આજની યુવા અને કિશોરવયની પેઢી પોતાની રીતે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે અને સફળતાનાં શિખરો પણ પ્રાપ્ત કરે છે ! પણ બીજી બાજુ આ યુવા પેઢીમાંથી આજના વાતાવરણમાં મોટા ભાગના લપસણી બાજુ સરકતા સરકતા બરબાદી, નશાખોરી કે ચોરી અને ગુંડાગીરી તરફ આગળ વધે છે. નથી મા-બાપને ખબર પડતી કે નથી ખુદ યુવા-પેઢીને ખબર. જો તમારું સંતાન મુગ્ધાવસ્થામાં પસાર થતું હોય અને તમે બન્ને કારોબારમાં ખૂબ જ વ્યસ્ત હો તો આ સત્યઘટના તમને ચેતવણી આપે છે… અમારી સોસાયટીમાં નોકરી કરતું યુગલ રહે છે. તેમને એક નેહા નામની સરસ હસમુખી છોકરી છે. નજીકની સ્કૂલમાં ભણે છે. રજા હોય તો તે કુટુંબ પિકનિક પર, હૉટલ અને પિકચરોમાં સાથે જાય અને બધા આનંદ કરે. પણ મુગ્ધાવસ્થા લીસ્સા સાપ જેવી છે. ક્યારે ડંસી જાય અને તેનું ઝેર ચઢે તેની ખબર પણ ન પડે. ધીમે ધીમે નેહા પણ તેની બહેનપણીઓના વર્તુળમાં ખેંચાવા લાગી. નવમા ધોરણમાં આવી. તેનામાં ઘણો ફેરફાર થવા લાગ્યો. હવે મા-બાપ કરતાં મિત્રો વહાલા લાગવા માંડ્યા. અભ્યાસને સ્થાને પાર્ટીઓ અને સ્કૂલ તેમજ કલાસમાંથી ચોરીછૂપી બહાર જવાનું વધવા માંડ્યું. બધાની જેમ નેહાને પણ બૉય-ફ્રેન્ડ મળી ગયો અને મિત્રોના વર્તુળમાંથી હવે તે બન્ને અલગ અલગ જગ્યાએ ફરવા લાગ્યાં. આ તરફ મોંઘવારીમાં બે છેડા મેળવવા તેઓ કામ કરતાં. અને ઘરે નેહા ચાલાકીપૂર્વક ટ્યુશન કલાસ તેમજ સ્કૂલના ભણતરની વાત કરતી. સ્કૂલમાં પણ રિઝલ્ટ બગડવા લાગ્યું અને હવે તો નેહામાં સાહસ આવી ગયું કે તે જ રિઝલ્ટમાં મા-બાપની સહી કરવા લાગી હતી. મા-બાપ તેની ભણવાની કહેવાતી લગન અને મહેનત જોઈ હરખાતાં. તેના સુંદર સ્વપ્નાઓ જોતાં હતાં, પણ એક દિવસ સ્કૂલમાંથી તેમના ઘરે ફોન આવ્યો અને તેમણે હકીકત જાણી ત્યારે તેમને ચક્કર આવવા લાગ્યા કે નેહાનું સ્કૂલમાં હાજરી તેમજ પરિશ્રમનું પરિણામ ખૂબ જ નિરાશાજનક હતું. મા-બાપના ભરોસાને તોડતી ઘણી બાબતો તેમને અકળાવતી ગઈ. એક ધનિક નબીરાના ચક્રવ્યૂહમાં તે ફસાઈ ગઈ હતી. તેને એક વાર તેના ‘ફ્રેન્ડ’ સાથે પકડી પાડી, પણ શરમ અને આકર્ષણ બન્ને એકબીજાની વિરુદ્ધમાં જાય છે. બીજા મા-બાપોની જેમ જ તેને મારવાનું, સમજાવાનું અને લાગણીના હથિયારો વાપરી જોયાં અને નેહાએ પોતે હવે ભૂલ નહિ કરેનું વચન આપી નિયમિત હોવાનો દેખાડો કર્યો અને જ્યારે પણ મોકો મળે ત્યારે તેના પ્રેમીની કારમાં દૂર દૂર હોટલોમાં જવાનું ચાલુ રાખ્યું. એક વખત તેમના પ્રેમની નાજુક-શારીરિક ક્ષણોને મોબાઈલના વીડિયો કલીપિંગમાં તેના પ્રેમીએ ઉતારી લીધી અને હવે તેના પ્રેમીએ અસલી સ્વરૂપ બતાવ્યું અને તેને તે બતાવી ધમકાવવા લાગ્યો અને એક કૉલગર્લની જેમ તેના વર્તુળમાં તે મોકલવા લાગ્યો. મા-બાપને છેતરવાનો તેને ખૂબ જ પસ્તાવો થયો, પણ કોઈ રસ્તો મળતો નહોતો. બરબાદીના રસ્તે પરાણે આગળ ધપતી નેહાના ગુલાબી સ્વપ્નાઓ પર હકીકતનો ઍસિડ ફરી વળતાં પ્રેમનો રૂપાળો ચહેરો બેવફાઈથી બેડોળ બની ગયો. અંતે તેની બેનપણીને મળી બધી વાત જણાવી. તેની બેનપણી તો એસએસસીની પરીક્ષાની તૈયારી કરતી હતી. નેહાએ રડતાં રડતાં કહ્યું, ‘મરતાં પહેલાં તને મળીને થોડોક ભાર ઓછો થયો…..’ આ તરફ તેની બેનપણીએ સમયસૂચકતા વાપરી તેનાં મા-બાપને જાણ કરી. તેનાં મા-બાપ તો આઘાતમાં સરી પડ્યાં, પણ નેહાને ઘરે લઈ આવ્યાં. લાગવગવાળો અને પૈસાદાર નેહાનો પ્રેમી ધમકાવવા લાગ્યો. કંટાળી અને હતાશ થઈ એક થોડાક ઓળખીતા પોલીસ ઑફિસરને વાત કરી અને થોડા સમય માટે બહારગામ જતાં રહ્યાં. આ કુટુંબ સાથે મારો ઘર જેવો સંબંધ અને આ ઘટનાના દરેક તબક્કાનો હું સાક્ષી અને ક્યારેક સલાહકાર પણ રહ્યો છું. નાનપણની ઢીંગલી જેવી નેહાને રમાડવા જઈએ ત્યારે મારા મોટા પેટ પર મુક્કા મારતી ને બોલતી : ‘અંકલ ! હું મોટી થઈને ડૉકટર બનીને તમારા પેટને સીધું કરી દઈશ…’ અને આજની નેહા….. વાચકમિત્રો ! આ લખતાં લખતાં મારા હાથ ધ્રૂજે છે અને આંખમાં આંસુ આવી જાય છે. તેને જોઈએ તો લાગે એક જીવતી જાગતી માત્ર સત્તર વર્ષની લાશ…. જો તમે આ ઉંમરનાં સંતાનોના વાલીઓ હો તો મારી તમને આજીજી છે કે પ્લીઝ ! તમારાં સંતાનો પર નજર રાખજો. તેમના મોબાઈલ, અભ્યાસનું લૉકર ચેક કરજો અને તેની સ્કૂલ કે કૉલેજમાં અચાનક જઈ તપાસ કરજો. મિત્રવર્તુળને ચકાસશો તો જ તમારું સંતાન જાણે-અજાણે આ લપસણી દુનિયામાં નહિ જાય… નહિતર એક મા-બાપની ફરજ ચૂક્યાનો વસવસો આખી જિંદગી રહેશે… Note :: This content is taken from readgujarati.com.
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment