલ્લભભાઇ હસ્યાં.
‘ઘણા સમયથી બહેનના હાથની લાપસી ખાધી નથી. આજ તમે પીરસો અને અમે ખાઇએ.’
ભીની આંખોને લૂંછીને બહેન સમજુ રોકાઇ ગઇ. વલ્લભભાઇને ઘેર લાપસી રંધાણી, પીરસાણી અને ઘીની ધાર થઇ ત્યારે કાઠિયાવાડનો કોડીલો ઇતિહાસ પણ લાપસી જમવા ઓસરીમાં બેસી ગયો
Note :: This story is written by Nanabhai Jebaliya, contents taken from gujarati newspaper
0 comments
Post a Comment