એક સંતના શિષ્યની શિક્ષા પૂરી થતાં તેમણે તેને વિદાય આપવાનું વિચાર્યું. સંતે તેની બધી પરીક્ષા કરી લીધી હતી. પણ તેમને એવું લાગ્યું કે તેની એક પરીક્ષા લેવાની બાકી રહી ગઈ છે. જ્યારે શિષ્યે જવા માટે રજા માગી તો તેમણે તેને થોડા દિવસ વધુ રોકાવા માટે કહ્યું. શિષ્ય ગુરુના કહેવા પ્રમાણે ત્યાં રોકાયો અને તેમની સેવા કરવા લાગ્યો.

એક દિવસ ગુરુએ એક ધૂણી સળગાવીને મૂકી અને પછી શિષ્યને તેમણે કહ્યું, ‘પુત્ર જરા જો તો ધૂણીમાં થોડી આગ છે? મારે આગ જોઈએ છે. ધૂણીમાંથી કાઢીને મને આપ.’ શિષ્યે ધૂણી ફંફોસી અને કહ્યું કે ગુરુજી આમાં તો આગ સહેજ પણ નથી. હું તમને બીજે ક્યાંકથી આગ લાવીને આપું છું. ના પુત્ર બીજે ક્યાંય પણ જવાની જરૃર નથી.

મને તો આ ધૂણીમાં જ અગ્નિનાં દર્શન થાય છે. તું મને તેમાંથી જ અગ્નિ લાવીને આપ. ગુરુના કહેવાથી શિષ્યે ફરી વાર ધૂણીમાં ફંફોસ્યું. પણ ધૂણી તો સંપૂર્ણ રીતે ઠરી ગઈ હતી. તેથી શિષ્યે વિનમ્રતાથી કહ્યું, ગુરુજી આ ધૂણીમાં હવે થોડી પણ અગ્નિ રહી નથી. જોકે ગુરુ વારંવાર એ જ વાતને દોહરાવતા રહ્યા કે થોડી અગ્નિ તો છે અને શિષ્ય વિનમ્રતાથી કહેતો રહ્યો કે સહેજ પણ અગ્નિ નથી.

પૂછવા અને કહેવાનો ક્રમ લગભગ પચાસ વાર થયો. અને છેવટે ગુરુએ શિષ્યને કહ્યું કે તું હવે પરીક્ષમાં સંપૂર્ણ રીતે પાસ થઈ ગયો છે. હું તો એ જોવા માગતો હતો કે શું હજુ પણ થોડો ગુસ્સો તારા સ્વભાવમાં છે કે નહીં. પરંતુ તેં સંપૂર્ણપણે વિજય મેળવ્યો છે. આટલી વાત કર્યા પછી ગુરુએ શિષ્યને આશીર્વાદ આપીને વિદાય કર્યો.

0 comments