માતાનો મઢ - આશાપુરા

Posted by Duty Until Death | 3:04 AM | 0 comments »

કચ્‍છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે 80 કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં 600 વર્ષમાં કચ્‍છના લોકોની આસ્‍થાનું જીવંત પ્રતીક બની ગયું છે.


ઈસુની 14મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્‍યું હતું, જેને કચ્‍છમાં આવેલા 1819ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્‍લભાજીએ ફરી બંધાવ્‍યું હતું. લગભગ 58 ફૂટ લાંબા, 32 ફૂટ પહોળા અને 52 ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્‍છમાં ઈ. સ.2001 માં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો, પણ જોતજોતામાં આ મંદિરને હવે ભવ્‍યતમ બનાવી દેવાયું છે. અહીં બિરાજમાન આશાપુરા માની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી, રાતા રંગની મૂર્તિ સ્‍વયંભૂ છે.


કચ્‍છના ક્રોમવેલ ગણાતા જમાદાર ફતેહમામદે પણ આ મંદિરને 41 વાટવાળી, બે કિલો વજનની ચાંદીની ‘દીપમાળા‘ ભેટ આપી છે. મંદિરના વડાને ‘રાજાબાવા‘ કહેવાય છે અને તેમનું વર્ચસ્‍વ હજુ રાજા જેટલું જ છે. કચ્‍છના રાજા જ્યારે માતાના મઢ જાય ત્‍યારે રાજા બાવાને અવશ્‍ય પ્રણામ કરવા પડે. રાજા ઊભા હોય અને રાજાબાવા સિંહાસન પર બિરાજે. આશાપુરા મા કચ્‍છ ઉપરાંત જામનગરના જાડેજાઓની ‘કુળદેવી‘ છે. જામનગર ખાતે ‘નાની આશાપુરા‘માનું મંદિર આવેલું છે.


કચ્‍છ આવતા પદયાત્રીઓની આગતા-સ્‍વાગતામાં કોઈ કમી ન રહે તેવો પ્રયાસ કચ્‍છીઓ કરે છે. છેક સૂરજબારીથી માતાના મઢ સુધીના માર્ગમાં ઠેર ઠેર છાવણીઓ બંધાય છે. કેટલાંક ગામોમાં તો પદયાત્રી કેમ્‍પ માટે કાયમી બાંધકામ કરી દેવાયાં છે. ભુજ-અંજાર માર્ગ પર અને ભચાઉ-દૂધઈવાળા રસ્‍તે, ગ્રામ્‍ય લોકો ઉત્‍સાહથી ‘રાહત કેમ્‍પ‘ ઊભા કરે છે. જ્યાં ચા-પાણી, નાસ્‍તા, જમણ, ઠંડા પીણાં, દવાઓ, ફળફળાદિ તો ઠીક છે, પરંતુ તબીબ અને ફિઝયોથેરાપિસ્‍ટ સુધ્ધાંની વ્‍યવસ્‍થા કરાય છે. આ કેમ્‍પો ‘રાઉન્‍ડ ધ ક્લોક‘ ચાલતા રહે છે. ભુજમાં તાલુકા પંચાયતની સામે મોટો કેમ્‍પ હોય છે, એ પછી મીરઝાપર સુધીના ત્રણ કિ.મી.ના ગાળામાં પાંચ કેમ્‍પ ઊભા થાય છે. પદયાત્રીઓમાં તબીબો, બેંક પ્રબંધકો સહિતના શિક્ષિ‍ત લોકો પણ હોય છે. મહિલાઓ, કૉલેજકન્‍યાઓ, ખેડૂતકન્‍યાઓ, શિક્ષિ‍કાઓ કોઈ આ લહાવો ચૂકતું નથી. મુંબઈના શેઠિયાઓ, મહાજનો પણ સેવાકાર્ય માટે કચ્‍છમાં ધામા નાખે છે. ભુજમાં, આશાપુરા મંદિર પાસેના પંચહટડી ચોકમાંથી પદયાત્રીઓને વિદાય અપાય છે.


માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. ગામના વથાણમાંથી છેક માતાજીના મંદિર સુધીના રસ્‍તા પર નાળિયેરનાં છોતરાં એવાં પથરાઈ જાય છે કે જાણે નાળિયેરનાં છોતરાંની જાજમ બનાવી દેવાઈ હોય ! શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઊભી સ્‍વયં શિસ્‍તથી ‘આશાપુરામા‘ની મૂર્તિનાં દર્શન કરી ધન્‍ય બને છે. હવનાષ્‍ટમીના દિવસે, માતાના મઢ ખાતે યોજાતા હવનમાં કચ્‍છી રાજવી? પરિવાર હાજર રહે છે. જાતર ચઢાવાય છે અને ‘પત્રી‘ પડવાનો વિધિ થાય છે. અહીં ચાચર માતાનું મંદિર, ચાચરા ફંડ અને ‘ચાચર ચોક‘ પણ આવેલા છે.

0 comments