‘ના, ભાઈ ના. સમય ભલે કપરો આવ્યો. પણ મારાથી અન્નદાન તો બંધ નહિ જ કરાય. આવા કાળા દુકાળે ભૂખ્યાઓને ભોજન આપવું એ પ્રભુનું સાચું પૂજન છે.’ સુબ્બૈયરે શિખામણ આપવા આવેલા ગામના એ આગેવાનને સ્પષ્ટ કહી દીધું. દ્રાવિડના આંકરે નામના ગામમાં સુબ્બૈયર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. અન્નદાન એ પ્રભુપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે, એ જીવનમંત્ર એણે જીવનમાં આબાદ ઉતારી દીધો હતો. પોતાનાં ફળદ્રુપ ખેતરોમાં તનતોડ મહેનત કરી, એ સારું એવું ધાન્ય પેદા કરતો. આંકરે ગામ શ્રીરંગમ નામના યાત્રાધામને રસ્તે જ આવતું હતું. આથી એને આંગણે અભ્યાગતો ને યાત્રાળુઓનાં ટોળાં ઊભરાતાં. આ અભ્યાગતો ને યાત્રાળુઓને જમાડ્યા પછી જ જમવાનો નિત્ય-નિયમ સુબ્બૈયરે નક્કી કરી નાખ્યો હતો. ઘરનાં સ્ત્રીબાળકોએ પણ આ પવિત્ર કાર્યને ધર્મકાર્ય ગણી સંપૂર્ણ સહકાર આપવા માંડ્યો હતો. ઘણીવાર લોકો એને પૂછતા : ‘ભૂદેવ, કુબેરના ભંડારેય ખૂટી જાય એવું આ કપરું કામ છે. આમ ને આમ કેટલો વખત ચલાવશો ?’ એ સમયે ભારત પર અંગ્રેજ રાજ્યનું શાસન ચાલતું હતું. દુકાળ હોય, સુકાળ હોય, પણ સરકારની તિજોરી તો મહેસૂલની રકમથી ભરાવી જ જોઈએ. ગામના તલાટીએ સુબ્બૈયર પાસે મહેસૂલની રકમની ઉઘરાણી કરી. પણ આ સમયે દુકાળના ઓળા એવા પથરાયા હતા કે ભલભલા તાલેવાન ખેડૂતોની કમ્મર ભાંગી ગઈ હતી. સુબ્બૈયરના ખેતરમાં પણ કંઈ જ પાક્યું નહોતું. એણે મહેસૂલ ભરવા અશક્તિ દર્શાવી. જોકે એને ઘેર અન્નદાનની ગંગોત્રી વહેવી તો ચાલુ જ હતી. સ્ત્રીઓનાં આભૂષણો વેચી-સાટીને પણ આ પવિત્ર કાર્ય ચાલુ રાખ્યું હતું. તલાટીની ઉઘરાણી હવે કડક થવા લાગી. મિત્રોએ પણ એમને સમજાવ્યા, ‘સુબ્બૈયર, થોડા દિવસ અન્નદાન બંધ રાખીને પણ સરકારી મહેસૂલ ભરી દો.’ પણ એણે સ્પષ્ટ સંભળાવી દીધું : ‘ભૂખ્યાઓના ભેરુ થવાનું આ ખરું ટાણું છે. આજે હું અન્નદાન બંધ કરું તો મારા પર ઈશ્વર રૂઠે. મહેસૂલ તો પછીયે ભરાશે. સરકારની તિજોરીઓ ભરનારા તો ઘણા છે. ભૂખી હોજરીઓમાં મૂઠી દાણો નાખવાય કોઈ નથી નીકળતું. આવે વખતે મારું કર્તવ્ય કપરું બને છે. મારાથી અન્નદાનનો ધર્મ તો પ્રાણાંતેય નહિ મુકાય, ભાઈ.’ તલાટીના રિપોર્ટ ઉપરથી મામલતદાર આંકરે ગામ આવ્યા. બીજા બધાની મહેસૂલ તો વસૂલ થઈ ગઈ હતી. એક સુબ્બૈયરની બાકી હતી. મહેસૂલ વસૂલ લેવા એની જમીન જાહેર હરરાજીથી વેચવા કાઢી. પણ ગામમાંથી એક પણ માણસ હરરાજીની બોલી બોલવા આગળ ન આવ્યો. સુબ્બૈયરના અન્નદાને એમનાં મોઢાં બંધ કરી દીધાં હતાં. અજાતશત્રુ સુબ્બૈયરની જમીન હરરાજીથી વેચાતી લેવા કોઈ પણ તૈયાર ન થયું ત્યારે મામલતદારના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે આખો અહેવાલ કલેકટરને મોકલાવ્યો. કલેકટરના આશ્ચર્યનીય અવધિ ન રહી. અન્નદાનની વાત તો એના લોહીમાં નહોતી. વિલાયતના સંસ્કારે રંગાયેલા કલેકટરને એ વિશે જાણવાની તાલાવેલી લાગી. એક રાત્રે સુબ્બૈયરના ઘર પાસેથી કોઈ અજાણ્યાએ સાદ દીધો : ‘સ્વામી, કમાડ ઉઘાડજો.’ દરવાજો ઉઘાડી સુબ્બૈયરે પૂછ્યું, ‘ભાઈ, તમારે શું જોઈએ છે ?’ બીજે દિવસે કલેકટરનો મુકામ આંકરે ગામમાં થયો. તલાટીઓ તેમજ સરકારી કર્મચારીઓની દોડધામથી ગામ આખું ધમધમી ઊઠ્યું. સરકારી ચૉરે કચેરી ભરીને કલેક્ટરે સુબ્બૈયરને તાકીદનું તેડું મોકલ્યું. ગામ આખામાં સન્નાટો છવાઈ ગયો. લોકોને લાગ્યું કે કલેકટર આજે બિચારા સુબ્બૈયરનાં ઘરબાર જપ્ત કરીને જ જંપશે. એ વખતે ભૂખ્યા અતિથિઓને જમાડવામાં તે રોકાયેલા હતા. એમણે સરકારી પટાવાળા સાથે કહેવરાવ્યું કે, ‘હમણાં આવું છું.’ લગભગ દોઢેક કલાક પછી કલેકટરની તહેનાતમાં તે હાજર થયા. મુખ પર નિર્ભયતા હતી. પગમાં સ્થિરતા હતી. હૈયે નામસ્મરણનો જાપ ચાલુ હતો. સુબ્બૈયરનો જવાબ સાંભળી કલેકટર ક્ષણભર વિચારમાં પડી ગયા. પછી ધીમેથી પૂછ્યું, ‘ભૂખ્યાઓને દિવસે જમાડો છો કે રાત્રે પણ જમાડો છો ?’ કલેક્ટરે પૂછ્યું : ‘આ પવાલું તમારું કે નહિ ?’ કલેકટરની વાણી સાંભળી સૌના મસ્તક ભક્તની ભાવનાને તેમજ કલેકટરની કદરદાનીને વંદી રહ્યાં
‘મને મારા ભગવાનમાં પૂરી આસ્થા છે. આ બધું એ જ કૃપાસિંધુ ચલાવી રહ્યો છે. આભ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું ! એવા ભગીરથ કામમાં આપણો તો શો ગજ વાગે ? એને જ્યાં સુધી ચલાવવું હશે ત્યાં સુધી ચલાવશે. આપણે તો નિમિત્તમાત્ર છીએ.’ અને સલાહકાર એમની આ જીવનફિલસૂફી સાંભળી રસ્તે પડતો.
‘ચાલી ચાલીને હું ખૂબ જ થાકી ગયો છું. મારે ગામ જવા નીકળ્યો હતો ત્યાં રાત પડી ગઈ. હવે તો સવારે જવાશે. ભૂખ પણ ખૂબ લાગી છે. થોડું ખાવાનું આપો તો તમારી મહેરબાની.’ આગંતુકે યાચનાભરી વાણીમાં કહ્યું.
‘ઓહો, તમે તો અતિથિદેવ કહેવાવ. બેસો, અહીં હમણાં જ લાવી દઉં.’
‘પણ હું તો નાતે હરિજન છું, હોં.’ આગંતુકે ખુલાસો કરતા કહ્યું.
‘અહીં તો ભગવાનનું ધામ છે, ભાઈ. ભગવાનના ધામમાં કંઈ જ ભેદભાવ ન હોય. એક જ ઈશ્વરનાં આપણે સૌ સંતાનો છીએ. નિરાંતે બેસો.’ કહી તે ઘરમાં ગયા. મધરાતે પણ કોઈ ભૂખ્યું આંગણે આવી ચડે તો એને નિરાશ ન થવું પડે એ માટે તૈયાર ભોજનની એક થાળી રસોડામાં એ ખાસ ઢંકાવી જ રાખતા. એક લાકડાના પવાલામાં ભાત ભરી, તેના ઉપર દાળ અને શાકના પડિયા મૂકી, એ બહાર આવ્યા. અતિથિ સન્મુખ એ મૂકતાં કહ્યું, ‘લ્યો ભાઈ, અહીં જમવું હોય તો અહીં બેસીને જમી લ્યો. અને સાથે લઈ જવું હોય તોય છૂટ છે.’
‘ભગવાન તમારા ભંડાર અભરે ભરે.’ એવા આશીર્વાદ આપી આગંતુક વિદાય થયો.
‘કેમ મોડું થયું આવતાં ?’ કલેક્ટરે પૂછ્યું.
‘હજૂર, મારે નિયમ છે, કે સ્નાનપૂજા કરી, અતિથિ-અભ્યાગતોને જમાડી, પછી જ ઘરની બહાર પગ મૂકવો. એ વિધિ આટોપતાં મોડું થયું.’
‘મહેસૂલ કેમ ભરતા નથી ?’
‘ખેતરમાં કંઈ પાક્યું નથી. પછી ક્યાંથી ભરી શકાય ? કૂવામાં હોય તો હવાડામાં આવે ને સાહેબ.’
‘તો પછી અભ્યાગતોને જમાડો છો ક્યાંથી ?’ કલેક્ટરે ઉલટ-તપાસ આદરતાં પૂછ્યું.
‘સ્ત્રીનાં ઘરેણાં વેચી-સાટીને.’
‘ઘરેણાં શા માટે વેચવાં પડે ? ન જમાડો તો ન ચાલે ?’
‘ઘરેણાં તો વરસ સારું આવશે ત્યારે ફરીથી ઘડાવી શકાશે. અનાજ વિના વલખાં મારતાં કોઈ ભૂખ્યાનો પ્રાણ પરવારી જશે તો એ કંઈ પાછો આવવાનો નથી. અન્નદાન એ તો અમારા શ્વાસ-પ્રાણ બરાબર છે. અન્નદાન કરવું મૂકી દઈએ તો અમે ગૂંગળાઈ મરીએ, હજૂર.’
‘ભૂખને કંઈ સમયના બંધન નથી હોતાં, હજૂર. ભૂખ તો રાત્રેય લાગે છે. ગમે તે ટાણે મારે ત્યાં અતિથિ આવી ચડે તોય હું એમને જમાડીને કૃતાર્થ થાઉં છું.’
‘ગમે તે ન્યાતના હોય તોય તમે એમને જમાડો ? હરિજનને પણ ?’
‘મારે ત્યાં નાતજાતના કંઈ જ ભેદ નથી.’
‘ઠીક, હમણાં તમે કોઈ હરિજનને જમાડ્યો હતો ?’
‘હા, સરકાર. ગઈકાલે રાતે જ.’ આવા વિચિત્ર પ્રશ્નો કલેકટર શા માટે પૂછતા હશે એનું સુબ્બૈયરને આશ્ચર્ય થયું.
‘ઠીક, એને ઓળખો ખરા ?’ કલેકટરે પૂછ્યું.
‘ના જી. એ વખતે અંધારું ઘણું હતું. અને આમેય મારો નિયમ છે, કે મારે આંગણે આવેલા અતિથિ સામું હું ધારી ધારીને નથી જોતો. ઘરને ખૂણે ભૂખે દહાડા કાઢતા કેટલાય ખાનદાન, અંધારાનું ઓઢણું ઓઢી, કોઈ કોઈવાર આવી પહોંચે છે. એટલે હંમેશાં હું અતિથિઓને મુખ નીચું રાખીને જ પીરસું છું.’
‘તમે ખાવાનું એના પાત્રમાં જ પીરસેલું ?’
‘મારે ત્યાંના લાકડાના પવાલામાં ભાત પીરસ્યા હતા. દાળ-શાક પડિયામાં આપ્યાં હતાં. પણ માફ કરજો, હજૂર. મહેસૂલની વિઘોટી સાથે આ બધા પ્રશ્નોનો શો સંબંધ છે એ હું નથી સમજતો.’
‘એની સાથે આને ઘણો બધો સંબંધ છે, સુબ્બૈયર.’ એમ કહી કલેકટરે ટેબલના ખાનામાંથી લાકડાનું એક પવાલું બહાર કાઢ્યું. બધા અચરજ પામી એ પવાલા સામું નિહાળી રહ્યા.
‘હા જી. પણ એ આપની પાસે ક્યાંથી ? હજૂર, મારે ત્યાં શેનીય ચોરી નથી થઈ. એ પવાલું તો મેં એ અભ્યાગતને રાજીખુશીથી આપેલું. ચોરીના આરોપસર એને પકડ્યો હોય તો છોડી મૂકજો, સાહેબ.’
‘એ રાતે જમી જનાર હું હતો. આ લ્યો તમારું પવાલું. મેં એવો મેકઅપ કર્યો હતો કે મને કોઈ ઓળખી જ ન શકે. અન્નદાનની વાત મારે માટે નવી હતી. ખરેખર, તમે તો પુણ્યની પાળ બાંધી રહ્યા છો. આ લ્યો તમારું પવાલું. હવે પછી તમારે કોઈ વરસ મહેસૂલ ભરવાનું નથી. ઊલટું, સરકાર તમને અન્નદાન સારુ રોકડ રકમ દર વર્ષે અચુક આપ્યા કરશે.’
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment