[01] જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે. [02] પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય. [03] સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે. [04] જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી. [05] હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું. [06] જૂની મૂલ્યવાન ચીજો એટલે જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો. [07] એ માણસ ભલે મૂરખની જેમ બોલતો હોય કે મૂરખની જેમ વર્તતો હોય, તમે એનાથી મૂરખ ન બનતાં, એ ખરેખર મૂરખ જ છે ! [08] ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે. [09] ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે. [10] પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો. [11] નાના શત્રુને નાથવા નાના નાના ઉપાય જ પૂરતા હોય છે. ઉંદરને બિલાડી જ મારે છે, સિંહ નહીં ! [12] આપણો સ્વભાવ આમેય અળવીતરો છે. ઘરમાં આપણને હૉટેલ જેવી સગવડતા જોઈએ અને હૉટેલમાં ઘર જેવી સગવડતા. [13] ખોટું કામ કરવા માટે હજુ સુધી સાચો રસ્તો કોઈ શોધી જ નથી શક્યું….! [14] મોતથી ન ડરવું એ વીરતા ખરી, પરંતુ મોત કરતાંય જીવવું વધુ કપરું બની જાય ત્યારે ખુમારીથી જીવી જવું એ ખરી વીરતા ગણાય. [15] જે માણસ કશું જાણતો નથી તેનું સુખ એ છે કે તેને કોઈ જ બાબતમાં શંકા થતી નથી. [16] દરેક પુરુષને પત્નીની જરૂર રહેવાની જ. જ્યારે જ્યારે કાંઈક અવળું પડે તે દરેક વખતે એ કાંઈ સરકારનો વાંક થોડો જ કાઢી શકે છે ? [17] લોકો જો બુદ્ધિપૂર્વક વિચાર કરતાં હોય તો ઘણા છૂટાછેડા અટકી જાય – ઘણાં લગ્નો પણ. [18] સમય બચાવવાની ઘણી તરકીબો હોય છે. જેમ કે, આજે કરવું જ જોઈએ એવું કામ તમે કાલ પર ઠેલો, તો આજે કેટલો બધો સમય બચી જશે ! [19] ફરિયાદ કરવા જેવું કશું ન હોય, ત્યારે પણ તમે ફરિયાદ જ કરતા રહી શકતા હો તો જાણજો કે તમે લોકશાહીમાં વસો છો. [20] જૂઠાણું કહેવું સહેલું છે, પણ ફક્ત એક જ જુઠાણું કહેવું ઘણું કઠણ છે. [21] આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન. [22] કોઈ યુગલે પ્રેમલગ્ન કર્યાં તેના કારણની એક યાદી બનાવીએ પછી એમણે છૂટાછેડા શા માટે લીધા એનાં કારણની બીજી યાદી બનાવીએ તો એ બે વચ્ચે ઘણું સામ્ય દેખાશે !! [23] ડિસ્કોની વ્યાખ્યા : ડિફેકટિવ ઈન્સ્ટ્રુમેન્ટ સપ્લાઈંગ કંપનીના વાજિંત્રમાંથી જે કઢંગા સૂરો નીકળે એનું નામ ડિસ્કો સંગીત. [24] લીલુંછમ્મ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે, જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું હોય છે. [25] ફૂલછોડનો ઉછેર કરવો એ તો શિયાળાની વહેલી સવારે ઈશ્વર સાથે મોર્નિંગ વૉક લેવા જેઉં છે. [26] નડતર વગરના રસ્તાઓ તો ધારો એટલા શોધી શકો, પરંતુ અફસોસ એટલો જ છે કે આવા મુશ્કેલી વગરના માર્ગ કોઈ મંજિલ સુધી જતા જ નથી. [27] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી ! [28] ખરાબ પુસ્તક દુષ્ટ લુટારા કરતાં વધારે ખરાબ છે. એ તમારો કીંમતી સમય લૂંટી જતા હોય છે. [29] તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો ! [30] કેટલાક લોકો નવી કાર ખરીદે ત્યારે એવું માની લે છે કે કારની સાથે એમને રોડ પણ મફતમાં મળ્યો છે. [31] સુખી થવાનો સચોટ ઉપાય છે : અપેક્ષાની ઉપેક્ષા કરતાં શીખી જવું !
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment