ભારતીય સોળ સંસ્કારોમાં વિવાહ સંસ્કાર એક મહત્ત્વનો સંસ્કાર છે અને દરેક સંસ્કાર વખતે કરવામાં આવતી ધાર્મિક વિધિ તેમાં પણ તેનો સમાવેશ થાય છે. વિવાહ એ સામાજિક સંસ્થાનું સ્વરૃપ ધારણ કરે છે. વિવાહ પાછળ પતિ-પત્નીની ઉત્તમ ભાવના પણ રહેલી છે. આ ભાવના છે એકબીજાને સુખી બનાવવાની, ઉત્તમ સંતાનો દ્વારા કુટુંબ, કુળ અને સમાજની સેવા કરવાની. વિવાહ માત્ર જાતીય વૃત્તિને સંતોષવા માટે નથી, પરંતુ પોતાનાં કર્તવ્યોને સફળ બનાવવા માટે છે. વિવાહ સંસ્કારના અનેક પ્રકાર છે અને તેનો નિર્દેશ આપણા ઋગ્વેદમાં જોવા મળે છે. તેમાં બ્રાહ્ય, અસુર, ગંધર્વ અને સ્વયંવરનો ઉલ્લેખ છે. આ સિવાય ગૃહસૂત્રો, સ્મૃતિઓ અને ધર્મસૂત્રો અનુસાર આઠ પ્રકારના વિવાહ પ્રચલિત હતા. જેમાંથી કેટલાક પ્રકારો આ મુજબ છે.

બ્રાહ્મ વિવાહઃ બ્રાહ્મ વિવાહ એ વિવાહ સંસ્કારમાં સૌથી ઉત્તમ પ્રકાર છે. આ પ્રકારમાં પિતા દ્વારા સંપન્ન અને વિદ્વાન વરને નિમંત્રણ આપે છે અને વિધિપૂર્વક યથાશક્તિ વસ્ત્ર-અલંકાર આપીને કન્યાનું દાન કરે છે. સ્મૃતિઓમાં બ્રાહ્મ વિવાહને સૌથી ઉત્તમ કહેવાનું કારણ એ છે કે એ પૂર્વશરત, કામુકતા અને ધનલાલસાથી મુક્ત છે.

દૈવ વિવાહઃ વિવાહના આ પ્રકારમાં કન્યાનો પિતા તેને અલંકૃત કરીને પોતે આરંભેલા યજ્ઞામાં યજ્ઞા કરાવનાર ઋત્વિજને જ તેનું દાન કરતો. બૌધાયનસૂત્ર અનુસાર કન્યાને દક્ષિણાસ્વરૃપે ઋત્વિજને અપાતી હતી. આ પ્રકારના વિવાહનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં પણ જોવા મળે છે.

આસુર વિવાહઃ આ પ્રકારના વિવાહમાં વર-કન્યા તથા તેના સંબંધીઓને યથાશક્તિ ધન આપીને કન્યા સાથે વિવાહ કરતો આથી તેને આસુર વિવાહ કહેવાય છે. આસુર વિવાહમાં ધન એકમાત્ર નિર્ણાયક તત્ત્વ હતું. કેટલાક વિદ્વાનો તેને માનુષ વિવાહ પણ કહેતા હતા. આવા પ્રકારના વિવાહ થતાં હતા તે સમયમાં સંતાનને એક પ્રકારની સંપત્તિ માનવામાં આવતી હતી. ધન માટે થઇને કન્યાનો વિવાહ કોઇ પણ પુરુષ સાથે કરવામાં આવતો હતો. બૌધાયન સૂત્ર મુજબ ધન દ્વારા પિતા દ્વારા અપાયેલી કન્યા પત્નીનું સ્થાન પ્રાપ્ત કરી શકતી નહીં અને તેને દેવ તેમજ પિતૃક્રિયાઓમાં ભાગ લેવાનો કોઇ અધિકાર આપવામાં આવતો ન હતો.

ગાંધર્વ વિવાહઃ કન્યા અને વર પરસ્પરની પસંદગી તથા પ્રેમભાવને વશ થઇને જે વિવાહ કરે છે તેને ગાંધર્વ વિવાહ કહેવાય છે. ગાંધર્વ વિવાહ અતિ પ્રાચીન માનવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર સુંદર વેશભૂષા અને અલંકારોથી અલંકૃત થઇને કન્યા જનસમુદાયમાંથી પોતાના પતિ તરીકે કોઇની પસંદગી કરે તેને વધૂ ભદ્રા કહેવાય. આ સિવાય અથર્વવેદમાં પણ ગાંધર્વ પતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ માતા-પિતા પોતાની પુત્રીને પોતાના પ્રેમીની પસંદગી માટે સ્વતંત્ર ગણતા અને તેને આ માટે પ્રોત્સાહિત પણ કરતા. પહેલાંના સમયમાં એવા પ્રસંગો બનતા કે રાજા શિકાર, યુદ્ધ અને અન્ય કારણોસર દૂર-દૂરના પ્રદેશોમાં ફરતા અને સ્ત્રીઓના સંપર્કમાં આવતા. તેમના તરફ આકર્ષાતા અને તેમની સાથે સંયોગ કરતા. જોકે આ વિવાહમાં ધર્મવિધિ જેવું કાંઇ નહોતું, છતાં પણ આ વિવાહ કાયદેસરના ગણાતા. મનુસ્મૃતિ અનુસાર વર અને કન્યા કામુકતાને વશ થઇને સ્વેચ્છાપૂર્વક પરસ્પર સંયોગ કરે તે વિવાહ ગાંધર્વ વિવાહ કહેવાય.

સંસ્કૃત સાહિત્યમાં પણ આવા વિવાહનો ઉલ્લેખ છે. દુષ્યંત-શકુંતલાનો વિવાહ ગાંધર્વ વિવાહ હતો. આવા બીજા પણ કેટલાક ઉલ્લેખો જોવા મળે છે, જેમાં પુખ્ત વયની કન્યા સ્વયં મનગમતા વરની પસંદગી કરે તેવા સ્વયંવરમાં પણ કન્યાની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવતું. કેટલીક સ્મૃતિઓમાં ધાર્મિક અને નૈતિક દૃષ્ટિએ આ વિવાહને અયોગ્ય કહ્યો છે અને તેનું કારણ એ છે કે તેનો ઉદ્ભવ કામુકતામાંથી થાય છે.

0 comments