કરમની ગતિ ન્શારી

Posted by Duty Until Death | 2:53 AM | 0 comments »

એક સમયે બાપ ને દીકરો પોતાનો ઘોડાને લઈને ક્યાંક જતા હતા.

થોડેક દૂર જતાં દીકરાએ બાપને કહ્યું: ‘બાપા! તમે ચાલતાં ચાલતાં થાકી જશો, માટે થોડી વાર તમે ઘોડા ઉપર બેસી જાવ, હું ચાલતો આવું છું.’

બાપ ઘોડા ઉપર બેઠો ને ઘોડાને ધીમે ધીમે ચલાવવા લાગ્યો.

છોકરો પણ ઘોડાની સાથે સાથે ચાલી રહ્યો હતો. તેઓ થોડાક આગળ ગયા. હવે ત્યાં રસ્તામાં કેટલાક માણસો તેમના સામે હાથ લાંબા કરીને બોલવા લાગ્યાઃ ‘અરે! જુઓ તો ખરા! શું વખત આવ્યો છે! લોકોના દિલમાંથી દયા જ જાણે ગાયબ થઈ ગઈ છે. કોણ જાણે આ બાપ કેવો નિર્દય છે? છોકરો તાપમાં અને કાંટા-કાંકરામાં ચાલે છે ને બાપ તેની દયા લાવ્યા વિના નિરાંતે ઘોડા ઉપર બેઠો છે.’

ઘોડા ઉપર બેઠેલા બાપે લોકોની ટીકાને આવા કટુંવચનો સાંભળ્યાં એટલે છોકરો ઘોડાને ધીમે ધીમે ચલાવા લાગ્યો અને બાપ ઘોડાને દોરતો તેની સાથે પગપાળા ચાલવા લાગ્યો. બંને ધીમે ધીમે પંથ કાપી રહ્યા હતા. તેઓ થોડે દૂર ગયા હશે ત્યાં પાછા કેટલાક માણસો તેમને ધારી ધારીને જોતાં કહેવા લાગ્યાઃ ‘જોયું! કંઈ કહેવા જેવું છે? શું જમાનો આવ્યો છે. આ જુવાનજોધ છોકરો મોજથી ઘોડા પર બેઠો છે, ને તેનો ઘરડો બાપ બિચારો ટાંટિયા તોડતો તેની સાથે ચાલી રહ્યો છે! છોકરો કેવો નિર્લજ્જ કે ઘરડા બાપને ઘોડા પર બેસાડવાને બદલે રસ્તા ઉપર ચલાવી રહ્યો છે?’

આ વચનો બાપ-દીકરાએ સાંભળ્યાં. બંને મૂંઝવણમાં પડી ગયા. આ લોકો તે કેવા છે? દીકરો ઘોડા પર બેઠો તોયે લોકોને ગમ્યું નહીં અને બાપ બેઠો તોયે લોકોને ગમ્યું નહીં. બહુ વિચારીને હવે બાપ ને દીકરો બંને ઘોડા પર બેસી ગયા ને ઘોડાને ધીમે ધીમે ચલાવવા માંડયા.

થોડા આગળ વધ્યા તો તેમને જોઈ લોકોએ પાછા તેમને ટોક્યાઃ

‘છે આમાં જીવદયા જેવું કાંઈ? બાપ-દીકરો કેવા નિર્દય છે? બંને પાડા જેવા, નાનકડા ટટ્ટુ ઉપર બેઠા છે, તો તેમના બેવડાં વજનથી બિચારું ટટ્ટુ મરી જશે.’ આ સાંભળી બાપ-દીકરો તુરંત જ ઘોડા પરથી નીચે ઊતરી ગયા ને ઘોડાને દોરતા આગળ ચાલી નીકળ્યા. તેઓ વાતો કરતાં આગળ જઈ રહ્યા હતા.

આગળ જતાં એક ગામના પાદર નજીક તેઓ આવી પહોંચ્યા. પાદરમાં કેટલાક લોકો તેમને મળ્યા. તેઓ આમને જોઈને આપસમાં કહેવા લાગ્યાઃ જગતમાં મૂર્ખાના ગામ કંઈ જુદા વસતા હશે? આ લોકો કેવા મૂર્ખ છે. સાથે ઘોડો છે પણ બંને અભાગિયા ચાલતા જાય છે. છે એકેયમાં અક્કલનો છાંટો?

આ જગતની વાત જ જુદી છે. ઘોડા પર એક બેઠો તોયે નિંદા અને બંને જણ ઘોડા પર બેઠા તોયે નિંદા, ને બંને ન બેઠા તોયે નિંદા કરવા લાગ્યા.

નારદજીએ પ્રભુને પ્રસન્ન કરવાના ત્રણ સહેલા અને સરળ માર્ગો બતાવ્યા છેઃ (૧) અહિંસા પરમોધર્મ- જીવ માત્ર ઉપર દયા રાખવી. (૨) જે કાંઈ મળે તેનાથી સંતોષ માનવો. (૩) સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો. આ ત્રણ પ્રમાણે જ વર્તે તેના ઉપર ભગવાન તુરંત જ પ્રસન્ન થાય છે.

મૈત્રેયજીએ વિદુરજીને આ પવિત્ર કથા સંભળાવી તો વિદુરજીએ કહ્યું: ‘મેં જે સાંભળ્યું તેનું મારે ચિંતન કરવું છે.’ પ્રચેતાઓની કથાથી વક્તા-શ્રોતાનાં પાપ બળે છે, આ પવિત્ર કથા સાંભળ્યા પછી વિદુરજીને મુક્તિ મળી.

પરીક્ષિત રાજાએ શુકદેવજીને પ્રશ્ન કરેલો કેઃ સ્વાયંભુવ મનુમહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઇચ્છા નહોતી તેમ છતાં તેણે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? એની ભક્તિ શ્રીકૃષ્ણમાં કેવી રીતે દૃઢ થઈ?

શુકદેવજી કહેઃ ‘હે રાજન્! ઘરસંસાર ભક્તિમાં બાધક બને છે, કારણ કે ગૃહસ્થાશ્રમી હોય તે મિત્ર, શત્રુ, ચોર કે શઠમાં- સર્વ પ્રતિ સમભાવ રાખી શકતો નથી. શ્રીકૃષ્ણના ગૃહસ્થાશ્રમમાં જોઈએ તો તેઓ સર્વ પ્રત્યે સમભાવ રાખતા હતા. તે માટે એક પ્રસંગ મુમુક્ષુઓએ ખાસ જાણવા જેવો છેઃ

એક વખત દુર્યોધન શ્રીકૃષ્ણ ભગવાન પાસે મદદઅર્થે આવ્યો.

પહેલા આ જ દુર્યોધને શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું છતાં તે દુષ્ટ નફ્ફટ થઈ, લાજ કોરાણે મૂકી ભગવાન પાસે મદદ માંગવા આવ્યો હતો.

સાધારણ મનુષ્ય હોય તો તે ક્યારેય પોતાનું થયેલું અપમાન ભૂલતો નથી. પણ આ તો ભગવાન હતા તેથી દુર્યોધનને મદદ આપવા તત્પર થયા. બન્યું એવું કે ત્યારે અર્જુન પણ મદદ માટે શ્રીકૃષ્ણ પાસે આવેલો. અર્જુન અને દુર્યોધન બંને લગભગ સાથે સાથે થઈ ગયા હતા. બંને તેમની પાસે બેઠા હતા.

બંનેમાં અર્જુન પહેલા આવેલો હતો છતાં દુર્યોધન ભગવાનને કહેવા લાગ્યોઃ માગવાનો પ્રથમ અધિકારી હું છું, કારણ કે હું પહેલો આવ્યો છું.

શ્રીકૃષ્ણ કહેઃ ‘કોણ પહેલું અને કોણ પછી, તે મારે જોવાનું નથી. મારા મનથી તો તમે બંનેય સરખા છો, હું તમને બંનેને મદદ કરીશ. જુઓ મારી પાસે બે પ્રસ્તાવ છે, તેમાંથી ગમે તે પસંદ કરી મને કહો. જુઓ, એક પક્ષમાં મારા સિવાય મારી નારાયણી સેના રહેશે, અને એક પક્ષમાં હું પોતે અસ્ત્રશસ્ત્ર વગર રહીશ. તમને આ બંનેમાંથી જે પસંદ હોય તે કહો.’

દુર્યોધને વિચાર્યું: ‘આ પ્રચંડ યુદ્ધમાં કૃષ્ણ અસ્ત્ર-શસ્ત્ર વગર આવીને કરશે શું? ખાલી વાતો કરશે. માટે નારાયણી સેના માગી લઉં.’ આમ વિચારી દુર્યોધને શ્રીકૃષ્ણ પાસે નારાયણી સેનાની માગણી કરી અને અર્જુને અસ્ત્ર-શસ્ત્ર વગરના શ્રીકૃષ્ણ માગ્યા. અને આ રીતે શ્રીકૃષ્ણે બંને પક્ષે સહાય કરી.

શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી પણ આદર્શ સંન્યાસી છે. તેમણે દુર્યોધન અને અર્જુન બંને ઉપર સમભાવ રાખ્યો છે. બંને પર સમદૃષ્ટિ રાખી છે.

પ્રિયવ્રત રાજાના મનમાં કે ઘરમાં રહીને પ્રભુની ભક્તિ થતી નથી. ગૃહસ્થાશ્રમમાં ભક્તિ કરતાં વારંવાર વિઘ્ન આવે છે. ઘરમાં અનેક પ્રકારની અંતરાય-ઉપાધિ આવે છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવા, બંનેને સાચવવા બહુ મુશ્કેલ છે. તેથી જ જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે.

પ્રિયવ્રત રાજાએ બ્રહ્માજીને કહ્યું: ‘હવે મારી ઇચ્છા એકાંતમાં બેસી ઈશ્વરની આરાધના કરવાની છે. વનમાં જઈને એકાંત જગામાં પ્રભુનું ધ્યાન પ્રીતે કરીશ.’

બ્રહ્માજી બોલ્યાઃ ‘પ્રારબ્ધ હોય તે ભોગવ્યા વગર છૂટકો નથી. હું પણ પરમાત્માની આજ્ઞામાં રહીને પ્રારબ્ધ પૂરું કરું છું. ખરું કહું તો વનમાં જવાની તમારે હજુ વાર છે. માટે ઘરમાં રહી ભક્તિ કરો. તમે સંસારમાં સાવધાન રહી વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહાર એ પણ એક પ્રકારની ભક્તિ જ છે.’

પ્રિયવ્રતે લગ્ન કર્યા તે પછી તેને ત્યાં અનેક સંતાનો થયાં. પ્રિયવ્રત પછી આગવિધ્ર રાજગાદી ઉપર બિરાજ્યા, પરંતુ થોડા જ સમય પછી તેઓ રાજપાટ છોડી વનમાં જઈ તપ કરવા લાગ્યા. તેઓ શાંતિથી તપ કરી રહ્યા હતા ત્યાં પૂર્વચિત્તિ પૂર્વજન્મની વાસના વિઘ્ન કરવા આવી. ચિત્તમાં રહેલી પૂર્વજન્મની વાસના એ જ ‘પૂર્વચિત્તિ’ - પૂર્વજન્મની વાસના જલદી છૂટતી નથી.

જીવાત્મા નિવૃત્તિ લઈને ગમે ત્યાં જઈને બેસે તો પણ પૂર્વના સંસ્કારો પૂર્વની વાસનાનું તેને વારંવાર સ્મરણ થાય છે. આગવિધ્ર રાજા પણ પૂર્વચિત્તિમાં ફસાયા હતા.

આ આગવિધ્રના ગૃહે થયા નાભિરાજા અને નાભિરાજાના ગૃહે ઋષભદેવ પુત્રરૃપે પ્રગટ થયા. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવજી જ્ઞાનાવતાર છે.

જગતને જ્ઞાની પરમહંસનો આદર્શ બતાવવા ભગવાને ઋષભદેવરૃપે જન્મ લીધો. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરતાં કેઃ ‘મનખાદેહ ભોગ માટે નથી પણ તપ કરવા માટે છે. તપ કરવાથી જ મનુષ્યના દેહનું સાર્થક થાય છે. મહામૂલો માનવદેહ વિષયભોગમાં વેડફી નાખશો નહીં. સર્વમાં પ્રભુને નિહાળો. જીવમાત્ર ઉપર દયા રાખો. કોઈ પણ જીવની હિંસા કરો નહીં.’

0 comments