[01] ‘ઘરમાં મારું ચલણ છે !’ એવું કહેનારો પુરુષ બીજાં જૂઠાણાં પણ નહિ બોલતો હોય એની શી ખાતરી ? [02] પૈસા ઉછીના લેવા જ પડે તો નિરાશાવાદી પાસેથી લેજો. ગમે તેમ તોયે, પૈસા પાછા આવશે એવી આશા એને હોતી નથી. [03] જીભ તો જન્મના પહેલા દિવસે જ મળી જાય છે પણ એ પછી એના ઉપયોગની કલા મેળવતાં ક્યારેક આખી જિંદગી વીતી જતી હોય છે. [04] દાન આપ્યા પછી દાન લેનાર પાસેથી કોઈ કામની અપેક્ષા રાખવી એ તમારું દાન કે મદદ નથી, પણ એ તમારી વ્યવહાર ચતુરાઈ છે. [05] એક રેસ્ટોરાં પોતાના ગ્રાહકની ઘણી કાળજી લે છે. તેમના વાનગીપત્રક(મેનુકાર્ડ)ને અંતે નજીકના બધા ડૉકટરોનાં સરનામાં છાપેલાં છે. [06] કેટલાક ડૉકટરોને એટલી બધી ધીકતી પ્રૅક્ટિસ ચાલે છે કે ઘણા દર્દીઓને તે નિખાલસપણે કહી પણ દે છે કે, ‘તમને કશું થયું નથી !’ [07] નિરક્ષરતાની તરફેણમાં એક વાત જરૂર કહી શકાય : તેનાથી તમે અમુક પ્રકારના માથાના દુખાવારૂપ સાહિત્ય વાંચવામાંથી ઊગરી જાઓ છો !! [08] એ ગાય છે ત્યારે એના ચહેરા પર દર્દ જોવા મળે છે, તો એના સાંભળનારાઓના ચહેરા પર તો એના કરતાંય વધારે દર્દ દેખાય છે. [09] ‘એ તો વાઈરસ છે !’ એવું જ્યારે દાકતર આપણને કહે ત્યારે જાણવું કે આપણું દરદ એમને સમજાયું નથી. ‘એ તો એલર્જી છે !’ એવું કહે ત્યારે જાણવું કે – સમજાયું છે, પણ એ મટાડી શક્યા નથી. [10] વાતચીતની કળા મરી પરવારી છે એવું માનનારા લોકોને ટેલિફોન બૂથ આગળ લાઈનમાં ઊભા રહીને રાહ જોવાનો અનુભવ નહીં થયો હોય. [11] ઝાઝાં પુસ્તકો વાંચ્યા પછી માણસ ખરેખરું એ જ્ઞાન એ મેળવે છે કે બહુ ઓછાં પુસ્તકો વાંચવાલાયક હોય છે. [12] મહેમાન-ખંડ (ગેસ્ટરૂમ)માં ટાંગેલું એક ભીંતપત્ર(વૉલપેપર) : ‘જગતમાં પોતાના ઘર જેવું કોઈ સ્થળ નથી.’ [13] કંટાળાજનક માણસો બે પ્રકારના હોય છે : એક, જે ખૂબ બોલવા માગતા હોય છે; બીજા જે ખૂબ ઓછું સાંભળવા માગતા હોય છે. [14] ચૂંટણીમાં હારી ગયા પછી ઘણા ઉમેદવારોને વિસામણ થાય છે કે પોતે વધારે પડતું જૂઠું બોલ્યા તેથી પરાજય પામ્યા હશે કે ઓછું જૂઠું બોલ્યા તે કારણે ? [15] લગ્ન પછી પુરુષમાં ઘણા સદગુણોનો વિકાસ થાય છે, તેમાંનો એક સદગુણ છે – મૌન. [16] ટપાલના દર જે રીતે વધતા જાય છે તે જોતાં લાગે છે કે નજીકના ભવિષ્યમાં રૂબરૂ મળી આવવું સસ્તું પડશે. [17] બીજાઓને આપણે થોડો સમય જ મૂર્ખ બનાવી શકીએ છીએ – પણ આપણી જાતને હંમેશ માટે. [18] આપણી પ્રજા હવે સશક્ત બનતી જાય છે ! પાંચ વરસ પર પચાસ રૂપિયાનું કરિયાણું ઊંચકવા માટે મજૂરની જરૂર પડતી, હવે તે નાનું બાળક પણ ઊંચકી શકે છે. [19] કૉલેજમાં ભણવાથી માણસને નોકરીની ખાતરી મળી જતી નથી – પણ તે મેળવવાની ચિંતા કરવા કાજે ત્રણ વરસનો સમય મળે છે ખરો. [20] આપણી પાસે હકીકતો બહુ ઓછી હોય ત્યારે અભિપ્રાયો બાંધવાનું ઘણું સહેલું બની જાય છે. [21] આપણે સ્વર્ગમાં જશું કે નરકમાં, પણ જેમને ત્યાં જોવાની કલ્પનાયે નહિ કરી હોય એવા ઘણા માણસો મળી જતાં આપણને ખૂબ નવાઈ લાગવાની; અને આપણને ત્યાં જોઈને એમને પણ. [22] ટપાલ-વહેંચણીમાં ઝડપ લાવવી હોય તો એક રસ્તો છે – એ ખાતાના કર્મચારીઓને પગારના ચેક ટપાલમાં જ મોકલવા ! [23] અમે ઘરમાં કામની વહેંચણી કરી લીધી છે. સવારથી બપોર સુધી મારી પત્ની એ કરે છે, જે એણે કરવું હોય છે અને બપોરથી રાત સુધી હું એ કરું છું, જે એણે કરવું હોય છે. [24] અર્થશાસ્ત્રનો અભ્યાસ એ દર્શાવે છે કે કંઈ પણ ખરીદવાનો સારામાં સારો સમય ગયું વર્ષ છે. [25] જિંદગીમાં સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે. માત્ર આપણને એની હાજરીની બરાબર નોંધ લેતાં નથી આવડતું….!! [26] બૅન્ક તમારી પાસે 1000 રૂપિયા માગતી હોય તો એ તમારી ચિંતા છે, પણ બૅન્ક જો તમારી પાસે એક લાખ રૂપિયા માગતી હોય તો એ એની ચિંતા છે…..!! [27] ઉંમર ગમે તે હોય, પણ તમે હંમેશા ભવિષ્યનો જ વિચાર કરનારા હો તો તમે બાળક જ છો…. સતત ભૂતકાળ જ વાગોળ્યા કરતા હો તો તમે વૃદ્ધ જ છો અને જિંદગીની પ્રત્યેક પળ જો તમે વર્તમાનમાં જ જીવતા હો તો તમે ચીર યુવાન જ ગણાવ. [28] રોજ રોજ આપણે કંઈને કંઈ નવું શીખીએ છીએ. ઘણીવાર તો ગઈકાલે આપણે જે શીખેલા તે ખોટું હતું તે વાત આજે શીખીએ છીએ. [29] સૌંદર્ય નાશવંત છે એ સમજાવવા પ્રભુએ પુષ્પો સર્જ્યાં છે…!! [30] સુખનો અર્થ એ નથી કે તમને કોઈ જ પ્રશ્ન પજવતા ન હોય. સુખની વ્યાખ્યા એ છે કે આવા પ્રશ્નોને તમે સફળતાપૂર્વક ઉકેલી શકો. [31] લાગતાવળગતાને આબાદ ફિટ થાય તેવી એક ઉક્તિ : ચોરેલાં ઝાંઝર પહેરીને ભગાય નહીં….!!
Subscribe to:
Post Comments (Atom)
0 comments
Post a Comment