માનવતાના મશાલચી

Posted by Duty Until Death | 4:58 AM | 0 comments »

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

[1] ના પુણ્ય પરવાર્યું નથી – શૈલી પરીખ

થોડા સમય પહેલાંની વાત છે. હું પત્રકારત્વનો અભ્યાસ કરું છું તે સંદર્ભમાં મારે જુદા-જુદા વિસ્તારોની સંસ્થાની મુલાકાત લેવાની હોય છે. તે દિવસે મારે મોટેરા સ્ટેડિયમ પાસે એક સંસ્થાની મુલાકાતે જવાનું હતું. રવિવારનો દિવસ અને મને ક્યારેય બસમાં બેસવાની આદત નહીં, માંડ-માંડ સવારે નવ વાગ્યે સાબરમતી ટોલનાકા સુધી બસમાં અને ત્યારબાદ રિક્ષામાં સંસ્થાએ પહોંચી. ત્યાં વાતચીત કરતાં કરતાં બપોરના બે વાગી ગયા. સખત ગરમી ને બળબળતો તડકો. મારે પાછા જવા માટે રિક્ષા શોધવી પડે તેમ હતું. ત્યાં સંસ્થાના મકાનથી થોડે આગળ માત્ર એક જ રિક્ષા ઊભી હતી. ડાબી બાજુથી વૃદ્ધ દંપતીએ રિક્ષાવાળા ભાઈને બૂમ પાડી, મેં જમણી તરફથી રિક્ષાવાળા ભાઈને રોક્યા. રિક્ષાવાળા ભાઈએ મને કહ્યું : ‘પહેલાં વૃદ્ધ દંપતીએ મને રોક્યો છે તેથી તે પરવાનગી આપે તો હું તમને રિક્ષામાં બેસાડું.’ મેં વૃદ્ધ કાકા સામે જોયું. વૃદ્ધ કાકાએ રિક્ષાવાળા ભાઈને કહ્યું : ‘ભાઈ, બળબળતા તાપમાં આ છોકરી બીજી રિક્ષાની રાહ જોશે તો માંદી પડશે. અમારે શાહીબાગ જવું છે. તું તેને અમારી સાથે લઈ લે અને તેને જે નજીક પડે ત્યાં ઉતારી દેજે.’

સુભાષ બ્રીજ સુધી રિક્ષાવાળા ભાઈ મને મૂકવા તૈયાર થયા. ત્યાં પહોંચી મેં તે વૃદ્ધ દંપતીનો આભાર માન્યો અને રિક્ષાવાળા ભાઈને આપવા વીસ રૂપિયા કાઢ્યા. તો તેમાંથી કંઈ જ લેવાની ના કહી રિક્ષાવાળા ભાઈએ કહ્યું : ‘મારાથી ન લેવાય.’ વળી વૃદ્ધ દાદાએ મને કહ્યું : ‘આજે તને મારે કારણે ફાયદો થયો હોય, તો આવતીકાલે તને કોઈ આવા વૃદ્ધ મળે તેને તું મદદ કરજે.’ તે જોઈ મને ખરેખર અનુભૂતિ થઈ કે ના પુણ્ય હજુ પરવાર્યું નથી.

[2] હીરજી – કુંદન દવે

1935ની સાલમાં 4 વર્ષની ઉંમરે મેં પોરબંદરમાં પગ મૂક્યો અને 1950માં લગ્ન થતાં એ ગામ છોડ્યું, હંમેશ માટે નહીં, ક્યારેક ક્યારેક જ જવાનું થતું એ પણ પ્રસૂતિ કે કોઈ પ્રસંગોપાત જ. અમારું ઘર સ્ટેશન રોડ અને ભોજેશ્વર પ્લોટના ખૂણા પર. જમણે હાથે લાંબે પટ્ટે સ્ટેશન રોડ ને ડાબે હાથે ભોજેશ્વર પ્લોટનો રસ્તો. સ્ટેશન રોડ સુદામા ચૉકે પૂરો થાય ને ભોજેશ્વર પ્લૉટનો રસ્તો ઠેઠ ખાડીએ !! આ આખું ગામ પાઘડી બને. બે બાજુ વિશાળ ખાડી અને મથાળે અરબી સમુદ્ર ઘૂઘવાટા કરે. જેનાં ચોપાટી ને ચોબારી બે જ ફરવાનાં માત્ર સ્થળો ! બાકી હવેલીઓ ક્યાંય નહીં હોય એટલી આ ગામમાં, મંદિરોનું તો પૂછવું જ શું ?

અમારા ઘરથી ચોથો બંગલો હેમી માસીનો. તેમના બે આઉટહાઉસ. જેમાં એકમાં ભોજો માળી રહે ને બીજામાં ડાહીમા. વિધવા, બે દીકરા. મોટો દયાળ ને નાનો હીરજી. ડાહીમા હેમી માસીનું બધું ઘરકામ કરે ને દળણાં તેનાં જ દળે, પણ અમારે ઘરોબો સારો એટલે એક અમારું દળણું દળી આપે. તે જમાનામાં દળવાની ચક્કીઓ નહોતી. હેમી માસીની જશુ મારા બાના વર્ગમાં ભણે, એથી ડાહીમા અમને નજીકમાં મળી ગયાં, બાકી તો દૂર-દૂર ઘરઘરાઉ ઘંટીએ જવું પડે. દયાળ ડાહ્યો, સમજણો તે નાનપણથી મજૂરીએ જાય. બે પૈસા કમાઈને માને આપે. હીરજી નાનો, કંઈક લાડકો હશે તે માનું કોઈ કામ ન કરે કે ભણવામાં ય દિ નો વાળે. નાપાસ થયા કરે. હા, કસરત કરતો હોય. આઠમના મેળામાં ઊંચો કૂદકો તો હીરજીનો જ. પોરબંદરના રાણા સાહેબને હાથે દર વર્ષે ઈનામો મેળવે, બાકી હરિહરિ. મારાં બા તરફથી અમને બંને બહેનોને ખાસ સૂચના કે ડાહીમાને ત્યાં દળણું લેવા-મૂકવા બપોરે ના જવું. સવારે કે સાંજે જવું જ્યારે હીરજી ઘરમાં ન હોય. આ સૂચનાને કારણે મારું બાળમાનસ હીરજીના નામમાત્રથી ભડકતું, તે હું મેટ્રિકમાં આવી ત્યાં સુધી ભડકેલું રહ્યું ! મારાં કડવાં-મીઠાં સંભારણામાં આ હીરજી પલાંઠી વાળીને બેઠો છે. આજે એ ક્યાં હશે, શું કરતો હશે – ભગવાન જાણે ! પરંતુ પોરબંદર છોડવા ટાણે તેને જોવા-મળવા કે વાત કરવાનો મોકો ના મળ્યો તેનો રંજ આજે પણ છે. કેમ ? માંડીને વાત કરું.

હું મેટ્રિકમાં હતી (1947) ત્યારે મારા કાકા (પપ્પા)નું અવસાન થયું. માત્ર 45 વર્ષની ઉંમરે ! ધ્રાંગધ્રાંથી ઘણાં સગાંઓ કાકા-કાકી આવેલાં. તેરમાની વિધિ-સરવણિ થઈ. બધાં પિંડ ને પૂજાપો દૂર ખાડીમાં કાકા સાથે હું પધરાવવા ગઈ ને નિશાળે જવાનું મોડું થયું. ઘરમાં આવું વાતાવરણ ને પરીક્ષા આવતી હોવાથી નિશાળે જવું જરૂરી હતું. હું બરાબર બારના ટકોરે જવા નીકળી. ફુવારો વટાવ્યા પછી ભાવસિંહજી હાઈસ્કૂલનો રસ્તો આવે. દરિયા સુધી કોઈ ચકલુંય ના દેખાય.

જરા આગળ જઈ જ્યાં મેં પાછળ જોયું તો હીરજી દેખાણો. બાપ રે, તેની બીક તો નાનપણથી લાગતી હતી. આગળ ડગલું ભરવાની હામ ના રહી. પગ ઊપડે નહીં. માગશર મહિનો હતો ને હું પરસેવે રેબઝેબ ! ધીમા ડગલે ચાલતી રહી, ત્યાં જમણે હાથે કલબના ઝાંપેથી એક યુવાન સાયકલ લઈને નીકળ્યો. થોડો આગળ ગયો ને ઊભો રહી ગયો. ચાળા કરવા લાગ્યો, કહે : ‘ચાલ સાયકલ પર બેસાડી દઉં, ફરવા લઈ જાઉં.’ ત્યાં તો ચિત્તાની ઝડપે હીરજી કૂદ્યો. પેલાની સાયકલ ઝૂંટવી, પછાડી કલબના ઝાંપે ઊભો રાખ્યો. મારા તરફ ફરીને કહે, ‘ચાલ બેન તું લલિતા બેનની દીકરી છો, મારી નાની બેન છો, હું તને હાઈસ્કૂલ મૂકી જાઉં.’ પેલા તરફ મોં કરી કહ્યું : ‘ગામની બેન-દીકરી તારે શું થાય ? હમણાં અહીં ઊભો રહે, આ મારી બેનને મૂકી આવું પછી તને સાયકલ ને મેથીપાક બેય આપું છું.’ કહી સાયકલ તેણે પોતાના હાથે ચલાવવા માંડી. હું શાળાના મેદાનમાં દાખલ થઈ કે હીરજી પાછો વળી ગયો. હાશ, લેડીઝરૂમમાં જઈ હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. હીરજીની સામે જોઈ આભારના બે શબ્દો બોલી ના શકી. એની તો તાકાત જ ક્યાં હતી ? આજે એ દશ્ય, એ માનવતા, એ ઊંચી સંસ્કારિતા મને અકળાવે છે. તેથી જ હીરજી સંભારણામાં એવો ને એવો બેઠો છે !!

[3] તમને ફાળ પડે છે ? – રેવતુભા રાયજાદા

અમારી શાળામાં જાણીતા લેખક શ્રી ધ્રુવ ભટ્ટ પધારેલા. બાળકો સાથે થયેલ ગોષ્ઠિમાં તેઓએ કહેલ એક પ્રસંગ આપણી આંખો ખોલી નાખનારો છે. ધ્રુવભાઈ અને તેઓના કેટલાક મિત્રો રોજ બર્ડ વૉચિંગ (પક્ષીદર્શન) માટે જતા. તેઓની પાસે પક્ષી અંગેનાં પુસ્તકો, નોંધપોથી, કૅમેરા અને બાઈનોક્યૂલર વગેરે હોય. તેઓ જ્યાંથી જતા તે રસ્તામાં એક વાડીએ એક વૃદ્ધ અભણ ખેડૂત રોજ આ લોકોને ઠઠરા સાથે આવતા કે જતા જુએ.

એક દિવસ આ ખેડૂતે ધ્રુવભાઈ અને તેના મિત્રોને બોલાવ્યા અને પૂછ્યું :
‘તમે બધાય રોજ આમ સીમમાં ક્યાં જાવ છો ?’
એક જણે ઉત્તર આપ્યો : ‘અમે બધા પક્ષી જોવા જઈએ છીએ.’
‘તી પક્ષી જોઈને શું કરો ?’
‘અમારી નોંધપોથીમાં લખીએ. ઓળખીએ.’
‘એમ ? તો તો તમે પંખીમાં ઘણું સમજતા હશો, ખરું ને ?’
‘હા.’
‘હું એક સવાલ પૂછું ?’
‘પૂછો.’
‘મને કો’ જોઈ કે પરોઢિયે સીમમાં પ્રથમ કયું પક્ષી બોલે ?’
પક્ષીદર્શકો અવાક !!!
‘નથી ખબર ને ? બીજું કયું બોલે ? ત્રીજું કયું બોલે ? ખબર છે ?’
‘ના, નથી ખબર.’
‘તો હું કહું.’
‘હા, કહો ને.’
‘પ્રથમ બોલે રણહોલો, બીજું બોલે….’

ધ્રુવભાઈ અને મિત્રો નોંધવા લાગ્યા. વૃદ્ધ ખેડૂતે લખવાનું રોકતાં કહ્યું, ‘આ વાત લખવાની નથી. સમજવાની છે, આથી એક પક્ષી સવારે ન બોલે તો તમને ફાળ પડે છે ?’
પક્ષીદર્શકો શું બોલે ?
ભાભો કહે : ‘જો ફાળ ન પડતી હોય તો આ ભૂંગળાં ગળામાં લટકાવવામાં કે લખવામાં કોઈ માલ નથી.’
ધ્રુવભાઈ અને મિત્રો સ્તબ્ધ. એક અભણ માણસની વાત ધ્રુજાવી ગઈ. વિચારતા કરી ગઈ કે કઈ યુનિવર્સિટી આ શીખવે ? આજે શોધો, સંશોધનો થાય છે, પક્ષીદર્શકોનાં ચેકલિસ્ટ મોટા થતાં જાય છે પણ…. આ ફાળ નથી પડતી તેથી લુપ્ત થનારાનું લિસ્ટ પણ મોટું થતું જાય છે.

0 comments