સાચા રસ્તે રૂમઝૂમ આવી સુખશાંતિ વરસાવે
ખોટા માર્ગે મળેલ લક્ષ્મી ઘર આખું સળગાવે


‘એક વાર અંદર જોવા તો જઈએ. બહુ બહુ તો ના પાડશે. ધક્કો મારીને કાઢી નહીં મૂકે...’ અવિનાશ અને અલકા ગયા મહિને જ નવા ફ્લેટમાં રહેવા આવ્યાં હતાં. એમની બાજુમાં બારસો વારના પ્લોટમાં ભવ્ય બંગલો હતો. જુનવાણી શૈલીના એ બંગલાના ગેટ પાસે ઊભા રહીને અલકાએ જીદ કરી ‘તમને શરમ આવતી હોય તો મૂંગા રહેજો. હું વાત કરીશ. પાડોશમાં આટલો મસ્ત બંગલો છે અને એમાં કોણ રહે છે એનીય આપણને ખબર નથી. પ્લીઝ, મારી પાછળ આવો.’


પત્નીહઠ પાસે અવિનાશ ઝૂકી ગયો. જિજ્ઞાસા તો એને પણ હતી પરંતુ આ રીતે અંદર ઘૂસવાની એની માનસિક તૈયારી નહોતી. અત્યારે અલકાની જીદ પૂરી કરવા એ અલકાની પાછળ અંદર પ્રવેશ્યો.


વિશાળ આરસના ઓટલા પર બેસીને માળી તમાકુ મસળી રહ્યો હતો. એની બાજુમાં નોકર જેવા બે માણસો બેઠા હતા. અલકા અને અવિનાશ બાજુના ફ્લેટમાં રહે છે એટલી એમને ખબર હશે એટલે એમણે રોક્યા નહીં. માત્ર આશ્ચર્યથી તાકી રહ્યા.


‘ભૈયાજી, આ બંગલામાં કોણ રહે છે ?’ ત્રણેયની સામે જોઈને અલકાએ હસીને ખુલાસો કર્યો. ‘બાજુના ફ્લેટમાં રહીએ છીએ પણ અહીંયા કોણ રહે છે એની કંઈ ખબર નથી. બંગલો એટલો આલાગ્રાન્ડ છે કે અંદરથી જોવાનું મન થઈ ગયું...’


‘કશો વાંધો નહીં...’ એક નોકર ઊભો થયો. ‘બંગલામાં નીલુબહેન રહે છે. બે દીકરા અને એક દીકરી છે. ઘરડી સાસુ છે. બધા ઉપરના રૂમમાં રહે છે. આવો...’ એની પાછળ અવિનાશ અને અલકા બંગલામાં પ્રવેશ્યા.


માય ગોડ..’ જુનવાણી ફર્નિચરથી ભરચક ડ્રોઇંગરૂમ જોઈને અલકાના હોઠમાંથી શબ્દો સરક્યા. ‘આટલો વૈભવી અને વિશાળ ડ્રોઇંગરૂમ સિરિયોલમાં જ જોયો હતો.’ ડ્રોઇંગરૂમ અને કિચનની વચ્ચે જે ડાઇનિંગ ટેબલ હતું એની સામે એ મુગ્ધતાથી તાકી રહી. બત્રીસ ખુરશીઓવાળું સીસમનું ડાઇનિંગ ટેબલ અને એની બોર્ડર પર હાથીદાંતની કોતરણી જોઈને એ દંગ થઈ ગઈ. એ પછી રસોડું સાવ અવાવરું હતું. એ જોઈને એણે નોકરને પૂછ્યું. ‘આ લોકો અહીં રસોઈ બનાવીને નથી જમતા ?’


‘બધાના મગજ થોડાક ધૂની છે...’ નોકરે માહિતી આપી. ‘ઉપર જ રહે છે. અત્યારે એમને મળશો એટલે ખ્યાલ આવી જશે.’


‘આપણા ફ્લેટ જેટલા એરિયામાં તો ઉપર જવાની સીડી છે !’ વર્તુળાકાર લાકડાની સીડી ચઢતી વખતે અલકાએ અહોભાવથી અવિનાશ સામે જોયું.

ઉપર ચાર બેડરૂમની વચ્ચોવચ ડ્રોઇંગરૂમ હતો. નીચેની જેવું જ કલાત્મક ફર્નિચર હતું. સોફા ઉપર બેસીને નીલુબહેન ટીવી જોઈ રહ્યાં હતાં. પચાસેક વર્ષની ઉંમર પણ જાણે સતત ટેન્શનમાં રહેતા હોય એમ ચહેરો ચિમળાઈ ગયેલો લાગતો હતો. એમની બાજુમાં સોળ-સત્તર વર્ષની એમની દીકરી બેઠી હતી. વિશાળ ભોળી આંખો, ગોળમટોળ ચહેરા પર હજુ બાળપણ છલકાતું હોય એવું લાગે, હોઠ પર લાલઘૂમ લિપસ્ટિક..


‘અમે લોકો બાજુના ફ્લેટમાં રહેવા આવ્યા છીએ...’ નીલુબહેને સામે મોં મલકાવીને અલકાએ પરિચય આપ્યો. ‘બહારથી જેટલી વાર તમારો બંગલો જોઉ એટલી વાર અંદર આવવાનું મન થતું હતું. એટલે આજે હિંમત કરી...’


‘નો પ્રોબ્લેમ...’ એમણે પણ અલકા સામે સ્મિત કર્યું અને દીકરી સામે જોયું... ‘ગુલાબી, અવાજ ધીમો કર..’ ગુલાબીએ રિમોટ હાથમાં લઈને ટીવીનો અવાજ ધીમો કર્યો... ‘આ બંગલો મારા સસરાજીએ બનાવેલો. એ તો ક્યારનાય ગુજરી ગયા. સાસુજી જીવે છે. અંદરના રૂમમાં સૂતાં છે. બે દીકરા છે. મારા મિસ્ટર તો એમના બિઝનેસના કામથી મુંબઈ અને ગોવા જ રહે છે...’


એ બોલતાં હતાં એ વખતે અલકાની આંખો રૂમના નિરીક્ષણમાં રોકાયેલી હતી. બારેક ગોદરેજનાં કબાટ હતાં. રૂમના ખૂણામાં ગાદલાઓની થપ્પી પડી હતી. એકેય ગાદલા ઉપર ખોળ નહોતી અને ગંદાં-ફાટેલાં ગાદલાઓમાંથી રૂ ડોકિયાં કરી રહ્યું હતું.


રૂમના બીજા ખૂણે અલકાની નજર અટકી ગઈ. એક પછી એક એલ્યુમિનિયમની પાંચેક એઠી તપેલીઓ પડી હતી. દરેકમાં ચાના કૂચા હતા. સસ્તી પ્લાસ્ટિકની એઠી ગરણીઓ પણ એ ઢગલામાં પડી હતી. બ્રેડના આખા અને તોડેલા છ-સાત પેકેટ પડ્યાં હતાં. છાપાના કાગળમાં બહારથી ભજિયાં કે દાલવડાં લવાયેલાં હશે એના અવશેષો પણ ત્યાં પડ્યા હતા અને એ આખા ઢગલા ઉપર માખીઓ બણબણતી હતી. વધુ સમય ત્યાં જોઈશ તો ઊલટી થઈ જશે એવું લાગ્યું એટલે અલકાએ નજર હટાવીને નીલબુહેન સામે જોયું.


‘ગુલાબીને આવું બધું જ ભાવે છે...’ અલકાનો ચહેરો જોઈને નીલુબહેને ખુલાસો કર્યો. આ બધો જ અવાજ સાંભળીને અંદરના રૂમમાંથી ૭૪-૭૫ વર્ષની વૃદ્ધા બહાર આવી. એમને નમસ્કાર કરીને અલકાએ ફરીથી કેસેટ વગાડી.


‘મારા ધણીએ રાત-દિવસ જોયા વગર કાળી મજૂરી કરીને આ બંગલો બનાવેલો. આખા અમદાવાદના મિલમાલિકો એમને સલામ મારતા હતા એવો વટ હતો એમનો...’ માજીનો કરચલીવાળો ચહેરો ગર્વથી છલકાતો હતો. એમણે અલકા અને અવિનાશને સોફા ઉપર બેસવા ઇશારો કર્યો. એ બંને બેઠાં એટલે માજી સામેના સોફા ઉપર બેઠાં.


‘દીવા પાછળ અંધારું...’ માજીના અવાજમાં પીડા ઉમેરાઈ. હવે નીલુબહેન નીચું જોઈને બેઠાં હતાં.


‘મારા દીકરામાં એના બાપ જેવી હોંશિયારી ના મળે. મારા માટીડાએ મહેનત કરીને ભેગું કરેલું એ સાચવવાની આવડત પણ એનામાં નથી. ગોવા અને મુંબઈમાં પડ્યો રહે છે. લોકોને હરામનું ધૂતીને કમાય છે અને લફરામાં ઉડાડે છે. અહીં અમે પાંચ રહીએ છીએ. મારા વરજીએ ડહાપણ વાપરીને ડિપોઝિટો કરાવેલી એનું વ્યાજ આવે છે. બાકી દીકરાને કંઈ પડી નથી...’


સાગના સોટા જેવી માજીની પાતળી કાયા, કરચલીવાળો ચહેરો અને એમાં ચમકતી પાણીદાર આંખો સામે અલકા તાકી રહી હતી. ‘એનું આ બૈરુંય એવું મળ્યું છે...’ માજીએ નીલુબહેન તરફ હાથ લંબાવ્યો...


‘ઘરમાં પચાસ મહેમાનો હોય તો ય હું રસોઈ બનાવવામાં પહોંચી વળતી હતી. મારું શરીર કથળ્યું અને આ રૂપસુંદરીને રાંધતાં નથી આવડતું. બહુ ટાઇમ શિખડાવવાની કોશિશ કરેલી પણ હારી ગઈ. આ વાલામૂઈની દાનત હોય તો શીખેને ? રોજ બ્રેડ અને ભજિયાં મંગાવે અને નોકર ચા બનાવે..’


વર્ષો પછી કદાચ પહેલી વાર એ વૃદ્ધાને મોં ખોલવાની તક મળી હતી. અવિનાશ અને અલકા સામે એ ઉભરો ઠાલવી રહી હતી. ‘આ તો સારું છે કે પૈસાનો વહીવટ મારા હાથમાં છે એટલે દબાયેલી રહે છે. બાકી બધું ઉડાડી મારે...’ માજીએ બે હાથ વચ્ચે માથું પકડી લીધું.


‘દીકરો તિકડમ ચલાવે છે. એને અમારી પરવા નથી. એની વહુ દાધારંગી છે અને આ છોકરી અડધી ગાંડી છે...’ ગુલાબી તરફ આંગળી ચીંધીને એમણે નિસાસો નાખ્યો. ‘આ બાપડી અબુધ છે અને એના બે ભાઈઓ સાવ ઘનચક્કર છે. આખો દિવસ બહાર રખડ્યા કરે છે. ઈશ્વર જાણે કે એ બંને પૈસા ક્યાંથી લાવે છે ? એનો બાપ વર્ષે એકાદ વાર આવે ત્યારે મારાથી છાના આપતો હશે..’


અલકા સ્તબ્ધ બનીને સાંભળતી હતી. નીલુબહેન સમસમીને નીચું જોઈને બેઠાં હતાં. એમના હોઠ ગુસ્સાથી બિડાયેલા હતા. ખાસ્સું બોલ્યા પછી માજી થાક્યાં એટલે અટક્યાં. ‘પાડોશી થઈને પહેલી વાર ઘેર આવ્યા છો એટલે ચા-પાણીનો વિવેક કરવો જોઈએ...’


અલકાના ચહેરા સામે જોઈને એમણે સમજદારી બતાવી. એઠવાડના ઢગલા સામે હાથ લંબાવીને એમણે કહ્યું, ‘આ બધું ઈને કોઈ સારા માણસને ચા પીવાની ઇચ્છા ના થાય. મારે તો મજબૂરી છે એટલે ખાવું-પીવું પડે પણ તમને ખોટો આગ્રહ નહીં કરું... જ્યારે મન થાય ત્યારે મળવા આવજે.. આ ડોસીને સારું લાગશે...’


અવિનાશ અને અલકા ઊભાં થયાં. માજીની વાત સાંભળીને એ બંને એટલાં હચમચી ઊઠ્યાં હતાં કે ઘર સુધી કંઈ બોલી ના શક્યાં.


દસેક દિવસ પછી અલકા શાકભાજી ખરીદીને આવતી હતી ત્યારે નીલુબહેન અને ગુલાબી બંગલાના ગેટ પાસે ઊભાં હતાં. ગુલાબીના મોંમાં પાનનો ડૂચો ભરેલો હતો. ‘ગુલાબીને પાન ખાવાનું મન થયેલું એટલે લઈ ગયેલી...’ નીલુબહેને અલકાનો હાથ પકડી લીધો.. ‘તમારે કે તમારા સર્કલમાં કોઈને ગોદરેજનું કબાટ લેવાનું હોય તો કહેજો. તમે ઉપર જોયેલાને ?’


અલકાએ હકારમાં માથું હલાવ્યું એટલે નીલુબહેને ઉમેર્યું. ‘બીજું એક કામ હતું. તમારે ત્યાં બટાકાપૌંવા બનાવો ત્યારે થોડા મોકલશો ? ગુલાબીને બહુ ભાવે છે...’ અલકાએ હસીને હા પાડી અને ઘર તરફ આગળ વધી. એનું મગજ ચકરાઈ ગયું હતું. આટલા મોટા બંગલાની માલિક અને બટાકાપૌંવા જેવી સામાન્ય વસ્તુ માટે કરગરે ?ગોદરેજના કબાટ વેચીને પણ એને રોકડી જ કરવી હશેને ?


એકાદ મહિના પછી રાત્રે અઢી વાગ્યે અચાનક ચીસાચીસ સાંભળીને અવિનાશ અને અલકા જાગી ગયાં. બૂમાબૂમના અવાજ બાજુના બંગલામાંથી આવી રહ્યા હતા. ફ્લેટવાળા બધા દોડીને ત્યાં પહોંચ્યા. એક ભયાનક ઘટના બનતાં બનતાં રહી ગઈ હતી. નીલુબહેન અને એમના બે ગાંડાધેલા દીકરાઓએ માજીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.


ડોસી મરે તો આખો દલ્લો મળે એ ગણતરીએ ઊઘતા માજી ઉપર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી હતી ! માજીએ ચીસાચીસ કરી એટલે બધા નોકરો દોડી આવ્યા અને તરત આગ બુઝાવી દીધી એટલે માજી બચી ગયાં. ‘આ બે ગાંડિયાઓએ આવું પરાક્રમ કર્યું. હું તો ઊંઘતી હતી...’ નીલુબહેને બધાની સામે ખુલાસો કરીને પોતાની જાતને નિર્દોષ સાબિત કવા પ્રયત્ન કર્યો.

‘મારે કોઈની સામે કોઈ ફરિયાદ નથી.’ માજીએ ખાનદાની બતાવીને માફી આપી. ‘આ વાતની જાણ મારા દીકરાને પણ નથી કરવાની...’ એમણે નીલુબહેન અને નોકરોને સૂચના આપી. થોડી વાર રોકાઈને ફ્લેટવાળા પાછા આવ્યા. ચારેક મહિનામાં બીજી કોઈ ઘટના ના બની.

‘આવા હેવાન જેવા માણસો પણ હોય છે...’ અવિનાશ ઓફિસથી ઘેર આવ્યો ત્યારે અલકાના અવાજમાં આક્રોશ હતો. ‘આવા રાક્ષસને તો ફાંસી આપવી જોઈએ.’ એ કયા સંદર્ભમાં બોલી રહી છે એ સમજાયું નહીં એટલે અવિનાશ એની સામે તાકી રહ્યો.


‘સોસાયટીની બધી લેડિઝમાં ચર્ચા થતી હતી એટલે ખબર પડી. નીલુબહેનની ગુલાબી મંદબુદ્ધિની છે. એ માસૂમનો કોઈએ ગેરલાભ લીધો અને એ બિચારી પ્રેગ્નન્ટ થઈ ગઈ ! બંગલાના નોકરોમાંથી જ કોઈકે આ કાળું કામ કર્યું હશે... ખબર પડી એટલે નીલુબહેનનો વર આવી ગયો. બધા નોકરોને કાઢી મૂક્યા અને બંગલાને તાળું મારીને આખો પરિવાર ક્યાંક જતો રહ્યો છે..’

દોઢ મહિના પછી બધા પાછા આવી ગયા. એ પછીના મહિને ખબર પડી કે બંગલો કોઈ બિલ્ડરને વેચાઈ ગયો છે. એક રવિવારે બધો સામાન ટ્રકોમાં ભરાઈ રહ્યો હતો. માજીને મળવાની અવિનાશને ઇચ્છા થઈ એટલે એ અંદર ગયો. પોતાના પતિએ જાત દેખરેખમાં બનાવેલા બંગલાની દીવાલો સામે તાકીને એ વૃદ્ધા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.


‘લોકોને બેવકૂફ બનાવીને દીકરાએ હરામની કમાણી શરૂ કરી ત્યારથી ખબર હતી કે આવા દિવસો આવશે... એ એવો ફસાયો છે કે બંગલો વેચવો પડ્યો...’ ડોસીના અવાજમાં વલોવી નાખે એવી વેદના હતી.. ‘દાધારંગી વહુ, સગી દાદીને સળગાવી મૂકે એવા ગાંડા દીકરાઓ...’ ડોસીનો અવાજ ધ્રૂજતો હતો.


મંદબુદ્ધિની દીકરીને કોઈ નોકર ફસાવે... આ બધું ઘરમાં બને એનો એને અણસાર નથી અને આખી દુનિયાનું જ્યોતિષ જોવાનું નાટક કરે છે ! ગ્રહો અને કુંડળીના નામે દુનિયાને છેતરીને ખોટા માર્ગે કમાણી શરૂ કરી ત્યારથી પનોતી બેઠી છે... દીકરાઓ આવા પાકશે અને દીકરીની આવી અવદશા થશે એનું ભાન નથી અને લોકોને સલાહ આપીને પૈસા પડાવે છે... ! એની હરામની કમાણીમાં મારું મોત બગડ્યું. અહીં જ છેલ્લા શ્વાસ લેવાની ઇચ્છા હતી અને ઘર છોડવું પડ્યું... !’


એ વલોપાત કરતા હતા અવિનાશ સ્તબ્ધ બનીને બંગલા સામે તાકી રહ્યો હતો.

Note ::: I took this article from divyaBhaskar daily newspaper, originally written by Maheshbhai Yagnik.

0 comments