જિંદગી

Posted by Duty Until Death | 2:37 AM | 0 comments »

માનવીને મળેલી આ જિંદગી કેટલી અમૂલ્ય છે તેનો ખરો અંદાજ જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓથી થાય છે. જો માનવીના જીવનમાં કોઈ સમસ્યા જ ન હોત તો જીવન કેવું હોય? દરેક માનવીને જિંદગીના રસ્તે સતત મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે છે. તો પ્રશ્ન એ સતત સતાવતો રહે છે કે શું આ જિંદગી આમ સરળતાથી પસાર થશે કે કેમ? દરેક માનવી માટે આ બહુ ચિંતાનો વિષય છે. પ્રભુની પાસે આપણે એવી પ્રાર્થના કરવાની રહે કે સૌની જિંદગી સુખ-શાંતિ અને સરળતાથી પસાર થાય. આપણને એવા આશીર્વાદ આપે કે જેથી માનવજીવનને સુંદરતા બક્ષી શકાય. આમ તો દરેક વ્યક્તિને સાદી-સરળ જિંદગી પસંદ હોય છે. જોકે દરેક માટે આવી જિંદગી જીવવી શક્ય નથી. દરેકેદરેક વ્યક્તિને તેની જિંદગી પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા રહેલી છે. તેમાં કોઈની દખલગીરી તેને પસંદ પડતી નથી. માનવીને પોતાના વિચારો પ્રમાણે ચાલવાની અને તેને અનુરૃપ જીવન વિતાવવાની ઇચ્છા હોય છે.

જિંદગીના આ ચડાવ-ઉતારમાં આપણને ઘણા બધા કડવા-મીઠા અનુભવો થતા રહે છે. જિંદગી એ કુદરતની અમૂલ્ય બક્ષિસ છે. તેને ગમે તેવી રીતે જીવીને વેડફી ન શકાય. આ અમૂલ્ય જીવનરત્ન આપણને વારંવાર નથી મળતું. એવું કહેવાય છે કે પૂર્વભવનાં પુણ્યના પ્રતાપે આપણને સૌને આ સુંદર મનુષ્ય અવતાર મળ્યો છે. તો પછી આપણે તેને વધુ સારી રીતે માણી કેમ ન લઈએ? જીવનની દરેક પળ કીમતી અને અમૂલ્ય છે. તો તેને નકામી વેડફી ન નખાય. જીવનની દરેક ક્ષણ કીમતી છે તો તેનો આપણે વધુ ને વધુ સારી રીતે ઉપયોગ કરીને તેને માણી લેવાનો આ પ્રયાસ છે.

પ્રભુની અસીમ કૃપાથી આપણું શરીર ગુણાકારી તેમજ તંદુરસ્ત રહે તે આપણા માટે ગર્વ અનુભવવા જેવી વાત છે. જીવનમાં ડગલે ને પગલે સુખ-દુઃખ તો રહેવાનાં જ, તેનાથી હારી કે થાકી જઈને જિંદગીથી નિરાશ થવાની જરૃર નથી. આપણે જો જિંદગીને પ્રેમ કરીએ તો આસપાસની દુનિયા આપણને ખૂબ જ ગમવા લાગે છે. જ્યારે આપણું મન સ્વચ્છ સુંદર અને સ્વસ્થ વિચારો ધરાવતું હશે ત્યારે જ આ બધું શક્ય બનશે.

ઘણી વખત આપણે જિંદગીથી હારી જઈને નિરાશ બની જઈએ છીએ. ઘણી વખત ઘરના તેમજ બહારના કલહ-કંકાસ-ઝઘડા, વાદ-વિવાદથી આપણે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. ઘણી વાર તો એવું પણ લાગે છે કે આ જીવનનો કોઈ અર્થ નથી. વધુ પડતા ઝઘડા એ આપણા મનને ઘણી બધી રીતે કમજોર બનાવી દે છે અને જીવન જીવવા જેવું લાગતું નથી. આપણને કંઈ જ ગમતું હોતું નથી. આપણા મનમાં કાયમ ગમગીની છવાયેલી રહે છે.

આવા સમયે આપણે જિંદગી પ્રત્યે ખૂબ જ લગાવ ઊભો કરવો પડે છે. જીવનને જાણવા માટે જરૃરી ઉત્સાહ કેળવવો પડે છે. એ પણ વિચારવું પડે કે જીવનનો ખરો આનંદ શેમાં રહેલો છે. દરેક માણસે આ સફરમાં વાસ્તવિકતાને સ્વીકારીને જ ચાલવાની નીતિ અપનાવવી પડે છે. જિંદગીમાં ફૂલની જેમ સુવાસ મઘમઘતી રાખવા માટે સૌ કોઈને અંતરના ઉમળકા સાથે અપનાવવા પડે છે. ન ગમતી પ્રવૃત્તિઓને પણ જીવનમાં ખુશી મેળવવા ઘણી વખત અપનાવવી પડે છે, કરવી પડે છે. જીવનમાં થોડા સુખને પામવા માટે ઘણું બધું ત્યાગ કરવાની ભાવના રાખવી પડે છે. જિંદગીનો એક ખરો મંત્ર એ છે કે આપણે સુખી બનવા માટે હંમેશાં બીજાને સુખ આપવું જ પડે છે.

જિંદગીની આ સફર જો બધાને માટે સરળ બની જાય તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. વેર-ઝેર, રાગ-દ્વેષ, મોહમાયા, ઈર્ષા બધું જ આપોઆપ શમી જશે. સૌના જીવન હંમેશાં ફૂલની જેમ હસતાં જ રહેશે. પણ સવાલ એ છે કે શું આ બધું આપણે કરી શકીશું? આ પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવાનો છે. શું આપણી જિંદગી સુખ-શાંતિથી પસાર કરવાની ઇચ્છા છે કે પછી સાવ અશાંત બનીને જ નિરસતાથી જીવવી છે? આપણે કયા સુખની ઝંખના રાખીએ છીએ? તે વિચારવા મજબૂર કરી મૂકતો પ્રશ્ન છે. તેની સાથે આપણું સાચું સુખ ક્યાં સમાયેલું છે તે હંમેશાં વિચારીને જ ચાલવું યોગ્ય ગણાશે.

જો દીર્ઘદૃષ્ટિથી વિચારીશું તો ખબર પડશે કે જિંદગીની આ સફર ખરેખર ખૂબ અમૂલ્ય છે.

0 comments